‘હું અગરકર કે દ્રવિડને મળ્યો જ નથી’ રોહિતનો ખુલાસો, T20 વર્લ્ડ કપ અંગેની મીટિંગ અફવા નીકળી

તાજેતરમાં જ એવા અહેવાલો વહેતા થયા હતા કે આગામી ICC T20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી અને રોડમેપ નક્કી કરવા માટે મુંબઈમાં એક હાઈ લેવલ મિટિંગ યોજાઈ હતી. અહેવાલ મુજબ આ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, BCCI ના મુખ્ય સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ રાહુલ દ્રવિડ વચ્ચે બેઠક યોજાઈ હતી. હવે કેપ્ટન રોહિત શર્માએ આ વાતનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે આવી કોઈ પણ બેઠક યોજાઈ ન હતી.
થોડા દિવસો પહેલા, એક અગ્રણી અખબારે કે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે રોહિત, દ્રવિડ અને અગરકર વચ્ચે મુંબઈમાં બે કલાક લાંબી બેઠક થઇ હતી, જ્યાં બે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી – હાર્દિક પંડ્યાની ટીમમાં જગ્યા અંગે અને વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનમાં કેપ્ટન રોહિત સાથે ઓપનિંમાં મોકલવો કે કેમ.
જોકે, રોહિતે આ અહેવાલોને ફેક ન્યુઝ ગણાવી ફગાવી દીધા હતા. તેણે જાહેર કર્યું કે તે કોઈને મળ્યો નથી. તેણે કહ્યું કે લોકોએ આવી અફવાઓથી દુર રહેવું જોઈએ.
રોહિતે એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે “હું કોઈને મળ્યો નથી. અજીત અગરકર દુબઈમાં ક્યાંક ગોલ્ફ રમતા હશે અને રાહુલ દ્રવિડ બેંગલુરુમાં તેમના બાળકોને રમતા જોઈ રહ્યા હશે. મને લાગે છે કે આજના યુગમાં, જ્યાં સુધી તમે મારી અથવા રાહુલ અથવા અજીત અથવા BCCIમાંથી કોઈ વ્યક્તિ પાસેથી વાત ન સાંભળો ત્યાં સુધી કંઈ ન માનવું જોઈએ.”
BCCI મેના પ્રથમ સપ્તાહ દરમિયાન ભારતની T20 વર્લ્ડ કપ ટીમ જાહેર કરે એવી શક્યતા છે, માટે દરેક IPL મેચ વધુ નિર્ણાયક છે કારણ કે ટીમ માટે દાવેદારો ઘણા છે. એક મહિના પહેલા સુધી, 15 સભ્યોની ટીમમાં વિરાટ કોહલીના સ્થાન અંગે પણ અટકળો ચાલી રહી હતી.
જોકે કોહલીએ પોતે આડકતરી રીતે પ્રતિક્રિયા આપી, IPLમાં પંજાબ કિંગ્સ સામે મેચ-વિનિંગ ઇનિંગ રમ્યા પછી, તેણે કહ્યું “મને લાગે છે કે હું ટીમમાં છું”. જો કે, કોહલીની સ્થિતિ સ્પષ્ટ જણાય છે અને તે ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમવા માટે તૈયાર છે.