મુલ્લાનપુર: મુંબઈ ઇન્ડિયન્સે યજમાન પંજાબ કિંગ્સને નવ રનથી હરાવીને આબરૂ સાચવી લીધી હતી. 193 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં પંજાબે ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ શશાંક સિંહ (41 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર), સુપરસ્ટાર બૅટર આશુતોષ શર્મા (61 રન, 28 બૉલ, સાત સિક્સર, બે ફોર) અને હરપ્રીત બ્રાર (21 રન, 20 બૉલ, એક સિક્સર, બે ફોર)ની ઇનિંગ્સને લીધે મુંબઈની ટીમના અને મુંબઈ તરફી કરોડો ક્રિકેટચાહકોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા.
રહી-રહીને કૅગિસો રબાડા (ત્રણ બૉલમાં આઠ રન)એ પણ છગ્ગો ફટકારીને મુંબઈના કૅમ્પમાં ટેન્શન લાવી દીધું હતું. જોકે રબાડાને નબી અને કિશને મળીને રનઆઉટ કરી દેતાં મુંબઈએ છેવટે વિજય હાંસલ કર્યો હતો. પંજાબની ટીમ 193 રનના ટાર્ગેટ સામે 19.1 ઓવરમાં બનેલા 183 રને ઑલઆઉટ થયું હતું.
આશુતોષની પ્રાઇઝ વિકેટ લેનાર કૉએટ્ઝી અને બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ તેમ જ મઢવાલ, હાર્દિક, ગોપાલે એક-એક વિકેટ લીધી હતી. શેફર્ડને 20 રનમાં વિકેટ નહોતી મળી.
મુંબઈ સાત મૅચમાંથી ત્રણમાં જીત મેળવીને સાતમા નંબરે આવી ગયું છે, જ્યારે પંજાબ નવમા સ્થાને પહોંચ્યું છે. રાજસ્થાન, કોલકાતા અને ચેન્નઈ અનુક્રમે પહેલા ત્રણ સ્થાને છે.
એક તબક્કે પંજાબે 14 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે હરપ્રીત સિંહ અને શશાંક સિંહ વચ્ચે 35 રનની અને પછી શશાંક સિંહ તથા જિતેશ શર્મા વચ્ચે 28 રનની ભાગીદારીને કારણે ધબડકો અટક્યો હતો. ત્યાર બાદ પંજાબની સુપર-ડુપર જોડીના ખેલાડીઓ શશાંક સિંહ અને આશુતોષ શર્મા વચ્ચેની 34 રનની ભાગીદારીએ મુંબઈ તરફી ક્રિકેટપ્રેમીઓના શ્ર્વાસ અધ્ધર કરી દીધા હતા. જોકે હાર્દિકે બોલિંગમાં ફેરફાર કરીને 13મી ઓવરમાં જસપ્રીત બુમરાહને બોલિંગ આપી હતી અને તેણે પહેલા જ બૉલમાં ડેન્જરસ બૅટર શશાંકને સ્લો બૉલ ફેંકીને શૉર્ટ મિડવિકેટ પર તિલક વર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. શશાંકના ગયા પછી આશુતોષે બાજી સંભાળી લીધી હતી અને છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને ફરી મુંબઈના ડગઆઉટમાં ટેન્શન લાવી દીધું હતું. આશુતોષે મોટા ભાગના બિગ શૉટ પોતાની જગ્યા પર ઊભા રહીને જ મારીને બેહતરીન બૅટિંગનું પ્રદર્શન કર્યું હતું. એક તબક્કે પંજાબે 30 બૉલમાં માત્ર બાવન રન બનાવવાના બાકી હતા અને ત્રણ વિકેટ પડવાની બાકી હતી. જોકે છેવટે પંજાબને જીતવામાં નિષ્ફળતા મળી હતી.
કૉએટ્ઝીની ત્રીજી (પંજાબની 15મી) ઓવરમાં 13 રન બન્યા હતા, પણ એ પછીની મઢવાલની ત્રીજી (પંજાબની 16મી) ઓવર ખૂબ મોંઘી સાબિત થઈ હતી. એમાં 24 રન બન્યા હતા. ચોથો બૉલ નો-બૉલ હતો જેમાં આશુતોષે છગ્ગો ફટકારતાં પંજાબને સાત રન મળ્યા હતા અને પછીનો બૉલ ફ્રી હિટનો હોવાથી એમાં પણ છગ્ગો ફટકારવામાં આવતાં ટેક્નિકલી પંજાબને એક બૉલમાં 13 રન મળ્યા હતા.
