વીક એન્ડ

ભગવાનની મરજી

ટૂંકી વાર્તા – બકુલ દવે

લગ્ન સમારંભમાં સુમનબહેનની દૃષ્ટિ અંજલિ પર પડી ને એ સ્થિર થઈ ગયાં: કોણ છે આ હીરાકણી જેવી છોકરી? પહેલી નજરે જોતા જ એમની દૃષ્ટિ ચુંબકની જેમ અંજલિ પર ચોંટી ગઈ. છોકરી નખશિખ સુંદર છે. નથી એ થોડીકેય સ્થૂળ કે નથી વધુ પાતળી. નથી ઊંચી કે નથી નીચી. સંઘેડાઉતાર દેહયષ્ટિ ને ચહેરો પણ એને અનુરૂપ એવો આકર્ષક. મોટીમોટી બોલકી આંખો એને લાખોમાં એક બનાવી દે છે. એવું લાગે કે એ જીભથી ઓછું બોલે છે ને આંખોથી વધુ. સુદર દેખાવા માટે એ બ્યુટીપાર્લરમાં ગઈ નથી તો પણ લગ્ન નિમિત્તે બ્યુટીપાર્લરમાં જઈ આવ્યા છે એ સૌ કરતાં એ ઊલટું વધુ સુંદર અને મોહક જણાઈ રહી છે. લાભ સાડી અને બ્લાઉઝમાં એનું રૂપ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે.

સુમનબહેનને ભાર્ગવનું સ્મરણ થયું. ભાર્ગવ એટલે સુમનબહેનનો એકનો એક દીકરો. એ કોઈના સપનાનો રાજકુમાર બની શકે એવું કંઈ એનામાં નથી તો પણ એ પોતાની સપનાની રાજકુમારીને શોધી રહ્યો છે. એની અપેક્ષાઓ પણ ઘણી છે એટલે એનો છોકરીઓ જોવાનો સિલસિલો અટકતો નથી. અંદાજે ત્રીસેક યુવતીઓને એ રિજેક્ટ કરી ચૂક્યો છે. સુમનબહેન અને એમના પતિ ભગવાનભાઈ ચિંતિત છે: છેવટે ભાર્ગવને કેવી છોકરી જોઈએ છે? આમ ને આમ એને બત્રીસ તો થયા, પણ આજે લગ્નમાં આ છોકરીને જોયા પછી ભાર્ગવ એને ના નહિ પાડી શકે એવી હૈયાધારણ સુમનબહેનને પ્રાપ્ત થઈ.
પણ આ છોકરી ભાર્ગવને ના પાડે તો? આશંકાનો પરપોટો સુમનબહેનના મનના તળિયેથી છેક ઉપર આવી ગયો પણ બીજી જ ક્ષણે એ ટટ્ટાર થઈ ગયાં. ભાર્ગવ ભલે બત્રીસ વર્ષનો છે, થોડો સ્થૂળ છે અને શ્યામ પણ. પણ તેથી શું? ભગવાનભાઈનું નામ આખાય પંથકમાં ટોચના ઉદ્યોગપતિ તરીકે જાણીતું છે. એમના છેડા અનેક રાજકારણીઓને અડે છે. ખોબલે ખોબલે ઉડાડે તોય ખૂટે નહિ એટલી અઢળક સંપત્તિ એ ધરાવે છે. કોઈપણ છોકરી ભાર્ગવને ના પાડતા સાત વાર વિચાર કરે.

લગ્નમાં ભાર્ગવ હાજર જ હતો. સુમનબહેને એને અંજલિને નજર તળેથી કાઢી નાખવા કહ્યું. ભાર્ગવે અંજલિને દૂરથી જોઈ અને જોતાંવેંત જ એ એના મનમાં વસી ગઈ. બસ, આ જ. આ છોકરીને જ એ પોતાની જીવનસાથી તરીકે શોધી રહ્યો હતો. આ જ તો છે એના સપનાની રાજકુમારી. તપાસ કરી તો જાણવા મળ્યું કે છોકરી પોતાની જ્ઞાતિની જ છે. નામ અંજલિ છે. એના પિતા સિદ્ધેશભાઈ સરકારી કર્મચારી છે. માતાનું નામ અલકાબહેન છે. સંતાનમાં બે દીકરીઓ જ છે. અંજલિ અને એનાથી પાંચ વર્ષ નાની શ્ર્વેતા.

