આપણું ગુજરાત

નિવૃત IAS એસ કે લાંગા અને તેમના પુત્ર સામે ACBએ અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધ્યો

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાની મુશ્કેલી વધી છે, એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ લાંગા અને તેમના પુત્ર વિરૃધ્ધ 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. એસ.કે. લાંગાએ તેમના ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવ્યાનો આરોપ છે. ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવાનો આરોપ મુખ્ય છે. લાંગાએ નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ છે.

ACBની તપાસ પ્રમાણે 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળા દરમિયાન એસ.કે. લાંગાએ તેમના પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવીના નામે ઘણી બધી મિલકતો વસાવી છે. તેમણે ભ્રષ્ટાચાર આચરીને કમાયેલા નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પુત્રના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરી 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળામાં પોતાની કાયદેસરની કુલ આવક 5,87,56,939ની સામે તેઓએ કુલ ખર્ચ અને રોકાણ કુલ રૂપિયા 17,59,74,682નું કર્યું છે. તેમણે 198.15 ટકા જેટલું રોકાણ કરી 11.64 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ACBને તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: અનાથાશ્રમના શિક્ષણથી IAS અધિકારી સુધી, કેરળના અધિકારીની પ્રેરણાદાયક સફર

એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્ત્વના મહેસૂલી નિર્ણયોની તપાસ કરવા માટે ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 6 એપ્રિલ 2023ના રોજ વચગાળાનો તપાસ અહેવાલ આપ્યો હતો. એમાં નિવૃત્ત IAS એસ.કે.લાંગા, તત્કાલીન ચીટનીશ અને તત્કાલીન RAC વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવા માટે સૂચન કર્યું હતું, જે રિપોર્ટના આધારે ગાંધીનગર કલેકટર કચેરીના વર્તમાન ચીટનીશ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

એસ.કે લાંગા દ્વારા ગાંધીનગરના કલેકટર તરીકે આચરવામાં આવેલી ગેરરીતિ પૈકી સૌથી મોટી ગેરરીતી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની સીમમાં આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીન અંગેની છે. આ જમીન પાંજરાપોળ માટે હતી ત્યારબાદ આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી હતી.

એસ. કે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા.

એસ. કે. લાંગાએ નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો પણ સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં ફેરફારો કરી મોટાં આર્થિક કૌભાંડો આચર્યા હતા. ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button