બોલો અહીંયા તો સ્વયં યમરાજ ઉતરશે ચૂંટણીના મેદાનમાં…
દેશમાં સતત વધી રહેલાં ભ્રષ્ટાચારને રોકવા માટે ચૂંટણી લડી રહેલાં સોલાપુરના માઢા લોકસભાના અપક્ષ ઉમેદવારે કમાલનો રસ્તો શોધી કાઢ્યો હતો. આ ઉમેદવારનું નામ રામ ગાયકવાડ છે અને તેઓ યમરાજની વેશભૂષામાં પાડા પર બેસીને ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ગાયકવાડે જણાવ્યું હતું કે દેશમાં વધી રહેલાં ભ્રષ્ટાચારને ડામવા માટે તેઓ સંસદમાં જવા માંગે છે અને એટલે તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
ઓબીસી ક્વોટામાં મરાઠા આરક્ષણ મળે, વધતાં જતા ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવા અને સત્તાધારી પક્ષ દ્વારા ઈડી અને અન્ય તપાસ યંત્રણાઓનો દુરુપયોગ ન થાય એ માટે પોતે યમરાજ બનીને આવી રહ્યા હોવાનું રામ ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું.
માઢાથી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ગાયકવાડ યમરાજની વેશભૂષામાં સાત રસ્તા પર આવેલા કલેક્ટરની ઓફિસ પહોંચ્યા હતા. ગાયકવાડની આ વેશભૂષાને કારણે બધા લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું. યમરાજ સાથે 100 જેટલા કાર્યકર્તા પણ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા.
માઢા લોકસભા ચૂંટણીમાં ભાજપના વર્તમાન સાંસદ રણજિતસિંહ નાઈક-નિંબાળકર અને રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ધૈર્યશીલ મોહિતે-પાટીલ વચ્ચે રસાકસી છે. આ જ મતદાર સંઘમાંથી ગાયકવાડે યમરાજ બનીને ઉમેદવારી નોંધાવતા આ બેઠક ચર્ચાનું કારણ બની ગઈ છે.