સુમનબહેનના ઘરમાં વર્ષોથી રસોઈ કરતી આશા દૂરના સંબંધે અલકાબહેનની બહેન થતી હતી. સુમનબહેને આશા દ્વારા પૂછાવ્યું: અમને અંજલિ ગમે છે. તમારી શું ઈચ્છા છે?
અંજલિએ ભાર્ગવને જોયો હતો. એ ચોંકી ગઈ, પણ એ કંઈ કહે તે પહેલાં અલકાબહેને ઉત્તર આપી દીધો: ભાર્ગવ? ભગવાનભાઈનો દીકરો? ના, બિલકુલ નહિ.

શું વાંધો છે? આવું પાંચમાં પૂછાતું ઘર છે અને પૈસેટકે સુખી છે..આશાએ કહ્યું.
પૈસા જ ન જોવાય, આશા. તેં તો ભાર્ગવને જોયો છે ને? એ ક્યાં ને મારી અંજલિ ક્યાં? ઉંમરનો પણ ખાસો તફાવત છે બંને વચ્ચે.

આશા નિરાશ થઈ ગઈ. એની પર સુમનબહેનનું ઋણ હતું. એ ફેડવાની એને તક મળી હતી. એણે ભાર્ગવને પણ ખાતરીપૂર્વક કહ્યું હતું કે એ અલકાબહેન અને અંજલિ પાસેથી હા પડાવીને જ આવશે. પણ એણે ખાલી હાથે પાછા ફરવું પડ્યું.

અંજલિએ નિરાંતનો શ્ર્વાસ લીધો, પણ વાત હજી પૂરી થઈ ન હતી. ભગવાનભાઈ અને સુમનબહેને ભાર્ગવને હથેળીમાં ઉછેર્યો હતો. એને નારાજ અને દુ:ખી જોઈ ભગવાનભાઈએ નક્કી કર્યું કે હવે આ બાબતમાં એમણે સ્વયં કંઈક કરવું પડશે.

ભાર્ગવ અંજલિના મોહમાં વ્યાકુળ બની ગયો હતો. એક વાર અંજલિ ઘઉં દળાવવા જતી હતી ત્યારે ફ્લોરમિલથી થોડે દૂર ભાર્ગવે એને આંતરી: ઊભી રહે..

અંજલિ સ્થિર થઈ ગઈ. ભાર્ગવનો શું ઈરાદો છે? ભાર્ગવે કહ્યું: મારી હાર્યે લગન કરવાની તું ના કેમ પાડે છે? મારી જોડે પૈણીશ તો તને રાણીની માફક રાખીશ. આમ ઘઉંના ડબ્બા લઈ દળાવવા નહિ જવું પડે.

ભાર્ગવથી કેવી રીતે છૂટવું તે વિચારતી હતી ત્યાં અંજલિએ સુહાનાને જોઈ. સુહાના અને એની દૃષ્ટિ એક થઈ. સુહાના રોડ ક્રોસ કરી આ તરફ આવી રહી છે એ જોઈ ભાર્ગવે જતાંજતાં કહ્યું: ફરી વિચાર કરી જોજે.

અંજલિને અણગમો થઈ આવ્યો. આશ્ર્ચર્ય પણ થયું. એકવાર ઘસીને ના પડી દીધી છે પછી કોઈની પાછળ પડી જવાનો કંઈ અર્થ ખરો? એણે સુહાના સામે જોયું: આ કેવું?

કેવું એટલે?! સુહાનાને સમજાયું નહિ.

સુહાના, હું નથી ઈચ્છતી-મને અણગમો છે એ મારી સામે આવે ને હું ઈચ્છું છું-મને ગમે છે એ મારાથી દૂર રહે છે એવું શા માટે? પોતાની જાતને કહેતી હોય તેમ અંજલિ બોલી ગઈ.
અચ્છા, મને તું એ કહે કે તું શું ઈચ્છે છે ને શું નથી ઈચ્છતી.

