વીક એન્ડ

રંગ હૈ જિન મેં મગર બૂએ-વફા કુછ ભી નહીં, ઐસે ફૂલોં સે ન ઘર અપના સજાના હરગિઝ

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

ઇ. સ. ૧૮૫૭ના વિદ્રોહ-બળવાની જીતેલી બાજી હારી જતા સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા સંતપ્ત અને ભયભીત બની ગઇ હતી. પારદીઓની વટાળ પ્રવૃત્તિ તેમ જ અંગ્રેજી સભ્યતા અને અંગ્રેજી શિક્ષણના પ્રચારને લીધે ભારતવાસીઓને એવો ભય સતાવવા લાગ્યો હતો કે આપણું રાજય તો હાથથી ગયું પણ ક્યાંક પ્રાણથી અધિક પ્રિય એવા ધર્મ, સંસ્કૃતિ અને ભાષાથી પણ હાથ ધોવા ન પડે. આવી આશંકાથી ગભરાઇને હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ વગેરે વિવિધ સંપ્રદાયના લોકો તેની રક્ષા માટે આંદોલનમાં જોડાઇ ગયા હતા. જંગલના રાજા તરીકે ઓળખાતો સિંહ ભલે આળસુ કહેવાતો પણ જો તે જખ્મી થાય તો વધુ આક્રમક બની જતો હોય છે. એ જ રીતે ઘવાયેલા અને વિક્ષુબ્ધ ભારતીયો એક થઇ ગયા તથા વ્યાખ્યાનો, લેખો, કાવ્યો દ્વારા પ્યારા વતન માટે મરી ફીટવાનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા. આ ઘટનાથી હિન્દુ-મુસ્લિમ એકતાની જરૂરિયાત સૌને સમજાવા લાગી.

આવા પ્રતિકૂળ સંજોગોમાં શાયર અકબર ઇલાહાબાદીએ તેમની શાયરીમાં ધર્મ પર અમલ કરવાની સલાહ, અંગ્રેજી શિક્ષણ અને સભ્યતાનો વિરોધ અને હિન્દુ-મુસ્લિમ એકતા જેવા મુદ્દાઓનું આલેખન કર્યું છે. ડૉ. મોહમદ ઇકબાલ અને ચકબસ્ત જેવા શાયરોએ ભારતના પર્વતો, નદીઓ, સમુદ્રો, ઐતિહાસિક ઇમારતો, શહેરો, ગામડાઓ અને પ્રકૃતિનાં વર્ણનો કરીને ભારતના લોકોમાં પોતાના વતન પ્રત્યે પ્રેમ-અનુરાગ ઉત્પન્ન થાય તેવી શાયરી, ગઝલો અને નઝમોનું સર્જન કર્યું. બંગભંગ આંદોલન, હોમરૂલલીગ જેવી ચળવળને લીધે ભારતવાસીઓમાં દેશ-ભક્તિનો નવો પવન ફૂંકાયો, તેમાં શાયર ચકબસ્તનાં કાવ્યોનો ઘણો મોટો ફાળો હતો. ચકબસ્તની નઝમોમાં ઇન્કિલાબ માટેના જોશની સાથે હિંમત પ્રગટ થતી જોવા મળે છે. તેમની શાયરીમાં શબ્દની પસંદગી અને શૈલીની સુંદરતા છે. તો તેમાં અધિક માત્રામાં કરુણા પણ છે. ચકબસ્તની શાયરી માનવમાત્રના મનને બદલે તેના હૃદયને વધુ પ્રભાવિત કરે છે તેવો મત ડૉ. સર તેજબહાદુર સપ્રુએ યોગ્ય રીતે વ્યક્ત કર્યો છે.

આ શાયરનું અસલ નામ પંડિત વ્રજનારાયણ ચકબસ્ત હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં ઇ. સ. ૧૮૮૨માં કાશ્મીરી પરિવારમાં થયો હતો. તેમણે લખનોની કૈનિંગ કૉલેજમાં બી.એ, એલ.એલ.બી. કર્યું હતું અને ઇ. સ. ૧૯૦૮માં વકીલાતનો આરંભ કર્યો હતો. કવિતા લખવાનો શોખ તેમનામાં બાળપણથી વિકસ્યો હતો. તેઓ લાંબું જીવન જીવ્યા હોત તો ઉર્દૂ સાહિત્યને તેઓ પોતાની પ્રતિભાથી વિશેષ સમૃદ્ધ કરી શકયા હોત, પરંતુ માત્ર ૪૪ વર્ષની ઉંમરમાં તેમના પર પક્ષઘાતનો જીવલેણ હુમલો થયો અને ૧૨ જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ તેઓ અવસાન પામ્યા. તેમની અચાનક વિદાયથી ચોતરફ એવો શોક છવાઇ ગયો કે તે દિવસે લખનૌની કોર્ટ-કચેરીઓ બંધ રહી, અનેક શોક-સભાઓનું આયોજન થયું, વ્યાખ્યાનો અપાયાં અને જાણીતા શાયરોએ તેમને અંજલિ આપવા નૌહાનું પઠન કર્યું.

