નેશનલ

“હું મારી જાતને ભગવાન કૃષ્ણની ‘ગોપી’ માનું છું” જાણો કોણે આમ કહ્યું?

મથુરા: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી હેમા માલિની ત્રીજી વખત મથુરા મતદાર ક્ષેત્રમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે એક સભામાં બોલતા તેમણં જણાવ્યું હતું કે તેઓ પોતાને ભગવાન કૃષ્ણની “ગોપી” માને છે. હેમાએ પત્રકારોને જણાવ્યું હતું કે હું કોઇ ભૌતિક લાભ માટે રાજકારણમાં જોડાઇ નથી.

હું કોઇ નામ કે પ્રસિદ્ધિ માટે પણ રાજકારણમાં જોડાઇ નથી. હું તો કૃષ્ણની ગોપી છું. ભગવાન કૃષ્ણ બ્રિજના લોકોને પ્રેમ કરતા હોવાથી મને લાગ્યું કે જો હું બધા લોકોની સેવામાં કામ કરીશ તો તેઓ મારા પર પણ તેમના આશીર્વાદ વરસાવશે.
હેમા માલિનીએ મથુરાથી ત્રીજી વખત બ્રિજના લોકોની સેવા કરવાની તક આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે જર્જરિત ‘બ્રજ 84 કોસ પરિક્રમા’નો વિકાસ તેમની પ્રથમ પ્રાથમિકતા હશે. આ પરિક્રમાને સુખદ અને આકર્ષક બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પરિક્રમા માર્ગનો વિકાસ કરવાથી સ્થાનિકો માટેની રોજગારીમાં પણ વધારો થશે એને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ સરળતા રહેશે. આ ઉપરાંત તેમની બીજી પ્રાથમિકતા યમુના નદીને સાફ કરવાની રહેશે.

હેમા માલિનીએ દાવો કર્યો હતો કે નમામિ ગંગે પ્રોજેક્ટ શરૂ થયા પહેલા જ તેમણે ગંગા અને યમુના નદીના પ્રદૂષણ અંગે સંસદમાં સવાલ ઉઠાવ્યા હતા. જ્યારથી યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નમામિ ગંગે પ્રોજેક્ટમાં રસ લીધો છે ત્યારથી પ્રયાગરાજમાં ગંગાનું પાણી સ્વચ્છ બન્યું છે, પણ દિલ્હીના મુખ્ય પ્રધાને યમુનાના પ્રદૂષણની સમસ્યા ઉકેલવામાં રસ લીધો નથી અને નદી પ્રદૂષિત જ છે. દિલ્હી અને હરિયાણામાં યમુનાની સફાઈ કર્યા વિના મથુરામાં સ્વચ્છ યમુનાનું સપનું સાકાર થઈ શકે તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે તેઓ સ્વચ્છ યમુના માટે શક્ય તમામ પ્રયાસો કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button