અંજલિ અસમંજસમાં પડી. હૈયામાં વત્સલનું નામ આવી ગયું પણ કોને ખબર કે, એ બોલવા માટે હોઠ ખૂલ્યા નહિ. એ માત્ર એટલું જ બોલી શકી: એ તને પછી કહીશ…
પણ પછી કહેવાનો સમય જ ન આવ્યો. એકાએક સંજોગોએ પડખું બદલ્યું ને કોઈએ ક્યારેય ન ધાર્યું હોય એવું બની ગયું.


અંજલિના લગ્ન થઈ ગયાં.

ભાર્ગવ અને અંજલિના લગ્નનું રિસેપ્શન હૉટેલ પેરેડાઈઝના વિશાળ હોલમાં યોજાયું. શુભેચ્છાઓની ધોધમાર વર્ષા થઈ. લાઈટોની ઝાકમઝાળ અને ફૂલોની મહેક વચ્ચે નવપરિણીત પતિપત્ની સગાંવહાલાંથી ઘેરાયેલાં રહ્યાં. કોઈ ભેટ આપતું હતું તો કોઈ પૈસા ભરેલું કવર. અંજલિને જોઈ સૌનું મન ઠરતું પણ એની બાજુમાં ઊભેલા ભાર્ગવ પર નજર જતી ત્યારે આંચકો લાગતો: આવી હીરાકણી જેવી છોકરી કાગડાની કોટે શી રીતે બંધાઈ ગઈ?

સુહાના તો ડઘાઈ જ ગઈ. એ સ્વીકારી શકતી ન હતી. વધુ આશ્ર્ચર્ય તો એને એ વાતનું થતું હું કે એ અંજલિની સાવ નિકટ હતી તો પણ એણે એને જરા જેટલો અણસાર આવવા દીધો નહિ. કે પછી એ અંજલિની એટલી નિકટ હતી જ નહિ?

સૌ જાતજાતના અનુમાન કરી રહ્યાં હતાં. જેટલાં મોં એટલી વાતો. ખરેખર શું બન્યું હશે એ કોયડો હતો ને એનો ઉત્તર અંજલિ સિવાય અન્ય કોઈ પાસે ન હતો.

જે હોય તે. એટ લાસ્ટ, અંજલિએ ભાર્ગવ પર કળશ ઢોળ્યો હતો. જો કે સાવ એવું પણ ક્યાં હતું કે અંજલિને વત્સલ યાદ આવતો જ ન હતો? ભૂલી જવા પ્રયત્ન કરતી એમ ઊલટું, એ એને વધુ યાદ આવતો. એણે સ્મૃતિનાં કમાડ ચપોચપ બંધ કરી દીધાં હતાં, જેથી સ્મરણો એને સતાવે નહિ, પણ સ્મરણો તો હવા જેવાં હોય છે સહેજ તિરાડ રહી ગઈ હોય તોય અંદર પ્રવેશી જાય. વત્સલ પોતાના જીવનમાં આવ્યો અને જતો રહ્યો તે ઘટના અંજલિ માટે ગાડીમાં બેઠા હોઈએ ત્યારે પાછળ સરકી જતાં રળિયામણા દૃશ્ય જેવી બની રહી હતી. દૃશ્યરૂપ બની ગયેલો વત્સલ એના જીવનથી દૂર જતો-ઝાંખો થતો જઈ દેખાતો બંધ થઈ જવાનો હતો. ન ઈચ્છતી હોવા છતાય અંજલિથી પોતાની ઊલટતપાસ થઈ જતી: એ દેખાતો બંધ થઈ જવાનો હતો કે એણે પોતાને એને વિસારે પડતા જઈ એનાથી ચહેરો ફેરવી લેવાનો હતો?


અંજલિને વત્સલનો પરિચય સુહાના દ્વારા થયો હતો. કૉલેજમાં અંતિમ વર્ષમાં સુહાના અંજલિની ક્લાસમેટ હતી અને અંતરંગ મિત્ર પણ. અંગ્રેજી બંનેનો મુખ્ય વિષય હતો અને બંને એક જ બેંચ પર બેસતાં. નોટ્સની આપ-લે કરતાં.

અંગ્રેજી ગ્રામરમાં બંનેને તકલીફ પડતી હતી. અંજલિએ કહ્યું: ગ્રામર વગર અંગ્રેજી ન આવડે. સુહાનાને વત્સલ યાદ આવ્યો. એ સુહાનાને દૂરના સંબંધે પિત્રાઈ હતો. એ અંગ્રેજીના કોચિંગ ક્લાસ ચલાવતો હતો-સ્ટર્લિંગ ક્લાસિસ.

