મેટિની

અમર સિંહ ચમકીલા: ફિલ્મમાં ચમક્યા

વિશેષ – ડી. જે. નંદન

દલજીત દોસાંજ અને પરિણીતી ચોપડા અભિનીત ફિલ્મ

ગઈ 12 એપ્રિલે નેટફ્લિક્સ પર પંજાબના ‘રોક એન્ડ રોલ’ કિગ કહેવાતા અને કદાચ સૌપ્રથમ સુપરસ્ટાર ગાયક કહી શકાય તેવા અમરસિંહ ચમકીલાના જીવન પર ફિલ્મ રિલીઝ થઇ. અત્યારે પંજાબ, હરિયાણા અને હિમાચલ સહીત, જ્યાં જ્યાં પંજાબી બોલાય છે અને પંજાબી ગીતો સાંભળવાનો ક્રેઝ છે ત્યાં ફિલ્મને લઈને જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે. દલજીત દોસાંજ અને પરિણીતી ચોપડા અભિનીત ફિલ્મ પ્રત્યેક દિવસે સફળતાનો નવો ઇતિહાસ રચી રહી છે, જેવી રીતે એંશીના દાયકાની શઆત પહેલા જ પંજબની માટીની સુગંધ લઇ આવનાર આ ફોક સિંગર અમરસિંહ ચમકીલાની લોકપ્રિયતા એ સમયે વધી હતી. ધીરે ધીરે તેની લોકપ્રિયતા એટલી વધી કે તેને લોકો પંજાબનો એલ્વિસ પ્રેસ્લી કહેવા લાગ્યા. તેની આ સફળતા અને લોકપ્રિયતા કોઈ પરીકથા સમાન આશ્ચર્યજનક હતી.

21 જુલાઈ 1960માં પંજાબના લુધિયાણાના ડુગરી ગામના એક દલિત પરિવારમાં જન્મેલા ઘનીરામ બાળપણથી ગાવાનો શોખ હતો. પણ ઘરની ગરીબીને કારણે 7-8 વર્ષની કુમળી વયથી તેને ફેક્ટરીઓમાં કામ કરવું પડતું હતું. પણ હૃદયમાં બે સપના હતા; એક પંજાબી ગાયક બનવાનું અને બીજું ઇલેક્ટ્રિશિયન બનવાનું. તેથી તેને જયારે પણ ફુરસદ મળતી, એ પંજાબી લોકગીતો ગણગણતો અને ભવિષ્યમાં ઈલેક્ટ્રીશિયન બનવા વિશે વિચારતો હતો. અને બહુ જલ્દી એ બંને બની ગયા. ખાસ કરીને પંજાબી લોકગીતોના ગાયક તરીકે તો એ દંતકથા બની ગયા હતા. ગાયક તરીકે તેમનામાં કુદરતી પ્રતિભા હતી. હકીકતમાં 1970 અને 80ના દાયકામાં પંજાબી લોકગીતોનું આકર્ષણ તેની ચરમસીમા ઉપર હતું. તે સમયે પંજાબી સંગીત જગતના કિગ હતા સુરિન્દર શીંદા. એક વખત અમરસિંહ બાજુના ગામમાં આવેલા સુરિન્દર શીંદા સાયકલ ઉપર ગયા, તેમને મળીને કહ્યું કે પોતે તેમની જેમ ગાયક બનવા માંગે છે. જ્યારે સુરિન્દર શીંદાએ કહ્યું કે કંઈક સંભળાવ, ત્યારે 16 વર્ષના છોકરાએ તેમના જ બે ગીત એમને સંભળાવ્યા અને સુરિન્દર શીંદા તેનો જાદુઈ અવાજ સાંભળીને અવાચક થઇ ગયા.

