નેશનલશેર બજાર

યુદ્ધને અવગણી શેરબજારની મોટી છલાંગ: સેન્સેકસમાં જબરો ઉછાળો

નિલેશ વાઘેલા
મુંબઇ: ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની ભીતિ કોરાણે મૂકીને શેરબજાર તમામ ઘટાડો પચાવી પોઝિટિવ ઝોનમાં આગળ વધી રહ્યું છે. સેન્સેકસે બપોરના સત્રમાં નીચી સપાટી સામે લગભગ ૯૦૦ પોઇન્ટથી ઉંચી છલાંગ લગાવી છે.

જે સેન્સેકસ ૬૦૦ના ગાબડાં સાથે ૭૨,૦૦૦ની નીચે ગબડ્યો હતો, તે ૭૨,૭૦૦ વટાવ્યા બાદ આ સપાટીની આસપાસ સ્થિર થવા મથી રહ્યો છે. ખુલતા સત્રમાં શેરબજારમાં સતત પાંચમા દિવસે નેગેટિવ શરૂઆત જોવા મળી હતી. ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલા શરૂ કર્યા હોવાના અહેવાલ વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી તીવ્ર બની ગઈ છે. ઇઝરાયલે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હોવા ઉપરાંત ન્યુક્લિયર પ્લાન્ટ પર પણ મિસાઈલ ઝીંકી હોવાના અહેવાલને કારણે સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું.

આને પરિણામે સેન્સેકસ ખુલતા સત્રમાં જ ૬૦૦ પોઇન્ટના ગાબડાં સાથે ૭૨,૦૦૦ ની નીચે ઘૂસી ગયો, જ્યારે નિફ્ટી ૨૧,૮૫૦ની નીચે સરક્યો હતો અને સવારના સત્રમાં જ રોકાણકારોની સંપતિમાં લગભગ ત્રણેક લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ શુક્રવારે ડીપ કટ સાથે કામકાજની શરૂઆત કરી હતી. વૈશ્વિક સ્તરે પણ, મોટાભાગના બજારો નબળા નોંધ પર ટ્રેડ થયા હતા. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા. રિયલ્ટી અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ ફટકો પડ્યો હતો.

કરન્સી માર્કેટ જોઈયે તો યુએસ ડોલર સામે રૂપિયો નવા રેકોર્ડ નીચા સ્તરે સરકી રહ્યો છે. મધ્યપૂર્વના સંઘર્ષની સ્થિતિ જોતા રૂપિયામાં વહેલો અને નોંધપાત્ર સુધારો જોવા મળે એવી સંભાવના આ તબક્કે ઓછી જણાય છે.

ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ ત્રણ ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે બિટકોઈન ૬૦,૦૦૦ની નીચે પટકાયું હતું. આજે વિપ્રો, જિયો ફિન સહિત 15 કંપનીઓ તેના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે મંદીવાળા તકનો લાભ લઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટ ખાતે સતત રેલી માટે, ફુગાવામાં હકારાત્મક આશ્ચર્ય, ભૌગોલિક-રાજકીય ઘટનાઓ અથવા કોર્પોરેટ ક્ષેત્રની કમાણી નિર્ણાયક બનશે. વોલ સ્ટ્રીટે ગુરુવારે અસ્થિર ટ્રેડિંગનો અનુભવ કર્યો, કોર્પોરેટ કમાણી અને ફેડ કોમેન્ટ્રી રેટ કટની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યાં હોવાનો સંકેત આપે છે. મિનેપોલિસ ફેડના પ્રમુખ નીલ કશ્કરીએ ધીરજ રાખવાની હિમાયત કરી, એવું સૂચન કર્યું કે 2025 સુધી પોલિસી એડજસ્ટમેન્ટ થઈ શકશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button