આમચી મુંબઈ

મુંબઈના પ્રખ્યાત ફૂડ જોઈન્ટ પર FDAના દરોડા

મુંબઇઃ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મુંબઈમાં પ્રખ્યાત ફૂડ જોઈન્ટ ‘બડે મિયા કબાબ’ પર દરોડા પાડ્યા હતા. આ 76 વર્ષ જૂનું ફૂડ જોઈન્ટ મુંબઈમાં ફૂડ પ્રેમીઓ માટે પ્રિય સ્થળ છે. FDA એના દરોડા કલાકો સુધી ચાલ્યા હતા, જ્યાર બાદ FDA અધિકારીઓએ બડે મિયાને કામ બંધ કરવાની નોટિસ જારી કરી હતી.

થોડા દિવસો પહેલા બાંદ્રાની એક હોટલમાં નોન-વેજ ફૂડમાં ઉંદર જોવા મળ્યો હતો. જે બાદ સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઈમાં એક ડ્રાઈવ શરૂ કરી છે અને વિવિધ હોટલોની તપાસ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત FDA ટીમે ‘બડે મિયાં’ના કોલાબા આઉટલેટ પર દરોડા પાડ્યા હતા. એફડીએના અધિકારીઓએ હોટલની સ્વચ્છતા અને અન્ય દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું હતું.


દરોડા દરમિયાન અધિકારીઓને બડે મિયાના રસોડામાં કોકરોચ અને ઉંદરો મળી આવ્યા હતા. જ્યારે FDA અધિકારીઓએ આ 76 વર્ષ જૂના ફૂડ જોઈન્ટના દસ્તાવેજોની તપાસ કરી તો જાણવા મળ્યું કે બડે મિયા પાસે FSSAI લાયસન્સ નથી. FDA અધિકારીઓએ બડે મિયાને કામ બંધ કરવાની નોટિસ જારી કરી હતી.

‘બડે મિયાં રેસ્ટોરન્ટ’ના માલિક ઈફ્તિખાર શેખે FDA અધિકારીઓના દાવાને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે તેમની પાસે બિઝનેસ લાયસન્સ છે.


નોંધનીય છે કે ફૂડ બિઝનેસ કરતા તમામ ઉત્પાદકો, વેપારીઓ, રેસ્ટોરન્ટને ફૂડ લાયસન્સ અથવા FSSAI લાયસન્સ આપવામાં આવે છે. FSSAI નોંધણી માટે અરજી કરવા પર, એક અનન્ય 14-અંકનો લાઇસન્સ નંબર જારી કરવામાં આવે છે જે તમામ ફૂડ પેકેજો પર ટાંકવામાં આવે છે. FSSAI લાયસન્સ એ સુનિશ્ચિત કરે છે કે ખાદ્ય ઉત્પાદનો ગુણવત્તાની તપાસમાંથી પસાર થયા છે. FSSAI લાયસન્સ ધરાવવાથી ગ્રાહકોને ખાતરી મળે છે કે સંબંધિત ખાદ્ય વ્યવસાય ઉચ્ચ ધોરણોનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button