મઢવાલની આ 16મી ખર્ચાળ ઓવરને અંતે પંજાબે 24 બૉલમાં ફક્ત 28 રન બનાવવાના આવ્યા હતા અને ત્રણ વિકેટ બાકી હતી.
મુંબઈના બે બોલરે કૉટ ઍન્ડ બોલ્ડમાં એક-એક વિકેટ લઈને અસરદાર બોલિંગ સાથે ચપળ ફીલ્ડિંગનું પણ સુંદર પ્રદર્શન કર્યું હતું. તેમની આ વિકેટથી મૅચ વધુ રોમાંચક થઈ ગઈ હતી. પેસ બોલર કૉએટ્ઝીએ પોતાના બૉલમાં લિઆમ લિવિંગસ્ટનને અને સ્પિનર ગોપાલે પોતાના બૉલમાં હરપ્રીત સિંહનો કૅચ ફૉલો-થ્રુમાં ડાઇવ મારીને પકડી લીધો હતો.
એ પહેલાં, વારંવાર નિષ્ફળ જઈ રહેલો ઓપનર પ્રભસિમરન સિંહ પોતાના પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થયો હતો. કૉએટ્ઝીના બૉલમાં તે વિકેટકીપર કિશનના હાથમાં કૅચઆઉટ થયો હતો. નવા ઓપનર રાઇલી રોસોઉ (1)ને બુમરાહે ક્લીન બોલ્ડ કરી નાખ્યો હતો અને પછી કૅપ્ટન સૅમ કરૅન (6)ને બુમરાહે કિશનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
એ અગાઉ, પંજાબે બૅટિંગ આપ્યા પછી મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 192 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર (78 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) ટીમમાં સૌથી લાંબી ઇનિંગ્સ રમ્યો હતો. 250મી આઇપીએલ-મૅચ રમનાર રોહિત શર્માએ 36 અને તિલક વર્માએ અણનમ 34 રન બનાવ્યા હતા અને છેલ્લી ઓવરમાં મુંબઈનો સ્કોર 200ના આંકડા સુધી પહોંચશે એવું લાગતું હતું, પરંતુ પંજાબના હર્ષલ પટેલે (4-0-31-3) મુંબઈની ઇનિંગ્સની એ 20મી ઓવરમાં બે વિકેટ લેવા ઉપરાંત એક બૅટર (મોહમ્મદ નબી)ને રનઆઉટ કરીને કુલ ત્રણ આંચકા આપતા મુંબઈનો સ્કોર 192 રન સુધી સીમિત રહ્યો હતો અને પંજાબને 193 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો.
રોહિત શર્મા (36 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) આઇપીએલમાં 250 મૅચ રમનાર ધોની પછીનો બીજો ખેલાડી બન્યો હતો. રોહિત થોડું ધીમું રમ્યો હતો. જોકે તેણે એક છેડો સાચવી રાખ્યો હતો. મુંબઈની ઇનિંગ્સમાં 12મી ઓવર હરીફ ટીમના કાર્યવાહક કૅપ્ટન સૅમ કરૅને કરી હતી જેના ત્રીજા બૉલમાં સ્વીપ મારવા જતાં તેના બૅટની આઉટસાઇડ એજ વાગ્યા પછી બૉલ તેની હેલ્મેટની ગ્રિલ સાથે અથડાયો હતો. રોહિતની એકાગ્રતાભંગ થઈ હતી અને પછીના જ બૉલમાં કરૅને કલાકે 108.1 કિલોમીટરની ઝડપવાળો સ્લો બૉલ ફેંકી દેતાં એક્સ્ટ્રા કવર પર હરપ્રીત બ્રારને કૅચ આપી બેઠો હતો. રોહિત-સૂર્યા વચ્ચે 81 રનની ભાગીદારી થઈ હતી.
કૅપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 10 રન અને ટિમ ડેવિડ 14 રન બનાવીને આઉટ થયા હતા.
ઈજાગ્રસ્ત શિખર ધવનની ગેરહાજરીમાં પંજાબના કૅપ્ટન સૅમ કરૅને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો, જ્યારે પંજાબે જૉની બેરસ્ટૉના સ્થાને રાઇલી રોસોઉને ટીમમાં સમાવ્યો હતો.