Religious intolerance: તેલંગણામાં ભગવા પહેરલા ટોળાનો શાળા પર હુમલો, બેંગલુરુમાં જયશ્રી રામ બોલનારને માર માર્યો

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ઘાર્મિક અસહિષ્ણુતા (Religious intolerance) વધી રહી હોવાની ચર્ચા સતત ચાલી રહી છે, એવામાં તાજેતરમાં જ આ વાતનો પુરાવો આપતી બે ચોંકાવનારી ઘટના બની હતી. એક ઘટના તેલંગણા(Telangana)ના મંચેરિયલ છે, જેમાં એક ટોળાએ ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલ પર હુમલો(school attacked) કરી પ્રિન્સિપાલને માર માર્યો હતો તો બીજી ઘટના કર્ણાટકના બેંગલુરુ(Bengaluru)ની છે, જેમાં રામ નવમી દરમિયાન જય શ્રી રામના નારા લગાવી રહેલા યુવક પર બાઈક સવારોએ હુમલો કર્યો હતો.
તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાં એક મિશનરી સ્કૂલના પ્રિન્સીપાલએ વિદ્યાર્થીઓને પશાળા રિસરમાં ધાર્મિક પોશાક ન પહેરવાનું કહેતાં ઉસ્કેરાયેલા ટોળાએ સંસ્થાની પ્રોપર્ટીની તોડફોડ કરી અને સંસ્થાના સ્ટાફ પર હુમલો કર્યો હતો, જ્યારે વિદ્યાર્થીઓના માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસે શાળાના પ્રિન્સિપાલ અને બે સ્ટાફ સભ્યો વિરુદ્ધ બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જાણકારી મુજબ હુમલો કરનાર ટોળા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
એક અહેવાલ મુજબ હૈદરાબાદથી લગભગ 250 કિમી દૂર કન્નેપલ્લી ગામમાં બ્લેસિડ મધર ટેરેસા હાઈસ્કૂલમાં બે દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ ભગવા પોશાક પહેરીને શાળામાં આવ્યા હતા. મૂળ કેરળના વતની પ્રિન્સિપાલ જૈમન જોસેફે જ્યારે વિદ્યાર્થીઓને આ વિશે પૂછ્યું તો વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે તેઓ 21 દિવસની હનુમાન દીક્ષાનું પાલન કરી રહ્યા છે. પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને તેના માતા-પિતાને ચર્ચા કરવા શાળામાં બોલાવી લાવવા કહ્યું.
કોઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો દાવો કર્યો કે પ્રિન્સિપાલ કેમ્પસમાં હિંદુ પોશાક પહેરવાની મંજૂરી નથી આપી રહ્યા, ત્યારે મામલો વધુ વકર્યો. ત્યાર બાદ ટોળાએ શાળા પર હુમલો કર્યો. ભગવા કપડા પહેરેલા કેટલાક શખ્સોના ટોળાએ શાળામાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા, અને ફર્નીચરની તોડફોડ કરી હતી. ગભરાયેલા શિક્ષકો હાથ જોડીને તેમને રોકવા માટે વિનંતી કરી, છતાં ઉસ્કેરાયેલા ટોળાએ શિક્ષકોને પણ માર માર્યો હતો.
અહેવાલો અનુસાર કેટલાક લોકોએ પ્રિન્સિપાલ જોસેફને ઘેરી લીધા, તેમની સાથે મારપીટ કરી અને તેમના કપાળ પર બળજબરીથી તિલક લગાવ્યું. પ્રદર્શનકારીઓએ સ્કૂલ પાસે માફી માંગવાની માંગ કરી છે.
આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે શાળાના શિક્ષકો ટોળાને હાથ જોડીને તોડફોડ ન કરવા માટે કહી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ભીડને કાબૂમાં લીધી અને પ્રદર્શનકારીઓને શાળાના પરિસરમાંથી બહાર જવા કહ્યું. થોડી જ વારમાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ અને ટોળું શાળાની બહાર નીકળી ગયું હતું.
કર્ણાટકના બેંગલુરુમાં જય શ્રી રામના નારા લગાવવા બદલ કેટલાક શખ્સોએ એક યુવકને માર માર્યો હતો. આરોપીઓએ યુવક પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મામલો ચિકબેતાહલીનો છે, ત્રણ યુવકો કારમાં જઈ રહ્યા હતા, તેમની પાસે ભગવા ઝંડા હતા અને તેઓ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આ પછી બાઇક પર આવેલા છોકરાઓએ તેમને રોક્યા અને દલીલો કરવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બાઈક પર બેઠેલો એક છોકરો કહે છે કે જય શ્રી રામ નહીં પણ અલ્લાહુ અકબર બોલો. આ પછી બંને પક્ષો વચ્ચે ચર્ચા શરૂ થાય છે. આરોપીઓ ભગવો ઝંડો છીનવી લેવાનો અને કારમાં બેઠેલા છોકરાઓને બહાર ખેંચવાનો પણ પ્રયાસ કરે છે. આ પછી તેઓ લાકડીઓ વડે હુમલો કરે છે. પોલીસે IPC કલમ 156/24 u/s 295A, 298, 143, 147, 504, 324, 326, 506 r/w 149 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીઓની ઓળખ ફરમાન અને સમીર તરીકે થઈ છે. અન્ય બે આરોપીઓ સગીર છે.