જાણીતા ઉર્દૂ શાયર ‘આતિશ’થી પ્રભાવિત શાયર ચકબસ્તને રાષ્ટ્રીય શાયરનો દરજજો પ્રાપ્ત થયો છે. તેમની શાયરીમાં મીર તકી મીરની કરુણા અને ગાલિબના ચિંતનનો અજબનો સમન્વય સધાયેલો અનુભવી શકાય છે. ચકબસ્તની શાયરી તત્કાલીન રાજનૈતિક પરિવર્તન અને આઝાદીના સંગ્રામની ઊંડી છાપથી તરબતર છે. રાષ્ટ્રીય ભાવનાનું પ્રાધાન્ય તેમની શાયરીની આગવી લાક્ષણિકતા છે. તેમની શાયરીની ભાષામાં લખનૌની મીઠી, શુદ્ધ અને વિવેકપૂર્ણ ભાષાનો ટહુકો સાંભળવના મળે છે. તેઓ શાયર હોવા ઉપરાંત ઉચ્ચ કોટિના લેખક અને વિવેચક પણ હતા. તેમના અવસાન પછી પ્રકાશિત થયેલાં તેમના એક માત્ર પુસ્તક ‘સુબહે-વતન’માં તેમના કાવ્યો-લેખો ગ્રંથસ્થ કરાયા છે.

‘ખાકે-હિન્દ’, ‘વતન કા રાગ’, ‘પયામે વફા’, ‘ફરિયાદે, ‘કૌમ,’ ‘ફૂલમાલા’, ‘કૌમી મુસધસ’ તેમ ‘મઝહબે શાયર’ જેવી તેમની યાદગાર નઝમો તેમાંના ઊંચા કાવ્ય તત્ત્વને લીધે વિશેષ નોંધપાત્ર ઠરી છે. તેમની શાયરીનું વિશ્ર્વ રાષ્ટ્રપ્રેમ, ક્રાન્તિ, શહાદત, પરિવર્તન, સંવાદિતા, જીવન-મૃત્યુ, મંદિર-મસ્જિદ, ફૂલ-કંટક, દાદ- ફરિયાદ, વફાદારી અને બેવફાઇ, પ્રિયતમા અને ઇશ્ર્વર જેવા કઇ કેટલાય વિષયોને વિશાળ પટ ર આવરી લે છે. તેમના કેટલાંક પસંદગીના શે’રનો હવે આસ્વાદ કરીએ.

નયા બિસ્મિલ હૂં મૈં વાકિફ નહીં, રસ્મે-શહાદત સે,
બતા દે તૂ હી ઐ ઝાલિમ! તડપને કી અદા કયા હૈ?

હું તો નવો સવો જખ્મી છું. શહાદતના રંગઢંગની મને કશી જ ખબર નથી. ઓ જાલિમ (પ્રેયસી? કે પછી જલ્લાદ?) તડપવાની અદા કેવી હોય છે એ તું જ મને બતાવી દે ને!

જો ચૂપ રહે તો હવા કૌમ કી બિગડતી હૈ,
જો સર ઉઠાયેં તો કોડો કી માર પડતી હૈ.

જો ચૂપચાપ રહીએ તો રાષ્ટ્રની હવા બગડે છે અને જો (જુલ્મો સિતમ સામે) માથું ઊંચું કરીએ છીએ તો ચાબખા ફટકારવામાં આવે છે.

જુનૂને -હુબ્બે -વતન કા મઝા શબાબ મેં હૈ,
લહુ મેં ફિર યે રવાની રહે, રહે ના રહે.
ચમકતા હૈ શહીદોં કા લહૂ કદુરત કે પરદે મેં,
શફક કા હુસ્ન કયા હૈ, ફૂલ કી રંગી કલા કયા હૈ?

કુદરતના પરદા પર શહીદોનું રક્ત ચમકી રહ્યું છે. સૂર્યાસ્તની લાલિમાનું સૌંદર્ય અને ફૂલોનો રંગીન પોશાક તેની તુલનામાં આવી શકે ખરો?

ઉભરને હી નહીં દેતી યહાં બેમાયગી દિલ કી,
નહીં તો કૌન કતરા હૈ જો દરિયા હો નહીં સકતા.
હૃદયની દરિદ્રતા જ અહીં ઊભરવા બહાર નીકળવા નથી દેતી.
બાકી તો એવું કયું ટીપું છે જે નદીનું સ્વરૂપ ન લઇ શકે?
કમાલે-બુઝદિલી હૈ પસ્ત હોના અપની આંખો મેં,
અગર થોડી સી હિમ્મત હો તો ફિર કયા હો નહીં સકતા.

પોતાની આંખોથી પોતાને જ નીચે જોવામાં તો કમાલની ભીરુતા છે દિલમાં થોડીકે ય હિંમત હોય તો દુનિયામાં શું થઇ શકતું નથી?