ગ્રામર શીખવવા માટે સુહાનાએ વત્સલને કહ્યું. વત્સલ પાસે સમય ન હતો તો પણ અઠવાડિયામાં ત્રણ વાર એક કલાક ભણાવવા માટે એણે તૈયારી દર્શાવી. મંગળ-શુક્ર અને શનિ. અંજલિ અને સુહાના કલાસિસમાં જવા લાગ્યાં. નાનકડા કલાસરૂમમાં દસેક છોકરીઓ બેસતી.

વત્સલ રસપૂર્વક ભણાવતો. એ એવી રીતે સમજાવતો કે અઘરી જણાતી બાબત પણ સરળ બની જતી. એક કલાક ક્યાં પસાર થઈ જતો એની ખબર ન રહેતી. અંજલિ ભાગ્યે જ વત્સલ સામે સ્થિર નજરે જોતી, પણ ઘેર ગયા પછી એ વત્સલને મનની આંખોથી જોયા કરતી. એનો અવાજ સાંભળ્યા કરતી અને નોટબુક ઉઘાડી એના હસ્તાક્ષરને જોયા કરતી. સિદ્ધેશભાઈ પાસે હસ્તાક્ષર પરથી વ્યક્તિત્વ જાણવાનું પુસ્તક હતું. તે પુસ્તક ઉઘાડી હસ્તાક્ષરના મરોડ પરથી વત્સલના વ્યક્તિત્વ વિષે જાણવા એ પ્રયત્ન કરતી. એને એવું લાગ્યા કરતું કે એની છાતીમાં પીંછા જેવું કશુંક સળવળ્યા કરે છે. ક્યારેક એ ગલગલિયાં કરે છે તો ક્યારેક શૂળ જેમ ભોંકાય છે. ક્યારેક એ હર્ષ આપે છે તો ક્યારેક પીડા. શું હશે એ? આ વાત સુહાનાને કહેવા એ મન બનાવતી પણ અટકી જતી, પણ એના મનને વાંચી ગઈ હોય તેમ સુહાનાએ એને એકવાર પૂછ્યું: તું મારાથી કંઈ છુપાવે છે અંજલિ?

ના રે, છુપાવવા જેવું કંઈ મારી પાસે હોય તો ને? અંજલિના કાનમાં રહેલાં મોટાં મોટાં ઈયરિંગ્સ સ્પંદી ઊઠ્યાં. ચહેરા પર આવેલી લટને દૂર ખસેડતા એ દૂર જોવા લાગી, કશું શોધતી હોય તેમ. સુહાનાને લાગ્યું કે અંજલિની આંખો તરલ બની ગઈ છે કે શું? એને સ્મરણ થઈ આવ્યું કે અંજલિએ એકવાર કહ્યું હતું કે એ નથી ઈચ્છતી એ એની સામે આવે છે ને એ જેને ઈચ્છે છે- પસંદ કરે છે એ એનાથી દૂર રહે છે, પણ હવે અંજલિ ન કહે ત્યાં સુધી એ એને કંઈ પૂછશે નહિ. વાજતું-ગાજતું બધું માંડવે આવે એની એ રાહ જોઈ રહી હતી ત્યાં જ..

ત્યાં જ એક સાંજે સિદ્ધેશભાઈ અને અલકાબહેનને ગંભીર અકસ્માત નડ્યો. અલકાબહેનનું સ્થળ પર જ મૃત્યુ થયું અને સિદ્ધેશભાઈ ગંભીર રીતે ઘવાયા ને કોમામાં જતા રહ્યા. ડૉક્ટર કારેલિયાની લોટસ હૉસ્પિટલના આઈ.સી.યુ. રૂમમાં એમને દાખલ કર્યા. અંજલિની ઉંમર જાણે રાતોરાત વધી ગઈ. વર્ષોથી પાઈ પાઈ કરી બચાવેલી મૂડી થોડા સમયમાં જ ખર્ચાઈ ગઈ પણ સિદ્ધેશભાઈ કોમામાંથી બહાર ન આવ્યાં. માંદગી લંબાતી રહી. સગાંવહાલાં પાસેથી શક્ય એટલી મદદ શરૂઆતમાં જ લેવાઈ ગઈ. અલકાબહેનનાં ઘરેણાં પણ વેચાઈ ગયાં. બીમારીના ભડભડ બળતા અગ્નિની જ્વાળાઓમાં પૈસા હોમાતા રહ્યા.

