સંભાજીનગરમાં મહાયુતિની પ્રચારસભામાં અજિત પવારે જનતાને કરી આ અપીલ
મુંબઈ: મહાયુતિ દ્વારા પૂરજોશમાં પ્રચારસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને છત્રપતિ સંભાજીનગરમાં પણ શુક્રવારે મહાયુતિ દ્વારા પ્રચારસભા યોજવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપનારા ઉમેદવારને મત આપવાની અપીલ લોકોને કરી હતી.
તેમણે ઓસ્માનાબાદ લોકસભામાં વડા પ્રધાનની તાકાત વધારે તેવા ઉમેદવારને મત આપવાનું કહેતા એનસીપીના અહીંના ઉમેદવાર અર્ચના પાટીલને જીતાડવાનું આહ્વાન કર્યું હતું. આ ચૂંટણી વિકાસ માટેની હોવાનું કહેતા પવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ઘણી જ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે અને તમારે એ જ ઉમેદવારને પસંદ કરવો જોઇએ જે વડા પ્રધાનને ટેકો આપે છે.
આ પણ વાંચો: …તો MVA અને મહાયુતિ વચ્ચે અંતર શું?: પ્રકાશ આંબેડકરે એમવીએ પર સાધ્યું નિશાન
ધારાશિવ માટે ઉજની ડેમનું પાણી પૂરતું ન હોવાનું તેમ જ કૃષ્ણા-ભીમા સ્ટેબિલાઇઝેશન પ્રોજેક્ટમાંથી ટનલ મારફત પાણી મેળવવાની જરૂર હોવાનું પવારે જણાવ્યું હતું. તેમણે વિકાસ પ્રકલ્પો વિશે વાત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર ધારાશિવ-તુળજાપુર-સોલાપુર રેલવેલાઇનના ખર્ચનો પચાસ ટકા ખર્ચ ઉપાડશે. આ વિકાસકાર્યો પૂરા કરવા માટે લોકોએ નરેન્દ્ર મોદીને સાથ આપનારા ઉમેદવારને મત આપવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે ઓસ્માનાબાદ(ધારાશિવ) બેઠક પર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ઓમપ્રકાશ રાજેનિંબાળકર અને એનસીપીના અર્ચના પાટીલ વચ્ચે જંગ જોવા મળશે. અર્ચના ભાજપના વિધાનસભ્ય રાણજગતસિંહ પાટીલના પત્ની છે અને તેમણે અજિત પવાર જૂથની એનસીપીમાં જોઇએ ચૂંટણી લડવાનો ફેંસલો લીધો હતો.