Nestle ભારતમાં વેચાતા Cerelacમાં ખાંડ ઉમેરે છે! એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી: તાજેતરમાં પ્રકશિત થયેલા એક અહેવાલમાં વિશ્વની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની નેસ્લેના બેબી પ્રોડક્ટ્સ(Nestle baby products)અંગે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ કંપની ભારત સહિત અનેક દેશોમાં બાળકો માટેના દૂધ અને સેરીઅલ આધારિત ઉત્પાદનોમાં ખાંડ અને મધ ઉમેરે છે. જે આંતરરાષ્ટ્રીય દિશાનિર્દેશોનું સીધું ઉલ્લંઘન છે. અહેવાલ મુજબ નિયમોનું આ ઉલ્લંઘન ફક્ત એશિયન, આફ્રિકન અને લેટિન અમેરિકન દેશોમાં જ કરવામાં આવી રહ્યું છે. નેસ્લેએ વર્ષ 2022માં ભારતમાં રૂ. 20,000 કરોડથી વધુની કિંમતની સેરેલેક(Nestle) પ્રોડક્ટ્સ વેચી હતી.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં સૌથી વધુ વેચાતી નેસ્લેની બે બેબી-ફૂડ પ્રોડક્ટ્સમાં સુગરનું સ્તર વધારે હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ યુનાઇટેડ કિંગડમ, જર્મની સ્વિટ્ઝર્લેન્ડ અને અન્ય વિકસિત દેશોમાં વેચતા નેસ્લેના આ જ પ્રોડક્ટ સુગર ફ્રી છે.
ભારતમાં વેચતા કંપનીના તમામ 15 સેરેલેક બેબી પ્રોડક્ટ્સમાં દરેક સર્વિંગમાં સરેરાશ લગભગ 3 ગ્રામ ખાંડ હોય છે. આ જ ઉત્પાદન જર્મની અને યુકેમાં સુગર ફ્રી વેચવામાં આવે છે. ઇથોપિયા અને થાઇલેન્ડમાં વેચતા કંપનીના આ જ પ્રોડક્ટ્સના દરેક સર્વિંગમાં લગભગ 6 ગ્રામ ખાંડ હોય છે.
આ પ્રકારના ઉત્પાદનોના પેકેજિંગ પર પોષક તત્વોની યાદીમાં ખાંડ ઉમેરવામાં આવી છે એવો ઉલ્લેખ નથી કરવામાં આવતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે “જ્યારે નેસ્લે તેની આઈડલ ઈમેજ બનાવવા ઉત્પાદનોમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વોને સ્પષ્ટપણે હાઇલાઇટ કરે છે, જ્યારે ખાંડ ઉમેરવાની વાત છુપાવવામાં આવે છે.”
નિષ્ણાતોના જણાવ્યા મુજબ કે બાળકો માટેના ઉત્પાદનોમાં ખાંડ ઉમેરવી ખતરનાક સાબિત થઇ શકે છે કારણ કે તે ખૂબ જ વ્યસનકારક છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, “આ એક ચિંતાનો વિષય છે. બાળકો અને નાના બાળકોને આપવામાં આવતા ખોરાકમાં ખાંડ ઉમેરવી જોઈએ નહીં કારણ કે તે બાળકોને વ્યસન લગાડી શકે છે.
બાળકો મીઠા સ્વાદની આદત થઇ જાય છે અને વધુ ખાંડ વાળા ખોરાક તરફ વળે છે, આનાથી એક નેગેટીવ સાયકલ શરુ થાય છે, જે પુખ્ત જીવનમાં ન્યુટ્રીશન બેઝ્ડ રોગોનું જોખમ વધારે છે. આમાં સ્થૂળતા તથા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ક્રોનિક નોન-કમ્યુનીકેબલ રોગોનો સમાવેશ થાય છે.”
નેસ્લે ઈન્ડિયાના પ્રવક્તાએ આ આરોપો અંગે એક અખબારને જણાવ્યું હતું કે, “છેલ્લાં પાંચ વર્ષોમાં, નેસ્લે ઈન્ડિયાએ શિશુ સેરીઅલ પોર્ટફોલિયો (દૂધના અનાજ-આધારિત પૂરક ખોરાક) માં વેરિઅન્ટના આધારે ઉમેરેલી સુગરમાં 30% સુધીનો ઘટાડો કર્યો છે.”