અંજલિ કાચની દીવાલની આરપાર પલંગમાં સૂતેલા સિદ્ધેશભાઈને જોઈ રહી. એમના નાક અને મોં પર ખોરાક અને ઓક્સિજન આપવા નળીઓ ભરાવેલી છે. પેશાબ માટે કેથેટર લગાડ્યું છે. એણે ચહેરો ફેરવી લીધો. ત્રીજા માળેથી બારી બહાર રસ્તા પર ધમધમી રહેલું જીવન દેખાઈ રહ્યું હતું પણ એને કશુંય સ્પર્શતું ન હતું.

રૂમનું બારણું ઊઘડ્યું. આશાને જોઈ અંજલિના ચહેરા પર ઉપેક્ષાનો ભાવ આવી ગયો તો પણ કહ્યું: આવો..

સિદ્ધેશભાઈને કેમ છે? આશાએ પૂછ્યું.

હજી એમ જ છે..

થોડીવાર કોઈ કશું બોલ્યું નહિ.

હજી ભાર્ગવ પરણ્યો નથી. ચલાવું વાત? આશા અંજલિના ચહેરા સામે જોઈ રહી.

અંજલિ સમસમી ગઈ. આ સમય છે આવી વાત કરવાનો?

પણ ગરજવાનને અક્ક્લ નથી હોતી. અંજલિના મનની સ્થિતિની ચિંતા કર્યા વગર એણે પોતાની વાત ચાલુ રાખી: એ લોકો તને કંકુ અને ચોખા સાથે ક્ધયાને સ્વીકારવા તૈયાર છે..

હું પરણી જાઉં પછી મારા પપ્પાનું શું? શ્ર્વેતાનું શું?

પછી તારી જવાબદારી તારી એકની થોડી રહેશે? તારી જવાબદારી ભાર્ગવની સાથે વહેંચાઈ નહિ જાય? ને તને ખબર નથી પણ ભાર્ગવનું કુટુંબ કરોડોપતિ છે. લગ્ન પછી તારે કોઈ ચિંતા નહિ રહે..ભાર્ગવ તન-મન-ધનથી તારી સાથે રહેશે…

અંજલિએ ફરી મૌન ઓઢી લીધું. જતાં જતાં આશાએ કહ્યું: મને તારી ચિંતા થાય છે એટલે કહું છું. શાંતિથી વિચાર કરી જોજે.

આશા ગઈ.

રાત્રે સિદ્ધેશભાઈની તબિયત અત્યંત નાજુક બની ગઈ ડૉક્ટર કારેલિયા આવ્યા. આશંકાથી ફફડી ઊઠેલી અંજલિએ પૂછ્યું: ડૉક્ટર, મારા પપ્પાને કેમ લાગે છે? એમને સારું થઈ જશે ને?

સારું થઈ શકે તેમ છે… ડૉક્ટર કારેલિયા ક્ષણ વાર અટક્યા ને બોલ્યા, પણ એ માટે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે.

કેટલો ખર્ચ થશે?

અંદાજે બે લાખ. તમે ઝટ પૈસા જમા કરાવી દો.

અંજલિ ઢગલો થઈ બેસી ગઈ. બે લાખ રૂપિયા એ ક્યાંથી લાવશે? એને થયું એ રડી પડશે. પણ રૂદનને એણે ખાળી રાખ્યું. જે કરવાનું છે તે હવે એણે જ કરવાનું છે. રડવાથી કંઈ નહિ વળે. એણે માને ગુમાવી દીધી છે ને હવે પૈસા ન હોવાના કારણે પિતાને ગુમાવવા પડે એવું ન થવું જોઈએ. એણે આશાને ફોન જોડ્યો: મેં નિર્ણય કરી લીધો છે. હું ભાર્ગવને પરણીશ પણ..

સિદ્ધેશભાઈનું ઓપરેશન થઈ ગયું, પણ વ્યર્થ. ડૉક્ટર કારેલિયાએ ઓપરેશન થિયેટરની બહાર આવી ગંભીર ચહેરે જણાવ્યું: આઈ એમ સોરી. હી ઈઝ નો મોર. આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ બટ..

અંજલિ અવાચક થઈ ગઈ. આશા સાથે એને વાત થઈ અને સિદ્ધેશભાઈનું મૃત્યુ થયું એ બે વચ્ચે થોડા જ કલાકોનો ફેર પડી ગયો. જે હોય તે, એણે એના પપ્પાને બચાવી લેવા માટે પૂરો પ્રયત્ન કર્યો હતો. આશાને ખુશી હતી કે સુમનબહેન અને ભાર્ગવની ઈચ્છા એ પૂરી કરી શકી હતી.

ડૉક્ટર કારેલિયા અને ભગવાનભાઈને સારાં સંબંધ હતાં. સિદ્ધેશભાઈને હૉસ્પિટલમાં દાખલ કર્યા તે દિવસથી છેલ્લી ક્ષણ સુધી ડૉક્ટર કારેલિયાને ભગવાનભાઈ સાથે સંપર્ક જળવાઈ રહ્યો હતો.

દર્દીનું મૃત્યુ થયું છે એની જાણ થઈ પછી ડૉક્ટર કારેલિયાએ ભગવાનભાઈને ફોન કર્યો હતો: પેશન્ટ હેઝ પાસ્ડ અવે..

જાહેર ન કરતા. ઓપરેશન કરવું પડશે એમ કહો. બે લાખ રૂપિયા થશે એમ પણ જણાવજો..

પણ એવું ખોટું હું શી રીતે કરી શકું?

ખોટું ક્યાં કરવાનું છે? પેશન્ટ તો મૃત્યુ પામ્યો જ છે. પેશન્ટના સગા માટે પેશન્ટ થોડા કલાક મોડો મૃત્યુ પામે તો શું ફરક પડી જવાનો છે? ને એમ કરવા માટે હું તમને ઓપરેશન-ફીના નામે બે લાખ રૂપિયા તમને મળે તેમ કરવાનો છું…

પણ કદાચ કોઈ…

ડર રાખશો નહિ. આ વાત મારી અને તમારી વચ્ચે જ રહેશે…

ડૉક્ટર કારેલિયામાં હિંમત આવી ગઈ. ભગવાનભાઈનો સાથ છે ને એમને રાજી કરવાની તક પણ છે. ને એમણે ક્યાં કોઈ ગરીબ પાસેથી પૈસા લેવાના છે? લક્ષ્મી સામે ચાલીને આવી છે તો આદર્શની પૂંછડી થઈ શા માટે મોઢું ધોવા જવું જોઈએ? એમણે અંજલિને સિદ્ધેશભાઈનું ઓપરેશન કરવા માટે બે લાખ જમા કરાવવાનું કહ્યું. થોડી જ વારમાં એમને એના તરફથી બે લાખ રૂપિયા મળી ગયા.

રૂપિયા ટેબલના ડ્રોઅરમાં મૂકતા ડૉક્ટરે મનને મનાવ્યું કે એમણે કશું એવું ખોટું નથી કર્યું કે કોઈને નુકસાન જાય. પેશન્ટને જીવાડવા એમણે કોશિશ નથી કરી એવું પણ ક્યાં છે? પોતે દોષિત હોવાના ભાવ પર થીંગડું મારવામાં એમને સફળતા મળી. નિરાંતે કોફી પીને એ ઓપરેશન થિયેટરમાં ગયા.

લગ્ન પછી અંજલિ ‘સુખી’ હતી અને ‘સલામત’ પણ. શ્ર્વેતાને હોસ્ટેલમાં રહી ભણાવવાની સગવડ થઈ ગઈ હતી. એક વાર સુહાના અંજલિને મળવા આવી. અંજલિ એની પાસે ઠલવાઈ ગઈ. એની આંખમાંથી આંસુ વહી આવ્યા. સુહાનાએ એને સાંત્વન આપ્યું: આપણે માણસ છીએ, અંજલિ. આપણે શું કરી શકીએ એમ છીએ? ભગવાનની મરજી સામે બધા લાચાર છે.

સુહાના સાચું કહે છે, અંજલિએ આંસુ લુછતા વિચાર્યું: ભગવાનની મરજી પાસે કોઈનું ક્યાં કંઈ ચાલતું હોય છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button