ગુજરાતમાં ભાજપે ક્ષત્રિયોને કેમ ગણકાર્યા જ નહીં ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ગુજરાતમાં ક્ષત્રિયોએ ભાજપને આપેલા અલ્ટિમેટમની મુદત પૂરી થઈ ગઈ ને ભાજપ આ અલ્ટિમેટમને ધરાર ઘોળીને પી ગયો પછી હવે ક્ષત્રિય સમાજ શું કરશે એ સવાલ પુછાઈ રહ્યો છે. રાજકોટના રતનપરમાં મળેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપને પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવા ૧૯ એપ્રિલની સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. સાથે સાથે રૂપાલાને નહીં બદલાય તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના તમામ ૨૬ લોકસભા બેઠકોની વિરૂદ્ધ મતદાન કરવાની ધમકી પણ ક્ષત્રિય સમાજે આપી હતી.
ભાજપે ક્ષત્રિય સમાજની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી. બલ્કે એ હદે ક્ષત્રિય સમાજની ઉપેક્ષા કરી કે, ક્ષત્રિય સમાજનું અલ્ટિમેટમ પતે તેની રાહ જોવાની તસદી પણ ના લીધી. ક્ષત્રિય સમાજે આપેલા અલ્ટિમેટમના એક દિવસ પહેલાં જ રૂપાલા પાસે રાજકોટમાંથી ફોર્મ ભરાવીને ક્ષત્રિય સમાજને સાફ શબ્દોમાં કહી પણ દીધું કે, તમારાથી થાય એ કરી લો ને ઉખાડવું હોય એ ઉખાડી લો પણ અમે તો રૂપાલાને ચાલુ રાખવાના જ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તો ક્ષત્રિય સમાજ કંઈ ગણતરીમાં જ ના હોય ને તેના અલ્ટિમેટમને કારણે કોઈ ફરક જ ના પડતો હોય એ રીતે કહી દીધું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા તેના કરતાં વધારે લીડથી રૂપાલા જીતવાના છે.
ભાજપના આ વલણ પછી ક્ષત્રિય સમાજ પાસે બે જ વિકલ્પ બચે છે. કાં કશું બોલ્યા વિના ચૂપચાપ બેસી જવું કાં આરપારની લડાઈ લડી નાખવી. ક્ષત્રિય સમાજે ભાજપ સામે જે હોંકારાપડકારા કર્યા છે એ જોતાં ચપૂચાપ ઘરે બેસીને જોઈ રહેવાનું પરવડે એમ નથી કેમ કે તેના કારણ હાંસીને પાત્ર ઠરાય. આ સંજોગોમાં ખરેખર તો હવે લડી લેવાનો જ વિકલ્પ બચે છે. આ વિકલ્પ અજમાવીને પણ કશા કાંદા કાઢવાના નથી એ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જાણતા જ હશે પણ હવે વટને ખાતર પણ લડવું પડે એમ છે.
આ લડાઈમાં આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપનું કશું બગાડી શકે તેમ નથી. તેનું કારણ એ કે, ક્ષત્રિયો પાસે એવી મોટી મતબેંક જ નથી. ગુજરાતની વસતીની રીતે સૌથી મોટી પાંચ મતબેંકમાં પણ ક્ષત્રિયો આવતા નથી. ગુજરાતમાં ૭ કરોડથી વધુ વસ્તી છે અને તેમાં ક્ષત્રિય સમાજની વસતી ૩૫ લાખની આસપાસ છે. ગુજરાતમાં ભાજપના કાર્યકરોની સંખ્યા ૧ કરોડથી વધારે છે એ જોતાં ૩૫ લાખની વસતી ધરાવતો સમાજ ભાજપને હરાવી શકે એવી વાત કરવી જ હાસ્યાસ્પદ છે.
બીજું એ કે, ક્ષત્રિયોની વસતી ગમે તેટલી હોય પણ તેમનો રાજકીય પ્રભાવ બહુ નથી. ગુજરાતમાં પાટીદારોની વસતી બહુ વધારે નથી પણ તેમનો રાજકીય પ્રભાવ જોરદાર છે. ગુજરાતની વસતીમાં પાટીદારોનું પ્રમાણ ૧૬ ટકાની આસપાસ છે પણ વિધાનસભામાં ને લોકસભા બંનેમાં તેમના પચીસ ટકા કરતાં વધારે ધારાસભ્યો ને સાંસદ ચૂંટાય છે. તેનું કારણ એ છે કે, પાટીદારો સવર્ણ સમાજના સર્વસંમત આગેવાન તરીકે ઊભર્યા છે.
