વડોદરા રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચઢવા જતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત
ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો ઘણી વખત ચાલું ટ્રેને ચઢવાના પ્રયાસો કરતા હોય છે, જો કે આવું દુ:શાહસ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. વડોદરા રેલવે સ્ટેશન પર એક હ્રદય દ્રાવક દુર્ઘટના બની હતી. એક વૃદ્ધા ચાલુ ટ્રેને ચઢવા જતા ટ્રેનની નીચે આવી ગયા હતા. સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતા વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. વડોદરાના પ્લેટફોર્મ નંબર 1 પર આ ઘટના બની હતી. વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર સયાજીનગરી એક્સપ્રેસ 7.45 કલાકે આવી પહોંચી હતી. તે દરમિયાન એક વૃદ્ધા તેમના સ્વજનો સાથે ચાલુ ટ્રેનમાં ચઢવા ગયા પરંતુ ટ્રેનની ઝડપ વધતા વૃદ્ધા ટ્રેનમાં ચઢી શક્યા નહોંતા. ચાલુ ટ્રેને ચઢવા જતા વૃદ્ધાનો પગ લપસ્યો અને તેઓ ટ્રેન નીચે આવી જતા મોતને ભેટ્યા હતા. આ ઘટનાને લઇ આસપાસ લોકોના ટોળેટોળાં એકત્રિત થયા હતા.
આ બનાવની જાણ રેલવે પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રેન નીચેથી વૃદ્ધાનો મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અંગે રેલવે પી. આઈ.એ જણાવ્યું હતું કે, આ બનાવને લઇ વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.
આ વૃદ્ધા અંગે પોલીસ પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર તે શહેરના વાઘોડિયા વિસ્તરમાં આવેલ શ્રીનાથજી ગ્રીન સિટીમાં રહેતા હતા અને તેમનું નામ કમળાબેન જેશીંગભાઈ સોલંકી (ઉંમર વર્ષ 70) હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધા સ્વજનો સાથે સુરત તરફ જવા રવાના થતા હતા, જો કે તે પૂર્વે જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.