વેપાર અને વાણિજ્ય

સોનામાં 175નો અને ચાંદીમાં 114નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાના સંકેત આપ્યા હોવા છતાં તાજેતરમાં મધ્ય પૂર્વના દેશોમાં ખાસ કરીને ઈઝરાયલ-ઈરાન વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવ વધતાં વૈશ્વિક સોનામાં સલામતી માટેની માગ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું છે. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અનુક્રમે 0.9 ટકાનો અને 0.4 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.8 ટકાનો સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 175નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 114નો ધીમો સુધારો આગળ ધપ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રામનવમીની જાહેર રજા હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ હોવાથી ભાવની જાહેરાત નહોંતી થઈ.


આજે સ્થાનિકમાં ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ તથા ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 114ના સુધારા સાથે રૂ. 83,327ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 175 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 73,183 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 73,475ના મથાળે રહ્યા હતા.


આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 2382.27 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 2397.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 28.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ઈરાને કરેલા ઈઝરાયલ પર હુમલા બાબતે પશ્ચિમના દેશોએ ઈઝરાયલને સંયમ રાખવા અરજ કરી હતી, જ્યારે ઈઝરાયલના વડા પ્રધાન નેત્યાનાહુએ પોતાનો બચાવ કેવી રીતે કરવો અંગે તે જાતે નિર્ણય લેશે એમ જણાવ્યું હતું. આમ હાલના તબક્કે મધ્યપૂર્વના દેશોમાં ભારે રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.


ફેડરલ રિઝર્વ દ્વારા લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાના સંકેત છતાં સોનાને મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું ઓએએનડીએ સ્થિત એશિયા પેસિફિક વિભાગના એનાલિસ્ટ કેલ્વિન વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં પૂલબેક જોવા મળ્યા બાદ સોનામાં કોન્સોલિડેશનનો તબક્કો જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે… Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે