![Harshal's three wickets in the 20th over prevented Mumbai from reaching 200 runs](/wp-content/uploads/2024/04/dhiraj-2024-04-18T214812.938.jpg)
મુલ્લાનપુર: પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 192 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર (78 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) ટીમમાં સૌથી લાંબી ઇનિંગ્સ રમ્યો હતો, રોહિત શર્માએ 36 અને તિલક વર્માએ અણનમ 34 રન બનાવ્યા હતા અને છેલ્લી ઓવરમાં મુંબઈનો સ્કોર 200ના આંકડા સુધી પહોંચશે એવું લાગતું હતું, પરંતુ પંજાબના હર્ષલ પટેલે (4-0-31-3) મુંબઈની ઇનિંગ્સની એ 20મી ઓવરમાં બે વિકેટ લેવા ઉપરાંત એક બૅટર (મોહમ્મદ નબી)ને રનઆઉટ કરીને કુલ ત્રણ આંચકા આપતા મુંબઈનો સ્કોર 192 રન સુધી સીમિત રહ્યો હતો અને પંજાબને 193 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો.
રોહિત શર્મા (36 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) થોડું ધીમું રમ્યો હતો. જોકે 18મા રને સાથી-ઓપનર ઇશાન કિશન (આઠ બૉલમાં આઠ રન)ની વિકેટ પડ્યા બાદ રોહિતે એક છેડો સાચવી રાખ્યો હતો. મુંબઈની ઇનિંગ્સમાં 12મી ઓવર હરીફ ટીમના કાર્યવાહક કૅપ્ટન સૅમ કરૅને કરી હતી જેના ત્રીજા બૉલમાં સ્વીપ મારવા જતાં તેના બૅટની આઉટસાઇડ એજ વાગ્યા પછી બૉલ તેની હેલ્મેટની ગ્રિલ સાથે અથડાયો હતો. રોહિતની એકાગ્રતા થોડી તૂટી ગઈ હતી અને પછીના જ બૉલમાં કરૅને કલાકે 108.1 કિલોમીટરની ઝડપવાળો સ્લો બૉલ ફેંકી દેતાં એક્સ્ટ્રા કવર પર હરપ્રીત બ્રારને કૅચ આપી બેઠો હતો. રોહિત-સૂર્યા વચ્ચે 81 રનની ભાગીદારી થઈ હતી.
કૅપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 10 રન અને ટિમ ડેવિડ 14 રન બનાવીને આઉટ થયા હતા.
એ પહેલાં, ઈજાગ્રસ્ત શિખર ધવનની ગેરહાજરીમાં પંજાબના કૅપ્ટન સૅમ કરૅને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો, જ્યારે પંજાબે જૉની બેરસ્ટૉના સ્થાને રાઇલી રોસોઉને ટીમમાં સમાવ્યો હતો.