ઈરાનમાં ઈઝરાયલના મિસાઈલ હુમલાથી શેરબજાર થયું ધડામ, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ!
ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે મોટા પાયે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં જ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ આજે 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરી રહ્યો છે.
BSE સેન્સેક્સના તમામ ટોચના 30 શેરોમાંથી, ITC અને Titanના શેરમાં તેજી જોવા મળી હતી, પરંતુ બાકીના 28 શેરમાં ઘટાડો થયો છે. આઈફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય AXIS, L&T, નેસ્લે જેવા શેર પણ 1.50 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે NSEના 1800 શૅર્સ ઘટી રહ્યા છે, જ્યારે 344માં વધારો જોવા મળી રહ્યો છે. NSEના 2,214 શેરોમાંથી 53 શેરમાં નીચલી સર્કિટ છે જ્યારે 40માં અપર સર્કિટ છે. 15 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેન્ક નિફ્ટીમાં આજે લગભગ 300 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 150 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્ટીના તમામ સેક્ટરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ઓટોથી લઈને આઈટી, હેલ્થકેર અને ઓઈલમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
સૌથી વધુ ભાવ ઘટેલા શેરની વાત કરીએ તો NBCC India 3 ટકા, ટાટા કમ્યુનિકેશન લગભગ 5 ટકા, Nykaa 3 ટકા, HPCL લગભગ 3 ટકા, BPCL 3.39 ટકા, કેનેરા બેન્ક 2.89 ટકા અને ICICI પ્રુડેન્શિયલ 3.72 ટકા ઘટ્યા છે