શીંદાએ ચમકીલાને પોતાના ગ્રુપનો હિસ્સો બનાવી લીધો, ત્યાં સુધી ઘનીરામ તરીકે ઓળખાતા એ છોકરાએ તેમને પોતાના ગુ માની લીધા. તેમની સાથે રહીને તે પોતાના ગીતોની ધૂન બનાવવા લાગ્યા અને સહાયક તરીકે ગાવા પણ લાગ્યા. ધીરે ધીરે તેઓ પોતાના કામમાં નિપુણ બનતા ગયા. પણ શીંદા પાસેથી પગાર પે માત્ર 100 પિયા મળતા હતા. આ એક વર્ષમાં તેણે પોતાનું ઘનીરામ નામ બદલીને અમરસિંહ ચમકીલા કરી નાખ્યું હતું અને એકએકથી ચડિયાતી ધૂનો બનાવવા લાગ્યા હતા. સાથે તેઓ વધુને વધુ ગીતો પણ લખવા લાગ્યા હતા અને સુરિન્દર શીંદા તેના લખેલા ગીતો ગાઈને જ દિવસે ન વધે એટલી રાતે વધુ કમાણીકરવા લાગ્યા હતા. શોષણની આવી કથાઓમાં વિદ્રોહના બીજ છુપાયેલા હોય છે. 1979-80માં તે સુરિન્દર શીંદાની લીડ સિંગર રહી ચુકેલી સોનિયા સાથે મળીને પોતાના અલગ કાર્યક્રમો કરવા લાગ્યા.

વર્ષ 1980માં પહેલું આલ્બમ ‘ટકુએ પે ટકુઆ’ રિલીઝ થયું. તેમાં 8 ડ્યુએટ હતા. આ આલ્બમ રિલીઝ થતાંજ રાતોરાત ચમકીલાની કિસ્મત ચમકી ઉઠી અને પ્રસિદ્ધિના શિખર પર પહોંચી ગયા. તેને લોકો પંજાબીનો ‘એલ્વિસ પ્રેસ્લી’ કહેવા લાગ્યા. એલ્વીસની જેમ ચમકીલા ખુદ ગીતો લખતા, ખુદ ધૂનો બનાવતા અને ખુદ ગાતા હતા. તેમના ગીતો પતિ-પત્ની ના ઝઘડા, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, પ્રેમ પ્રસંગો પર ડબલ મીનિંગ વાળા રહેતા. તેને કારણે પંજાબનો એક વર્ગ તેમનાથી નાખુશ પણ હતો. આ એ દિવસો હતા જ્યારે પંજાબમાં આતંક વધી રહ્યો હતો. તેમને ખાલીસ્તાનીઓ તરફથી ચેતવણી મળી હતી કે તે અશ્લીલ અને ડબલ મીનિંગ વાળા ગીતો લખવાનું છોડી દે. અમરસિંહ ચમકીલાએ ખાલીસ્તાનીઓની ધમકી પર માફી માંગી અને અશ્લીલ ગીતો લખવાનું છોડી દીધું. પણ થોડા દિવસો પછી તેને લાગ્યું કે વાત શાંત પડી ગઈ છે, તો ફરી એવા જ ગીતો લખવાનું અને ગાવાનું શ કરી દીધું. તેમની લોકપ્રિયતા પણ દિવસે દિવસે વધી રહી હતી.

આ દરમ્યાન ઘણી ગાયિકાઓ સાથે ગીતો ગાયા બાદ એમણે અમરજીત કૌર સાથે સ્થાયી જોડી બનાવી અને પછી એમની સાથે લગ્ન પણ કર્યા. કેટલાક લોકોનું કહેવું છે કે પંજાબમાં ઉચ્ચ જાતિના લોકો આ દલિત ગાયકથી એટલે નારાજ હતા કારણકે એમણે ઉંચી જાતિની છોકરી અમરજીત સાથે લગ્ન કર્યા હતા. એક તરફ એમની આલોચના થતી. એક તરફ એમને ખાલીસ્તાનીઓ તરફથી ઘમકી મળતી હતી અને બીજી તરફ એમની લોકપ્રિયતા વધતી જતી હતી. લોકો પંજાબના આ એલ્વિસ પ્રેસ્લીના દીવાના હતા. એમણે 99 ગીતો અલગ અલગ ગાયિકાઓ સાથે ગાયા અને બધા જ સુપરહિટ સાબિત થયા. આજે પણ એમના ઉપર અશ્લીલતાને લગતા ઘણા આરોપો હોવા છતાં કેનેડા થી લઈને વિયેના સુધી એમના પંજાબી ગીતો ખૂબ સાંભળવામાં આવે છે.

