ચેન્નઈ: 2023માં પાંચમું ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) આ વખતે એકંદરે સારું પર્ફોેર્મ કરી રહી છે, પણ આ ટીમને આ વખતે મોટો ઝટકો લાગ્યો છે.
2023ની સીઝનમાં CSK વતી સૌથી વધુ અને તમામ પ્લેયરોમાં થર્ડ-બેસ્ટ 672 રન બનાવનાર ન્યૂ ઝીલૅન્ડનો લેફ્ટ-હૅન્ડ બૅટર ડેવૉન કૉન્વે ઈજાને લીધે આ વખતની આઇપીએલની બહાર થઈ ગયો છે.
કિવી બૅટર કૉન્વેને ફેબ્રુઆરીમાં ઑકલૅન્ડમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 દરમ્યાન ડાબા હાથના અંગૂઠામાં ફ્રૅક્ચર થયું હતું. તે આઇપીએલ પહેલાં જ ઈજામુક્ત થઈ જશે એવું લાગતું હતું. જોકે તેણે સર્જરી કરાવી એ પછી CSKને લાગ્યું કે મે મહિનામાં તે રમવા આવી જશે, પરંતુ હવે એવી વાત બહાર આવી છે કે તે આખી સીઝનમાં નહીં રમે.
કૉન્વેને સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ હવે તે નથી રમી શકવાનો. સીએસકેએ તેના સ્થાને ઇંગ્લૅન્ડના 36 વર્ષની ઉંમરના પેસ બોલર રિચર્ડ ગ્લીસનને બોલાવ્યો છે. ગ્લીસનને સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં મેળવ્યો છે એટલે હવે તે જેટલી મૅચ રમશે એ પ્રમાણે તેને રકમ ચૂકવાશે.
CSK છમાંથી ચાર મૅચ જીતીને હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા નંબર પર છે, પણ કૉન્વેની ગેરહાજરીની એને હવે પછીની મૅચોમાં વિપરીત અસર થઈ શકે. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ સારું રમી રહ્યો છે, પણ ટૉપ-ઑર્ડરમાં આ ટીમ પાસે એક પણ હાર્ડ-હિટર નથી જે સતતપણે સારું રમતો હોય.
સામાન્ય રીતે ફાસ્ટ બોલર 36 વર્ષની ઉંમરે નિવૃત્તિની તૈયારી કરતો હોય છે, પણ ગ્લીસનની આઇપીએલમાં કરીઅર હવે શરૂ થઈ રહી છે. તે માત્ર છ ઇન્ટરનૅશનલ ટી-20 રમ્યો છે, પણ ફ્રૅન્ચાઇઝી લીગ ક્રિકેટમાં તે ઘણું રમ્યો છે. તે બિગ બૅશ લીગ અને બાંગલાદેશ પ્રીમિયર લીગમાં ધૂમ મચાવી ચૂક્યો છે.
ગ્લીસને છ ઇન્ટરનૅશનલ ટી-20માં નવ વિકેટ લીધી છે. તેણે 2022માં ભારત સામે રમીને ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત સામેની પહેલી મૅચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી હતી. જોકે ભારતે એ મૅચ જીતી લીધી હતી. ગ્લીસને પછીની મૅચમાં રવીન્દ્ર જાડેજાને આઉટ કર્યો હતો.
Taboola Feed