આરબીઆઇમાં નોકરીને બહાને 26 લોકો સાથે રૂ. 2.25 કરોડની છેતરપિંડી
નવી મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)માં નોકરી અપાવવાને બહાને 26 લોકો સાથે રૂ. 2.25 કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં ખારઘર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. નિવૃત્ત લશ્કરી જવાન અને ઐરોલીના રહેવાસીને ઓન-ડ્યૂટી સિક્યુરિટી ઓફિસર સદાનંદ ભોસલેએ બેલાપુરમાં આરબીઆઇ બેન્કમાં નોકરીની ખાતરી આપી રૂ. 6.5 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ફરિયાદી સપ્ટેમ્બર, 2020માં રૂ. બે હજારની ફાટેલી બે નોટ બદલવા માટે આરબીઆઇ બેન્કમાં આવ્યો હતો. અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ભોસલેએ ફરિયાદીનું ઓળખપત્ર જોયું અને અમુક દસ્તાવેજો સુપરત કરવા તથા અમુક રકમ ચૂકવવા પર આરબીઆઇમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી મળશે, એવું તેને જણાવ્યું હતું.
ફરિયાદી બાદમાં ભોસલેને અનેક વાર ખારઘરમાં મળ્યો હતો અને તેને તબક્કાવાર રૂ. 6.5 લાખ ચૂકવ્યા હતા. આરોપીએ મેડિકલ ફિટનેસ, રોજગાર યાદીમાં નામ સમાવવું અને લશ્કરી ટ્રેક રેકોર્ડના વેરિફિકેશનને નામે ફરિયાદી પાસેથી પૈસા લીધા હતા. જોકે પૈસા ચૂકવ્યા છતાં નોકરી ન મળતાં ફરિયાદીને શંકા ગઇ હતી.
આથી તેણે આરોપીને આ વિશે પૂછતાં તેણે રૂ. 6.05 લાખનો ચેક આપ્યો હતો, જે બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. પોલીસે તપાસ કરતાં આરોપીએ આ પ્રમાણે અનેક લોકો સાથે ઠગાઇ આચરી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.