8 માર્ચ 1988માં અમરસિંહ ચમકીલા એમની પત્ની અમરજીત કૌર અને ત્રણ સાજિંદા સાથે ફિલ્લોર પાસે મહમ ગામમાં એક પ્રોગ્રામ માટે ગયા હતા. એ દિવસોમાં પંજાબમાં લગ્નોમાં અમર સિંહ ચમકીલા પાસે ગીતો ગવડાવવા એ એટલી મોટી વાત માનવામાં આવતી કે એમની તારીખ ન મળતા લોકો લગ્ન રોકી દેતા હતા. પરંતુ જેમની આટલી બધી લોકપ્રિયતા હોય એમના શત્રુ પણ એટલા જ હોય. પંજાબના આ અત્યંત લોકપ્રિય ગાયકના દુશ્મનો પણ એટલા જ હતા. 8 માર્ચ 1988 ના દિવસે એ મહમ ગામમાં પોતાની કાર માંથી નીચે ઉતર્યા કે અજ્ઞાત બંદૂકધારીઓએ એમને એમની પત્ની અને ત્રણ સહયોગીઓ પર ગોળીઓ ચલાવી. એકલા એમના શરીરમાં 27ગોળીઓ ઘરબી દેવામાં આવી હતી. એટલી નિર્દયતા થી એમની હત્યા કરવામાં આવી હતી કે એમના શરીરના અમુક ભાગ બહાર નીકળી આવ્યા હતા. ઘટના સ્થળે જ પાંચે જણનું મૃત્યુ થઇ ગયું.

હત્યારાઓ એટલા બેફિકર અને દુ:સાહસી હતા કે એમણે આખા ગામની હાજરીમાં પંજાબના આ સર્વકાલીન મહાન ગાયકને મારી નાખ્યા અને એક કલાક સુધી એમના શબ પાસે ભાંગડા કરતા રહ્યા. આ બિભત્સ હત્યા ને 36 વર્ષ થઇ ગયા પરંતુ આજ સુધી પંજાબ પોલીસે દિન દહાડે આ ખૂની નાચ નાચનાર હત્યારાઓ ને પકડવા તો દૂર, એમની ઉપર આરોપો પણ નથી લગાડ્યા, અને મીડિયા ના અહેવાલો પ્રમાણે એક હત્યારો આજે પણ જીવિત છે એના ઉપર એક ફિલ્મ પણ બનવાની છે. કોઈએ આ હત્યાની ફરિયાદ પણ નથી લખાવી. અમર સિંહના ઘરવાળા પણ એટલા ડરી ગયા હતા કે એમણે કોઈ ઉપર શક ન કર્યો અને પંજાબ પોલીસને પોતાની રીતે આ નિર્મમ હત્યાની તાપસ કરવી જરી ન લાગી. આજે પણ પંજાબના આ મહાન ગાયકની હત્યા માટે પોલીસમાં એકપણ એફઆઈઆર નથી નોંધાઈ.

આશ્ચર્યની વાત એ છે કે આજે પણ અમર સિંહ ચમકીલાના ગીતોને પ્રેમ કરવાવાળા લોકો છે. એમને લીધે નેટ ફ્લિક્સ પણ આવેલી ફિલ્મ સુપરહિટ થઇ રહી છે. પરંતુ એમના કોઈ ચાહકને પણ એમની હત્યાની તપાસ કરાવવાનું જરૂરી નથી લાગ્યું. એ અલગ વાત છે કે પંજાબની ગલીઓમાં આજે પણ અમર સિંહ ચમકીલાની ચમક જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button