જબાં કે ઝોર પર હંગામાં-આરાઇ સે કયા હાંસિલ?
વતન મેં એક દિલ હોતા, મગર દર્દ-આશ્ના હોતા

માત્ર જીભના જોરે (કેવળ શબ્દો રટવાથી) કોઇ ક્રાન્તિ થઇ શકે નહીં. વતનમાં ભલે કોઇ એક જ દિલ ધરાવતી વ્યક્તિ હોય પણ એ વ્યક્તિ દિલના દર્દને જાણવાવાળી હોય તો? (મજા પડી જાય).

દરે-ઝિંદા પે લિખ્ખા હૈ કિસી દીવાને ને-
‘વોહી આઝાદ હૈ જિસને ઇસે આબાદ કિયાં’.

કારાવાસના દરવાજે કોઇ દીવાનાએ લખ્યું છે: “જેણે આ વસવાટ કર્યો છે એ જ સાચા અર્થમાં આઝાદ છે.

અગર દર્દે-મોહબ્બત સે ન ઇન્સાં આશ્ના હોતા,
ન મરને કા સિતમ હોતા, ન જીને કા મઝા હોતા.

જો પ્રેમની વેદનાથી માણસ માહિતગાર ન હોત તો ન તો મરી જવાનો સિતમ થાત, ન તો તેને જીવવાનો આનંદ મળત.

અગર જિયે ભી તો કપડા નહીં બદન કે લિયે,
મરે તો લાશ પડી રહ ગઇ કફન કે લિયે.

અગર જીવ્યા હોત તો શરીર માટે પૂરતાં વસ્ત્રો પણ કયાં હતાં? વળી મૃત્યુ પામ્યા પછી તો લાશ પણ કફન વગરની પડી રહી છે. જિંદગી અને મોત-બન્નેની સચ્ચાઇને શાયરે કેવી આગવી રજૂઆતથી ઉઘાડી કરી દીધી છે.

અબ કી તો શામે-ગમ કી સિયાહી કુછ ઔર હૈ,
મંઝૂર હૈ તુઝે મેરે પરવર દિગાર કયા?

આ વખતની દુ:ખની સાંજની કાલિમા કંઇક નિરાળી લાગે છે ઓ ખુદા? છેવટે તું શામાં રાજી છે એ તો મને બતાવી દે.

આ જ સે શૌકે-વશ કા યહ જૌહર હોગા,
ફર્શ કાંટો કા હમેં ફૂલોં કા બિસ્તર હોગા

વફાદારીના આનંદની આજથી એ પરખ હશે કે
અમને તો કાંટાથી પથરાયેલી જમીન પણ ફૂલોની પથારી લાગશે.

ઉસે યે ફિક્ર હૈ હરદમ નયા તર્ઝે-વફા કયા હૈ,
હમેં યે શૌક હૈ? દેખે સિતમ કી ઇન્તિહા કયા હૈ?

વફાદારીની નવી રીત કેવી છે તેની અમને ચિંતા છે. જયારે અમને તો અત્યાચારોની ચરમસીમા કયાં છે તે જાણવાનો ઉમંગ છે.

આશ્ના હો કાન કયા, ઇન્સાન કી ફરિયાદ સે?
શેખ કો ફુરસત નહીં મિલતી ખુદા કી યાદ સે.

માણસની ફરિયાદોથી તેના કાન કયાંથી કેવી રીતે પરિચિત-સંબંધિત થાય? પેલા શેખને તો ખુદાની યાદ (બંદગી)માંથી જ સમય કયાં મળે છે?

દેખતા હૈ હુસ્ન કે જલ્વે તો બૂતખાને મેં આ,
તેરે કા’ બે મેં તો બસ વાઇઝ! ખુદા કા નામ હૈ.

તારે જો સૌંદર્યના દર્શન કરવા હોય તો પ્રિયતમાના ઘરે આવ ઓ ધર્મોપદેશક! તારા કાબામાં તો માત્ર ખુદાનું જ નામ છે.

મુઝ સે રૌશન ઇન દિનોં દૈરો-હરમ કા નામ હૈ,
પાએ-બુત પર હૈ જબીં, લબ પર ખુદા કા નામ હૈ.

આજકાલ તો મારા થકી જ મંદિર અને મસ્જિદનું નામ દુનિયામાં સર્વત્ર રોશન થયું છે. (કારણ કે) મારું માથું પ્રેયસીના ચરણમાં છે અને (મારા) હોઠ પર (કેવળ) ખુદાનું નામ છે.

રંગ હૈ જિન મેં મગર બૂએ-વફા કુછ ભી નહીં
ઐસે ફૂલો સે ન ઘર અપના સજાના હરગિઝ.

જેમાં રંગ છે પણ વફાદારીની ખુશ્બુ નથી એવા ફૂલોથી તું તારા ઘરને કયારેય શણગારતો નહીં. (કેમ કે આ પ્રકારની સજાવટનો કોઇ અર્થ રહેતો નથી.)

રંજો-રાહત કા સબબ દુનિયા મેં કુછ પાયા નહીં,
હશ્ર મે હમ સાફ કેહ દેંગે ખુદા કે સામને.

આ સંસારમાંથી અમને સુખ અને દુ:ખ માટેનું એક પણ કારણ મળ્યું નથી. કયામતના દિવસે અમે આ વાત ખુદાને ચોખ્ખા શબ્દોમાં જણાવી દઇશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button