આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમદાવાદની બંને સીટના કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ, કેટલી છે સંપત્તિ? જાણો

લોકસભાની ચૂંટણીના પગલે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, જો કે આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવા માટે પૈસા નહીં હોવાની કાગારોળ કરી રહ્યા છે, બનાસકાંઠા સીટથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પોરબંદર બેઠકથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા લલિત વસોયાએ લોકોને વોટ સાથે નોટ આપવાની પણ વિનંતી કરી છે. જો કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો કરોડપતિ પણ છે, જેમ કે અમદાવાદની બંને સીટ અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદ વેસ્ટના ઉમેદવારોએ કરોડોની સંપત્તી જાહેર કરી છે.

અમદાવાદ ઈસ્ટ પરથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે જંગમ અને સ્થાવર મળી 11.48 કરોડની સંપત્તિ છે. ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે અને તેમના પર કુલ 60 લાખની જવાબદારીઓ છે. તેમની પાસે 15.50 લાખ કિંમતની બે કાર છે. જ્યારે અમદાવાદ પશ્ચીમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા પાસે 25.58 કરોડની કુલ સંપતિ છે. તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે અમુક વિગતો ખૂટતી હોવાથી એફિડેવિટ ગુરુવારે જમા કરાવી હતી.

અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ (ઉ.વ.62) હાલ રખિયાલ ખાતે રહે છે, તેઓ ગત વિધાનસભામાં બાપુનગરથી ચૂંટણી હારી ગયા હતા. આ વખતે લોકસભામાં પૂર્વની બેઠક માટે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ સાથે આપેલી એફિડેવિટમાં હિંમતસિંહ પટલેના હાથ પર રૂ. 6,62,545ની રોકડ રકમ છે. જ્યારે તેમના પત્ની કેસંતીબેન પટેલના હાથ પર રૂ. 4,41,510 અને પરિવારમાં 2,90,300ની રોકડ છે. તેમણે રૂ. 2,20,55,739 અને પત્નિના નામે 54,28,128 અને પરિવારના નામે 53,82,751 રકમનું ધીરાણ છે.

હિંમતસિંહ પટેલની સોના-ચાંદી, રોકડ, વાહન, ધિરાણ સહિતની જંગમ મિલ્કતમાં તેમની પાસે રૂ.4,11,76,388, પત્ની પાસે રૂ.2,23,09,804 અને પરિવાર પાસે રૂ. 58,72,562ની સંપત્તિ છે. જ્યારે જમીન અને મકાન મળી તેમની પાસે રૂ. 3,99,30,227 અને 55,93,867 સ્થાવર મિલ્કત છે. તેમના પોતાના પર રૂ. 13,83,252, પત્ની પર 20,55,891 અને પરિવાર પર 25,73,160 રકમની જવાબદારીઓ છે. તેમના પત્નિ વ્યવસાય ગૃહ ઉદ્યોગનું કામ કરે છે.

તે જ પ્રકારે પશ્ચીમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા (ઉ.વ.60) હાલ પાલડીના ફતેહપુરા વિસ્તારમાં રહે છે. તેમણે રજૂ કરેલી એફીડેટ પ્રમાણે તેમની પાસે કુલ 25.58 કરોડની સંપત્તિ હોવાનું એફિડેવિટમાં દર્શાવાયું છે. તેમના હાથ પર રૂ. 36,290, તેમના પત્ની રીટાબેન મકવાણા પાસે રૂ. 35,600 અને પરિવાર પાસે 49,000 રોકડ રકમ છે. પરિવારમાં 37.50 લાખની બે કાર છે.

ભરત મકવાણા પાસે 21 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડ, ધીરાણા, થાપણ મળી રૂ. 18,17,59345 અને પત્ની પાસે 39 લાખના દાગીના મળી રૂ. 59,20,514 અને પરિવાર પાસે રૂ. 68,852 રકમની જંગમ મિલકત છે. જ્યારે જમીન અને મકાન મળી તેમની પાસે રૂ. 6,71,22,333 અને પત્ની પાસે 9,83,33 સ્થાવર મિલ્કત છે. તેમના પર રૂ. 19,97,623 અને પત્ની પર રૂ. 28,58,254 અને પરિવાર પર 48,55,877 રકમની જવાબદારીઓ છે. ઉલ્લેખનિય છે કે તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ, એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button