હૃદય-કુંજ: અમદાવાદ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
જેમ ઇલોરાનું કૈલાસ મંદિર કારીગર-સમૂહની અપાર ધીરજ તથા તેમના કામ પ્રત્યેના અપાર પ્રેમનું પ્રતીક છે તેમ અમદાવાદના સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીનું નિવાસસ્થાન હૃદય-કુંજ, સ્થાપત્યમાં વ્યક્તિના વ્યક્તિત્વનું આલેખન કરતું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
મકાન સાથે જીવનની વિવિધ બાબતો સંકળાયેલી હોય છે. જે તે પ્રકારની ઉપયોગીતા માટે તો તે જરૂરી છે જ પણ સાથે સાથે એક વ્યક્તિત્વ કે વિચારધારાને પણ પ્રતિબિંબિત કરે છે. જેમ શહેરના ઘણા વિસ્તારો લેન્ડમાર્ક મકાનથી ઓળખાતા હોય છે તેમ મકાન થકી વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહની ઓળખ પણ બંધાઈ શકે. જેમ વસ્ત્ર થકી વ્યક્તિની પસંદ-નાપસંદ, તેમ જ વ્યક્તિનો અભિગમ વ્યક્ત થાય તેમ વ્યક્તિના આવાસ થકી પણ વ્યક્તિની ઓળખ બંધાય.
જો વસ્ત્ર એ વ્યક્તિનું પ્રથમ આવરણ છે તો આવાસ એ વ્યક્તિનું વિસ્તૃત આવરણ છે. જે કામ વસ્ત્ર નાના પાયે કરે તે અને તેવું કામ આવાસ મોટા પાયે કરે. વસ્ત્ર અને આવાસ બંને સગવડતા, રક્ષણ તથા ઓળખ માટે હોય છે. વસ્ત્ર થકી વ્યક્તિના જીવનના ઘણા પાસાં ઉજાગર થાય તેવું તેના આવાસ થકી પણ થાય. ગાંધીજી કેવા હશે, તેમની સમજ કઈ હશે, જીવનમાં કયા મૂલ્યો સાથે તે જીવ્યા હશે, તેમની દૃષ્ટિએ જીવનમાં અગત્યનું શું હશે અને કેવા પ્રકારનો અગ્રતાક્રમ તેમના જીવનમાં હાવી રહ્યો હશે; આ બધી બાબતો તેમના પહેરવેશ પરથી અને તેમના આવાસ થકી ઉજાગર થઈ શકે.
ગાંધીજીનું અમદાવાદનું આવાસ, હૃદય-કુંજ તેમના વ્યક્તિત્વનું સચોટ પ્રતિબિંબ છે. જીવનમાં સાદગી, ન્યૂનતમ જરૂરિયાતો સાથે રહેવાનો આગ્રહ, દરેક ક્ષણે સભાનતા પૂર્વકની સરળતા, દંભી આડંબરનો સદંતર અભાવ, જીવનમાં પૂરતી પારદર્શિતા, જે પ્રાપ્ય છે તેનો પૂર્ણ ઉપયોગ કરવાનો અભિગમ, કુદરતી બાબતોને જેમની તેમ સ્વીકારી લેવાની તૈયારી, જીવનમાં બધાનો સમાવેશ કરી લેવાની ભાવના, બિનજરૂરી બાબતો પ્રત્યે પૂર્ણ ઉદાસીનતા, સ્થાનિક બાબતોને આપવામાં આવતું જરૂરી મહત્ત્વ, ભારતીય અને ભારતીયતા માટે અપાર પ્રેમ – ગાંધીજીના જીવનમાં આ બધી મહત્ત્વની બાબતો તેમના પહેરવેશમાં પણ વ્યક્ત થતી રહી છે અને આવાસમાં પણ.
સામાજિક તથા રાજકીય મિલાપ માટે આગળનો નદીને સન્મુખ વિશાળ વરંડો જાણે તેમના જીવનની પારદર્શિતા દર્શાવે છે. આબોહવાને અનુરૂપ આ વરંડામાં થોડી જરૂરી ગોપનીયતા માટે બારીઓ તથા લાકડાની જાળી થકી અર્ધ-પારદર્શી ઓરડો બનાવ્યો છે. આ વરંડાની તથા ઓરડાની ઊંચાઈ અને પ્રમાણમાપ તે અંગતને બદલે ‘જાહેર’ હોવાની પ્રતીતિ કરાવે છે. તેની પાછળના બે બારણાં તથા ત્રણ બારીવાળી પ્રમાણમાં બંધ કહી શકાય તેવી દિવાલ જાણે વરંડાવાળા ભાગને પાછળના ઘરના વિસ્તારથી અલગ પાડે છે. આ પાછળના ઘરના ભાગનું પ્રમાણમાપ નાનું તથા ઘરેલુ લાગે તેવું છે જેથી તે ભાગમાં વ્યક્તિ વધુ સહજતાથી તાદાત્મ્યતા સ્થાપી શકે. આ અંદરના ભાગમાં વચ્ચે ખુલ્લો ચોક આવે છે જેની બંને તરફ શયન-કક્ષ, રસોઈ, ભોજન સ્થાન જેવા મૂળભૂત ઓરડા બનાવાયા છે. વચ્ચેનો ચોક પાછળના વિસ્તારમાં ખુલે છે જેનાથી પાછળથી પણ મકાનનાં ઘરેલુ ભાગમાં સીધો પ્રવેશ કરી શકાય.