ગુજરાતમાં સવર્ણોમાં પાટીદારો અને ક્ષત્રિયો બે મુખ્ય સમાજ છે પણ બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, સોની સહિતના સવર્ણો પાટીદારો સાથે રહે છે, ક્ષત્રિયો સાથે નથી રહેતા. બીજી સવર્ણ જ્ઞાતિઓમાંથી બહુમતી પાટીદારોની છત્રછાયામાં રહેવાનું પસંદ કરે છે પણ ક્ષત્રિય સમાજની સાથે રહેવાનું પસંદ નથી કરતી. તેના કારણે ગુજરાતમાં પાટીદારોના મોટા નેતા પેદા થયા એવા મોટા ક્ષત્રિય નેતા પેદા ના થયા. શંકરસિંહ વાઘેલા જેવા અપવાદને બાદ કરતાં ક્ષત્રિય સમાજે એવો કોઈ નેતા જ નથી આપ્યો કે જે તમામ સમાજને માન્ય હોય. જેની વાત તમામ સમાજના લોકો સ્વીકારતા હોય. આ વાસ્તવિકતા છે ને ભાજપ આ વાસ્તવિકતાને સારી રીતે જાણે છે તેથી ક્ષત્રિય સમાજને ગણકારતો નથી.
ક્ષત્રિય સમાજ આ કારણે રાજકીય વર્ચસ્વ જ નહીં પણ રાજકીય પ્રતિનિધિત્વ પણ ખોઈ રહ્યો છે. ગુજરાતમાં લીમડી. ગોંડલ, અબડાસા, રાપર વગેરે ક્ષત્રિયોની બહુમતી ધરાવતા વિધાનસભા મતવિસ્તારોમાં ક્ષત્રિય ઉમેદવાર જ જીતે છે તેથી કૉંગ્રેસ અને ભાજપ બંને આ બેઠકો પર ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપે છે પણ આવા મતવિસ્તારોની સંખ્યા બહુ ઓછી છે. ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૮ ક્ષત્રિય રાજપૂત ધારાસભ્ય જ ચૂંટાયા હતા તેના પરથી જ ક્ષત્રિયોનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે એ સ્પષ્ટ છે. ભાજપે આ સંકેતને પારખીને કેબિનેટની રચના કરી તેમાં ક્ષત્રિય રાજપૂતોને કોરાણે મૂકી દીધેલા.
ગુજરાત સરકારમાં વરસો સુધી પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ બે ક્ષત્રિય નેતાઓને મહત્ત્વનાં ખાતાં અપાયાં. આ બંને નેતા સિવાયના ક્ષત્રિય નેતા પણ મંત્રી બનતા પણ પહેલી વાર એવું બન્યું છે કે, ગુજરાત કેબિનેટમાં ક્ષત્રિય સમુદાયના માત્ર એક જ મંત્રી છે. પહેલાં ક્ષત્રિય સમુદાયના ત્રણ-ચાર મંત્રી રહેતા જ્યારે અત્યારે બળવંતસિંહ રાજપૂત એકમાત્ર ક્ષત્રિય મંત્રી છે.
ગુજરાત સરકારમાં તો સમ ખાવા પૂરતું પણ પ્રતિનિધિત્વ છે પણ લોકસભામાં તો એ પણ નથી. ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસે આ લોકસભા ચૂંટણીમાં એક પણ ક્ષત્રિયને ટિકિટ નથી આપી તેના પરથી પણ ક્ષત્રિયોના ઘટતા રાજકીય પ્રભાવનો અંદાજ લગાવી શકાય. ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં એક પણ ક્ષત્રિય ઉમેદવાર ચૂંટાયો નથી. ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯માં તમામ લોકસભા બેઠકો જીતી હતી ને બંને ચૂંટણીમાં કોઈ ક્ષત્રિય રાજપૂતને ટિકિટ નહોતી આપી.
આ પહેલાં આવી સ્થિતિ નહોતી. બલ્કે ગુજરાતમાંથી બે-ત્રણ ક્ષત્રિય લોકસભામાં ચૂંટાઈને જતા. ગુજરાતમાં ૨૦૦૯માં ભાજપમાંથી ભાવનગર બેઠક પરથી ચૂંટાયેલા રાજેન્દ્રસિંહં રાણા છેલ્લા ક્ષત્રિય રાજપૂત સાંસદ હતા. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના શંકરસિંહ વાઘેલા કપડવંજ બેઠક પરથી અને ભાજપના ભૂપેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી ગોધરા બેઠક પરથી ચૂંટાયા હતા. ૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં પણ રાજેન્દ્રસિંહ રાણા, શંકરસિંહ વાઘેલા અને ભૂપેન્દ્રસિંહ સોલંકી એમ ત્રણ ક્ષત્રિય રાજપૂત ચૂંટાયા હતા. અત્યારે સ્થિતિ એ છે કે, ભાજપ અને કૉંગ્રેસ બંને કોઈ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ પણ નથી આપતાં.
ક્ષત્રિયોએ આ સ્થિતિ બદલવી હોય તો તાકાત બતાવવી પડે. બીજા કોઈને નહીં તો કમ સે કમ રૂપાલાને તો હરાવીને બતાવી આપવું જ પડે. બાકી સંમેલનો ભરો, હાકલા પડકારા કરો તેનાથી કશું ના વળે.