મેટિની

અફવા- દંતકથા વચ્ચે ચૂંથાતું સત્ય વધાંધિ : ધ ફેબલ ઑફ વેલોની

ફિલ્મનામા – નરેશ શાહ

સત્ય એક જ હોય છે, પણ તમે પાટલીની કઈ બાજુએ ઊભા છો તેના પરથી તમાં સત્ય વ્યક્ત થતું હોય છે. અંગ્રેજીમાં છ લખ્યું હોય તો બીજા છેડે ઊભેલાને તેમાં નવ દેખાય તો એ ખોટો નથી. અર્થ એ પણ થયો કે એ અંગ્રેજી અંકને છ ગણનારો પણ સાચો જ છે અને આને `રાશોમાન ઈફેકટ’ કહે છે.

19પ0માં જાપાનીઝ દિગ્ગજ ડિરેકટર આકિરા કુરોસાવાએ બનાવેલી રાશોમાન' નામની કલાસિક ફિલ્મમાં પણ આ જ વાત હતી. થયેલી એક હત્યાને સંકળાયેલાં તમામ લોકો એ હત્યાને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી-પોતાની નજરે મૂલવે છે, પણ આવા અનુમાન, ધારણા, અભિપ્રાય એટલાં બાયસ્ડ-પૂર્વગ્રહયુકત હોય છે કે ખરેખં સત્ય તેમાં ગૂંગળાઈ મરે. માણસ માત્રના ડિએનએ-રંગસૂત્રમાં વણાઈ ગયેલું આ એક એવું આંતરિક દૂષણ છે, જેનો ભોગ કાયમ સમાજ અને ખાસ કરીને લાગુ પડતી વ્યક્તિ જ બને છે. કોઈપણ ઘટનાને જોવા-તપાસવાના માનવીના ચશ્માં અલગ હોવાના. તેના પર જોયાની- જાણ્યાની-સાંભળ્યાની અને ધારણાઓની ધૂળ લાગેલી જ હોવાની. તામિલ ભાષામાંવિક્રમ વેધા’ જેવી વેગળી ફિલ્મ બનાવનારા નિર્માતા ગાયત્રી-પુષ્કરે `એમેઝોન-પ્રાઈમ ઓટીટી’ પ્લેટફોર્મ પર અનોખો, દિલચશ્પ અને ચુસ્ત વેબસિરિઝ થકી ધડાકો કર્યો છે, જેનું નામ છે :

વધાંધિ : ધ ફેબલ ઑફ વેલોની.
ભારતમાં હિન્દી કરતાં વધુ સર્જનાત્મક અને નક્કર કામ અન્ય પ્રાદેશિક ભાષામાં થાય છે એનો મણમોઢાંનો પુરાવો આ વેબસિરીઝ છે. ક્ન્યાકુમારીમાં વિધવા માતા બી સાથે રહેતી ને માતા સાથે જરા પણ મનમેળ ન ધરાવતી પુત્રી વેલોનીની હત્યા થઈ જાય છે. વિન્ડ ફાર્મની વિશાળ જગ્યામાં બિનવારસી જેમમળી આવેલી વેલોનીની સડી ગયેલી લાશ અનેક ભેદભરમ જન્માવે છે.
સૌથી પહેલાં તો વેલોનીની લાશને તામિલ અભિનેત્રી મમતાનો જ મૃતદેહ માની લેવામાં આવે છે, પણ પછી ખુલાસો થાય છે કે, આ ડેડબોડી મમતાનું નહિ, પણ તેના જેવી જ દેખાતી દેખાવડી યુવતી વેલોનીનું છે. પ્રાથમિક તપાસમાં ખબર પડે છે કે વેલોની ક્નયાકુમારીના બંગલામાં ગેસ્ટહાઉસ ચલાવતી વિધવા બીની પુત્રી છે અને એ ખુલાસા સાથે જ વેલોની વિશે (વધાંધિ) અફવાઓની માર્કેટ તેજ થઈ જાય છે.

અભિનેત્રી મમતાનો મૃતદેહ હોવાની ગેરસમજને કારણે છાપરે ચડી ગયેલી વેલોનીની હત્યાથી છૂટકારો મેળવવા તામિલ પોલીસ ઈચ્છે છે કે વેલોનીનો કેસ જલદી `ઉકેલી’ને વાઈન્ડ-અપ કરવામાં આવે પણ વેલોનીની હત્યાની તપાસ કરનારા સબ ઈન્સ્પેકટર વિવેકને વેલોની બારામાં એવી એવી વાતો મળે છે, જે ખરેખર તો વેલોની માટે દંતકથા (ધ ફેબલ) સમાન લાગે.

