‘ગિલ ને મારી એન્ટ્રી યાર…’: જીટીનો કૅપ્ટન આવ્યો ને વિદેશી યુવતી ફિદા થઈ ગઈ
અમદાવાદ: ફૂલોની વર્ષા થઈ રહી હોય અને એમાં નકકી થયા મુજબ જેની એન્ટ્રી થાય ત્યારે ‘તૂં ને મારી એન્ટ્રી યાર…’ ગીતની લાઇન અચૂક યાદ આવી જાય. ગુજરાત ટાઇટન્સ (જીટી)નો કૅપ્ટન શુભમન ગિલ તાજેતરમાં એક શહેરમાં ટીમની હોટેલમાં આવે છે ત્યારે હોટેલની લૉબીમાં ફૂલોની વર્ષા વચ્ચે શાલ ઓઢાડીને તેનું ભવ્ય સ્વાગત થાય છે, આસપાસ ઊભેલા તેના ચાહકો તેને જોતા જ રહી જાય છે અને કેટલાકે તો તેના આગમનને પોતે નજરે જોયું એ બદલ ગર્વ અનુભવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાની વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ વીડિયોનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ એ છે જેમાં એક વિદેશી યુવતી ગિલને જોઈને પોતાના બન્ને હાથ છાતી પર મૂકીને જોતી રહી હતી અને આનંદનો અતિરેક છુપાવી શકી નહોતી. વીડિયોમાં ગિલના આગમન સાથે ‘ગુન્ડે’ ફિલ્મના ‘તૂં ને મારી એન્ટ્રી યાર…’ ગીતની લાઇન જોડી દેવામાં આવી હતી અને ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શનમાં લખ્યું હતું, ‘ગિલ ને મારી એન્ટ્રી યાર…’
આ વીડિયોને 18 લાખ જેટલા લાઇક્સ મળ્યા છે. દરમ્યાન, ગિલના સુકાનમાં ગુજરાત ટાઇટન્સનો આ વખતની આઇપીએલમાં નબળો પર્ફોર્મન્સ રહ્યો છે. આ ટીમ સાતમાંથી ચાર મૅચ હારી છે અને ટેબલમાં સાતમા નંબરે છે.
બુધવારે દિલ્હી સામે ગુજરાતની ટીમ 89 રનના એના લોએસ્ટ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. જોકે ગુજરાતની ટીમમાં ગિલના 263 રન હાઇએસ્ટ છે. 2024ની આઇપીએલ પહેલાં હાર્દિક પંડ્યા ગુજરાતની ટીમ છોડી જતાં ગિલને આ ટીમનું સુકાન સોંપાયું હતું.