નળિયાનાં ઢળતા છાપરાવાળું આ મકાન સ્થાનિક સામગ્રી તથા બાંધકામની પ્રાપ્ય તકનીક પ્રમાણે બનાવ્યું છે. હૃદય-કુંજની સ્થાપત્યની પરિભાષા સંપૂર્ણ ભારતીય છે. અહીં માળખાકીય રચના લાકડામાંથી તથા દીવાલો ઈંટમાંથી બનાવાઈ છે. આ લાકડાની બાંધણી તથા દીવાલોની રચના સંપૂર્ણ રીતે સ્થાનિક શૈલીની હોવાથી અહીં આપણે પરંપરાગત આવાસમાં હોઈએ તેવી પ્રતીતિ સહજ થાય છે.
પ્રમાણમાં નાનું છતાં મોકળાશની અનુભૂતિ કરાવતું, અંગત છતાં પણ સામાજિક પરિસ્થિતિ પ્રમાણે મુક્તતા દર્શાવતું, પરંપરાગત કહી શકાય તેવું છતાં પણ રાષ્ટ્ર-નેતાની જરૂરિયાત પ્રમાણેનું આગવું, નીચા ઘાટનું છતાં ઉચ્ચ વિચારોને વ્યક્ત કરતું – આ અને આવી બાબતોથી હૃદય-કુંજ સ્થાપત્યની એક વિશેષ રચના બની રહે છે. આ બધા સાથે અગત્યની વાત એ પણ છે કે અહીં જાણે બધા જ પોતાપણું અનુભવી શકે. ગાંધીજી જેમ પોતાના જીવનમાં આવનાર વ્યક્તિનો સમાવેશ કરી લેતા તેમ હૃદય-કુંજ પણ જાણે બધા જ ને સહજતાથી સ્વીકારી લે છે.
અહીંથી ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળના સત્યાગ્રહને માર્ગદર્શન આપેલું. અહીં તેમણે નવ-ભારતના સંસ્કારના ઘડતર માટે બીજ વાવ્યા હતા. આ આવાસ ભારતના ઘણા નામી વ્યક્તિઓની મુલાકાતનું સાક્ષી છે, જેમણે ભારતનું ભાગ્ય લખવા ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત આ સ્થળેથી ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે લડત ચલાવી હતી. અહીંથી જ ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત થઈ હતી. સન ૧૮૧૮ થી સન ૧૯૩૦ના ગાળામાં તેવો અહીં રહ્યા તે પહેલા ત્રણ વર્ષ માટે પાલડીના કોચરબ આશ્રમમાં તેઓ રહ્યા હતા.
હૃદય-કુંજ એટલે હૃદયને રહેવાનું આવાસ. ઘણી રીતે આ નામ સાર્થક છે. એક રીતે જોતા ગાંધીજી પોતે ભારતનો ધબકાર હતા, સમગ્ર ભારતના સ્પંદનો જાણે તેમનામાં ઝીલાતા હતા. આવા માનવીનું રહેઠાણ એટલે હૃદય કુંજ. સત્યના પ્રયોગો થયા હતા અને આઝાદીની અહિંસક ચળવળનું આ કેન્દ્ર હતું. એક સમયે સમગ્ર ભારતના કેન્દ્ર સમાન આ આવાસ ભારતના હૃદય સમાન હતું.
સ્થાપત્ય એ ઘણી રીતે સમાજમાં પ્રવર્તતા પ્રવાહોનું પ્રતિબિંબ છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં તે સામાજિક માળખાનું, આર્થિક ક્ષમતાનું, તક્નીકી જ્ઞાનનું, કળા પ્રત્યેની સંવેદનશીલતાનું, સાંસ્કૃતિક મૂલ્યોનું, સમાજ વ્યવસ્થાનું અને રાજકીય વિચારધારાનું પ્રતિબિંબ છે. જેમ વ્યાપક સ્થાપત્ય સમાજનું પ્રતિબિંબ છે તેમ વ્યક્તિગત સ્થાપત્ય અર્થાત આવાસ એ વ્યક્તિનું પ્રતિબિંબ છે. આ સંદર્ભમાં હૃદય-કુંજ સૌથી ઈમાનદાર તથા સૌથી સફળ ઉદાહરણ છે. આ મકાન જાણે દર્પણ બનીને ગાંધીજીનું પ્રતિબિંબ આપણને બતાવે છે, ગાંધીજીની ઓળખ આપે છે, ગાંધીજીના મૂલ્યો સમજાવે છે. સ્થાપત્યની આ એક અદ્ભુત અને વિરલ ઘટના છે.