હળવા વાહનનું લાઈસન્સ ધરાવનાર ટ્રાન્સપોર્ટ વેહિકલ ચલાવી શકે?
પ્રશ્ર્નનો જવાબ આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બે મહિનાનો સમય આપ્યો
નવી દિલ્હી: વજનની મર્યાદામાં આવતું ટ્રાન્સપોર્ટ વેહિકલ કાયદેસર રીતે ચલાવવા હળવા વાહનના લાઈસન્સધારક પાત્ર છે કે કેમ તે કાયદાકીય પ્રશ્ર્ન પર કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે કે કેમ તેવો પ્રશ્ર્ન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય ખંડપીઠે બુધવારે કહ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકારે ફરીથી વિચારવાની આવશ્યકતા છે. આ ક્વાયત બે મહિનામાં પૂરી કરવા અને નિર્ણય જણાવવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે કહ્યું કે સરકાર પોતાનો નિર્ણય જણાવે તે પછી સુનાવણી આગળ ધપાવવામાં આવશે.
‘લાઈટ મોટર વેહિકલ’નો ડ્રાઈવિંગ લાઈસન્સધારક ૭,૫૦૦ કિલોગ્રામથી વધુ નહીં તેટલું વજન (લાઈટ મોટર વેહિકલ શ્રેણીમાં વર્ગીકૃત) ધરાવતા ટ્રાન્સપોર્ટ વેહિકલને ચલાવવા પાત્ર છે કે કેમ તે કાયદાકીય પ્રશ્ર્ન સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ સામે છે. આ કાયકાદીય પ્રશ્ર્નનો જવાબ મેળવવા ૧૮મી જુલાઈએ ૭૬ અરજી પર સુનાવણી શરૂ કરી હતી. મુકુંદ દેવાન્ગન વિરુદ્ધ ઓરિયેન્ટલ ઈન્સ્યૂરન્સ કંપની લિમિટેડના કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજની ખંડપીઠે ૨૦૧૭માં ચુકાદો આપ્યો હતો. ૭૫૦૦ કિલોગ્રામથી વધુ વજન નહીં ધરાવતા ટ્રાન્સપોર્ટ વેહિકલોને લાઈટ મોટર વેહિકલમાં સમાવેશ કરવા સામે કોઈ વાંધો નથી. તેવો ચુકાદો તે વખતે ખંડપીઠે આપ્યો હતો. બુધવારે બંધારણીય પીઠે કહ્યું કે ‘આ કેવળ કાયદાનો પ્રશ્ર્ન નથી પણ કાયદાની સમાજ પર થતી અસરનો છે. રોડ પર સલામતીનું કાયદાના સામાજિક હેતુ સાથે સંતુલન કરવું જરૂરી છે. બંધારણીય ખંડપીઠ સામાજિક નીતિના મુદ્દા પર નિર્ણય નહીં કરી શકે.’ દેવાન્ગન જજમેન્ટના આધારે દેશભરમાં લાખો ડ્રાઈવર કામ કરી રહ્યા છે. આ બંધારણીય મુદ્દો નથી પણ વૈધાનિક મુદ્દો છે, તેવું ખંડપીઠે કહ્યું
હતું.