ટોપ ન્યૂઝ

સંસદના વિશેષ સત્ર માટે આખરે કેન્દ્ર સરકારે જાહેર કરી નાખ્યો એજન્ડા

નવી દિલ્હી: સંસદના વિશેષ સત્ર મુદ્દે વિપક્ષોએ વિવિધ તર્ક વિતર્કો કર્યા પછી કેન્દ્ર સરકારે સત્તાવાર એજન્ડા જાહેર કર્યો હતો, જેમાં બંધારણ સભાથી શરૂ થયેલી 75 વર્ષની સંસદીય સફર પર સંસદના વિશેષ સત્રના પહેલા દિવસે ચર્ચા કરવામાં આવશે તેમ જ મહત્વનાં બિલનો પણ સમાવેશ થાય છે.

વિશેષ સત્ર સંસદના જૂના ભવનમાં શરુ થશે અને 19મી તારીખે ગણેશ ચતુર્થીના નવા સંસદ ભવનમાં ચલાવાશે. નવા સંસદ ભવનમાં ચાલનારુ આ પહેલું સત્ર હશે. જો કે આ વિશેષ સત્રને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ એજન્ડાની સૂચના નહીં હોવાને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો કર્યા હતા, ત્યાર બાદ આજે સરકારે ફોડ પાડ્યો હતો.



આ મુદ્દે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વિશેષ સત્ર દરમિયાન સંસદીય ઇતિહાસના પૂરા થયેલા 75 વર્ષ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ચાર મહત્વનાં બિલ રજૂ કરવામાં આવશે. અલબત્ત, સંસદના પાંચ દિવસના સત્ર દરમિયાન ખાસ કરીને સંસદ શરૂ થઈ તે આજ દિવસ સુધીની સફરના અનુભવો, યાદો સહિત અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. આ મુદ્દે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે પાંચ દિવસીય સંસદ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા 17 સપ્ટેમ્બરે તમામ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક બોલાવવામાં આવી છે.



સંસદમાં ચર્ચા દરમિયાન ચાર બિલ પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં એડવોકેટ એમેન્ડમેન્ટ બિલ, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિઓડિકલ્સ બિલ, પોસ્ટ ઓફિસ બિલ અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સેવા શરતો બિલનો સમાવેશ થાય છે.


સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા નવી સંસદ ભવન પર દેશનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવવામાં આવશે. સરકારે સંસદનું આ વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે નવી સંસદ ભવન પર તિરંગો ફરકાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજાનો દિવસ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button