
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સે અહીં ચેન્નઈ સુપર કિંગ્સને આઠ વિકેટે હરાવીને બે હાર પછી ફરી જીતવાનું શરૂ કર્યું હતું, જયારે ચેન્નઈને જીતની હૅટ-ટ્રિક નહોતી કરવા મળી. ચેન્નઈના 176/6 સામે લખનઊએ 19 ઓવરમાં 180/2નો સ્કોર નોંધાવ્યો હતો. બે ‘સુપર’ ટીમના જંગમાં લખનઊની ટીમ મેદાન મારી ગઈ.
કેપ્ટન કેએલ રાહુલ (82 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) અને કવિન્ટન ડિકૉક (54 રન, 43 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે 134 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી જે આ સીઝનનો નવો રેકોર્ડ છે. રાહુલ-ડિકૉકે બાર દિવસ પહેલાંનો વિરાટ-ડુ પ્લેસી વચ્ચેનો 125 રનની ભાગીદારીનો ઓપનિંગનો વિક્રમ તોડ્યો હતો. બેંગ્લૂરુના એ બે બૅટર્સની એ ભાગીદારી 6 એપ્રિલે જયપુરમાં રાજસ્થાન સામે થઈ હતી.

ચેન્નઈ સામે રાહુલ-ડિકૉકની પાર્ટનરશિપ તૂટ્યા બાદ પથિરાના સહિતના બોલર્સની અસરદાર બોલિંગ અને ચુસ્ત ફીલ્ડિંગને લીધે લખનઊને આસાનીથી મળી રહેલી જીત મુશ્કેલ થઈ ગઈ હતી. ડિકૉકને મુસ્તફીઝૂરે ધોનીના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો. રાહુલનો જાડેજાએ પથિરાનાના બૉલમાં ડાઇવિંગ કૅચ પકડ્યો હતો.
જોકે પૂરન (23 અણનમ, 12 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને સ્ટોઈનિસ (આઠ અણનમ, સાત બૉલ, એક ફોર) ક્રીઝમાં હતા એટલે લખનઊને વિજય મળવાની ખાતરી હતી અને તેઓ એક ઓવર બાકી રાખીને લખનઊને જીત અપાવીને રહ્યા. પોઈન્ટ્સમાં 1-10 ક્રમમાં ટીમની સ્થિતિ આ મુજબ છે: રાજસ્થાન, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, લખનઊ, દિલ્હી, મુંબઈ, ગુજરાત, પંજાબ અને બેંગલૂરુ. એ પહેલાં, એમએસ ધોનીએ અસલ મૂડમાં ફટકાબાજી કરી હતી. રવીન્દ્ર જાડેજા તથા મોઇન અલીએ પણ કમાલ દેખાડી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. એક તબક્કે ચેન્નઈનો સ્કોર પાંચ વિકેટે ફક્ત 90 રન હતો, પણ કેટલીક આક્રમક ઇનિંગ્સને લીધે ટીમનો સ્કોર પોણાબસો સુધી પહોંચી શક્યો હતો.
ચેન્નઈએ શરૂઆત ખરાબ કરી હતી, પણ ઇનિંગ્સનો અંત રોમાંચક હતો.
ટીમના ચોથા રને રાચિન રવીન્દ્ર (0) અને 33મા રને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ(17 રન) આઉટ થયા હતા. આઠથી બાર ઓવર દરમ્યાન વધુ ધબડકો થયો હતો, પરંતુ પહેલા રવીન્દ્ર જાડેજા (57 અણનમ, 40 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)એ અને પછી મોઇન અલી (30 રન, 20 બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા ધમાકા સાથે લખનઊની ટીમને વળતો જવાબ આપ્યો હતો.

એમએસ ધોની (28 અણનમ, નવ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અસલ મિજાજમાં રમ્યો હતો. 2023માં ચેન્નઈને પાંચમું ટાઇટલ અપાવ્યા બાદ બીજા જ અઠવાડિયે ઘૂંટણમાં સર્જરી કરાવનાર 42 વર્ષનો ધોની આ મૅચમાં સાધારણ યુવા ખેલાડીની જેમ રન લેવા દોડ્યો હતો અને જાડેજા સાથે તેણે 35 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ચેન્નઈએ છેલ્લી ચાર ઓવરમાં 62 રન બનાવ્યા હતા. 20મી ઓવર યશ ઠાકુરને અપાઈ હતી જેમાં ધોનીની એક સિક્સર અને બે ફોર સહિત કુલ 19 રન બન્યા હતા. રવીન્દ્ર જાડેજાએ ત્રણ વર્ષે હાફ સેન્ચુરી ફટકારી હતી. એ પહેલાં, ઓપનર અજિંક્ય રહાણે (36 રન, 24 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાધારણ ઇનિંગ્સ રમ્યો હતો. લખનઊ વતી કૃણાલ પંડ્યાએ બે તેમ જ યશ ઠાકુર, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી.