વોટિંગ વખતે પીએમ મોદીને કેમ યાદ આવ્યો મોહમદ શમી… બધે થઈ રહી છે ચર્ચા
દેશભરમાં લોકશાહીના પર્વ એવી ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન પીએમ મોદી અમરોહામાં ભાજપના ઉમેદવાર કંવર સિંહ તંવરના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધન કરવામાં વ્યસ્ત હતા. પોતાના સંબોધનમાં પીએમે ક્રિકેટ ખેલાડી મોહમ્મદ શમીના વખાણ કર્યા હતા. જોકે, તમને એમ વિચાર આવે કે અચાનક મોહમદ શમીના વખાણ કેમ કર્યા તો તમને જણાવીએ કે મોહમ્મદ શમી અમરોહાનો રહેવાસી છે. તેથી પીએમ મોદીએ પણ અમરોહા આવ્યા બાદ શમીનો ઉલ્લેખ કર્યો છે.
ચૂંટણી પ્રચારમાં શમીની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, અમરોહા માત્ર ઢોલક જ નહીં પરંતુ દેશનો ઢોલ પણ વગાડે છે. તેઓ દેશનું નામ પણ રોશન કરે છે. ભાઈ મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત પરાક્રમ કર્યું છે તે આખી દુનિયાએ જોયું છે. રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કેન્દ્ર સરકારે તેમને અર્જુન પુરસ્કાર આપ્યો છે અને યોગી સરકાર પણ અહીં યુવાનો માટે એક સ્ટેડિયમ બનાવી રહી છે – ફરી એકવાર મોદી સરકાર.
નોંધનીય છે કે જ્યારે ભારતીય ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ભારતીય ટીમનું મનોબળ સાવ તૂટી ગયું હતું. ખેલાડીઓ હતાશ થઇ ગયા હતા. એ સમયે પીએમ મોદી ભારતીય ક્રિકેટ ટીમને મળ્યા હતા. આ દરમિયાન તેઓ શમીને પણ મળ્યા હતા. તેણે શમીની પીઠ થપથપાવી હતી અને તેની સાથે વાત પણ કરી હતી. તે સમયે પીએમ મોદીનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.
અમરોહામાં ભાષણ કરતી વખતે પીએમ મોદીએ ભવિષ્યના વિઝન પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે. આ ચૂંટણીમાં તમારો દરેક મત ભારતનું ભાગ્ય સુનિશ્ચિત કરશે. ભાજપ દેશના ગામડાઓને આત્મનિર્ભર અને વિકસીત બનાવવાના ધ્યેય અને મિશન સાથે આગળ વધી રહી છે, જ્યારે I.N.D.I.A ગઠબંધન ગ્રામીણ વિસ્તારોને પછાત બનાવવા માટે તેમની શક્તિ ખર્ચી રહી છે. વિપક્ષની આવી માનસિક્તાથી અમરોહા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે.
પ્રથમ તબક્કામાં મતદાન કરનારાઓને અને દેશના સર્વ લોકોને તેમણે બંધારણ દ્વારા આપવામાં આવેલા મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. જેઓ પહેલી વાર મતદાન કરવા જઇ રહ્યા છે એવા દેશના યુવાનોને તેમણે આ તક એળે ના જવા દેવા અને મતદાન કરવા કહ્યું હતું. અમરોહાના ખેડૂતોની તકલફો અને સમસ્યાઓ કોંગ્રેસ, સપા અને બસપાની સરકારમાં સાંભળવામાં આવી નથી, પરંતુ ભાજપ સરકાર ખેડૂતોની સમસ્યાઓ ઘટાડવા માટે રાત-દિવસ કામ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.