એક પતિવિહોણી ગેસ્ટહાઉસની સંચાલિકાની ચુલબુલી, ખૂબસુરત, બિન્દાસ અને યુવા દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળે એટલે ક્નયાકુમારી જેવા નાના અને છેવાડાના સેન્ટરમાં એટએટલી વાતો વેગ પકડે છે કે તેનું પગેં પકડવામાં સબ ઈન્સ્પેકટર વિવેક અનેક વખત થાપ ખાય જાય છે અને દર વખતે સત્ય જાણવાની એની જિજ્ઞાસા તેમ જ તાલાવેલી એના દિમાગનો કબજો લઈ લે છે. વેલોનીના અણગમતાં ફિયાન્સ વિગ્નેસનું મૃત્યુ થાય છે એટલે તામિલ પોલીસ વિગ્નેશ પર હત્યાનું આળ ચડાવીને વેલોની-કેસમાંથી હાથ ખંખેરી નાખે છે, પરંતુ સબ ઈન્સ્પેકટર વિવેકને સાચો હત્યારો ન પકડયાની ગિલ્ટ કોરી ખાય છે. આ ગિલ્ટ એની પારિવારિક અને પ્રોફેશનલ લાઈફને પણ ડિસ્ટર્બ કરે છે, પરંતુ વેલોની વિશેની દંતકથાઓ અને અફવાઓ વચ્ચે અટવાતું-ગૂંગળાતું સત્ય શોધવા માટે સબ-ઈન્સ્પેકટર વિવેક
કટિબદ્ધ છે.

છ કલાક 33 મિનિટની અને આન્ડે લૂઈસ લિખિત – નિર્દેશિત વધાંધિ : ધ ફેબલ ઑફ વેલોની' વેબસિરીઝ એટલી સચોટ રીતે લખાઈ અને દિગ્દર્શિત થઈ છે કે તેના આઠે આઠ એપિસોડ દરમિયાન તમે કરેલી ધારણા, અનુમાન, માન્યતા (રાશોમાન ઈફેકટ) આઠે આઠ વખત ખોટી પડે છે. સિરીઝના અંતમાં જયારે વેલોનીની હત્યાનું કારણ સ્પષ્ટ થાય છે ત્યારે આપણને પણ સમજાઈ છે કે કેવી સરળતા અને નિર્દોષતાથી વ્યક્તિના ચરિત્ર કે કરેલી ચેષ્ટા પર આપણને મનગમતો રંગપિછોડો (યા કાદવ) મારતાં હોઈએ છીએ અને પછી તેને જ પંપાળતા રહીએ છીએ.વેધાંધિ : ધ ફેબલ ઓફ વેલોની’ મૂળ તમિળમાં બની છે , પણ તેને હિન્દી સહિતની ભાષાઓમાં ડબ કરીને `એમેઝોન-પ્રાઈમ’ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. એની રજૂઆત થયાના એક જ મહિનામાં આઈએમડીબી પર દશમાંથી સાડા આઠ સ્ટાર મેળવનારી વેલોનીની આ કથામાં ટાઈટલ રોલ અભિનેત્રી સંજનાએ ભજવ્યો છે. એણે વેલોનીની માસુમિયત, અકળામણ, ટીનએજનો ઉછાળ તેમ જ એની આસપાસ રચાતું રહસ્યનું જાળું બખુબીથી સાકાર ર્ક્યું છે. આમ તો આ વેબસિરીઝમાં નાના-મોટા 82 કલાકારો છે , પણ સબ ઈન્સ્પેકટર વિવેક (એસ. જે. સૂર્યા), વેલોનીની માતા બી (લૈલા) અને નોવેલિસ્ટ કી. સુબ્રહમણ્ય (નાસિર) ખાસ નોંધનીય છે, પણ હત્યા પછીની તપાસમાં ખૂલતાં જતાં દરેક કિરદાર પણ એક અલગ પ્રભાવ છોડી જાય છે એ તમારે-દર્શકે સ્વીકારવું જ પડશે.

ક્નયાકુમારી, તેના વિન્ડફાર્મ, ગાઢ જંગલ વગેરેને દર્શાવતી ફોટોગ્રાફીથી લઈને બેકગ્રાઉન્ડ સ્કોર પણ વાતાવરણ અને કુતૂહલને વળ ચડાવે તેવા છે.
ટૂંકમાં કહીએ તો વધાંધિ : ધ ફેબલ ઑફ વેલોની' તમને ટીવી સ્ક્રિન સાથે ચીપકાવીને મનોરંજનની સાથોસાથ એ આપણને માનવ સહજ વૃત્તિ એવીરાશોમાન ઈફેકટનો’ ય પરચો આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button