અમેરિકા વ્યાજદરો ઊંચા સ્તરે જાળવી રાખશે એવી અટકળ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ/ટોક્યો: અમેરિકા વ્યાજ દરો થોડા સમય માટે ઊંચા રહી શકે છે તેવી અપેક્ષાઓ ફરી ઊભી થઈ હોવાથી એશિયન શેરબજારોમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ભારતીય શેરબજાર રામનવમી નિમિત્તે બંધ રહ્યાં હતાં. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ બપોરના સત્રમાં ૦.૫ ટકા ઘટીને ૩૮,૨૯૬.૬૯ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો જ અને પી-એએસએક્સ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૧ ટકાથી ઓછો વધીને ૭,૬૧૮.૫૦ સુધી પહોંચ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી થોડો ઘટીને ૨,૬૦૮.૯૩ સુધી પહોંચ્યોે હતો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ૦.૨ ટકા ઘટીને ૧૬,૨૧૯.૮૪ પર, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ૧.૧ ટકા વધીને ૩,૦૪૦.૭૨ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.
ભારતીય શેરબજાર રામનવમી નિમિત્તે બંધ રહ્યાં હતાં. વિશ્ર્વબજાર પાછળ સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં કડાકો નોંધાયો છે. પશ્ર્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિ વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં નબળાઈને ટ્રેક કરતા સેન્સેક્સ અને નિફ્ટી ૧૬ એપ્રિલના રોજ સતત ત્રીજા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા. યુએસ ટ્રેઝરી બોન્ડની યીલ્ડ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી એકંદર ઇક્વિટી બજારોના માનસ ખરડાયા હતા. વિશ્ર્લેષકો રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યાં છે.
ભારતીય મૂડીબજારમાં તેજી યથાવત છે. ફાલ્કોન કોન્સેપ્ટ્સ લિમિટેડ, અગ્રણી ફેસડ સિસ્ટમ્સ કંપનીમાંની એકે ૧૯ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. હરિયાણામાં મુખ્ય મથક ધરાવતી આ કંપની આઇપીઓના માધ્યમથી શેર દીઠ રૂ. ૬૨ના ભાવે રૂ. ૧૨.૦૯ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે. લોટ સાઈઝ ૨,૦૦૦ ઈક્વિટી શેરની છે.
વિશ્ર્વબજાર તરફ ફરી વળીએ તો, ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે મંગળવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મધ્યસ્થ બેન્ક તેના મુખ્ય વ્યાજ દરમાં કાપ મૂકવાના યોગ્ય સમયની રાહ જોઈ રહી છે, જે ૨૦૦૧ પછીના તેના સર્વોચ્ચ સ્તરે છે. તેમના આ કથન પછી મિશ્ર પ્રતિક્રિયા આવી છે, કારણ કે તેમણે પહેલા એવું વિધાન પણ કર્યું હતું કે ફુગાવો સતત નીચે જાય અને ફેડરલે નક્કી કરેલા બે ટકાના લક્ષ્યાંકની નીચે જાય પછી રેટ કટ અંગે નિર્ણય લેવાશે. આઇજીના માર્કેટ એનાલિસ્ટ યીપ જુન રોંગે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ વ્યાજદરના ઘટાડા માટેની સમય મર્યાદા પાછળ ઠેલી રહ્યાં છે અને બીજીતરફ ફેડરલના અન્ય સ્પીકર્સ વધુ ધીરજ રાખવાની હાકલ કરે છે તેને કારણે રોકાણકારોની જોખમ લેવા માટેની વૃત્તિ અને ઇચ્છા નબળી પડી રહી છે. વોલ સ્ટ્રીટ પર, એસએન્ડપી ૫૦૦ બેન્ચમાર્ક ૧૦.૪૧ પોઈન્ટ અથવા ૦.૨ ટકા ઘટીને ૫,૦૫૧.૪૧ પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. ઇન્ડેક્સે તેના આગલા દિવસ કરતા તેની ખોટ વધુ ઊંડી બનાવી છે, જ્યારે તે ટ્રેઝરી યીલ્ડ્સમાં ઉછાળાને કારણે દબાણ હેઠળ નેગેટીવ જોનમાં ગબડ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૬૩.૮૬ પોઈન્ટ અથવા ૦.૨ ટકા વધીને ૩૭,૭૯૮.૯૭ પોઈન્ટના સ્તરે અને નાસ્ડેક કમ્પોઝિટ ૧૯.૭૭ પોઇન્ટ અથવા ૦.૧ ટકા ઘટીને ૧૫,૮૬૫.૨૫ પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. ફેડરલ આ વર્ષે વ્યાજ દરોમાં ઘણા કટ આપશે તેવી આશા સ્ચોક ટ્રેડરોએ મોટેભાગે છોડી દીધી હોવાથી શેરબજારોમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો, પરંતુ પોવેલની ટિપ્પણીને પગલે ટ્રેઝરી યીલ્ડમાં વધારો થતાં મોટાભાગના શેરો ઘટ્યા હતા. ઊંચા દરો તમામ પ્રકારના રોકાણ માટે કિંમતોને નુકસાન પહોંચાડે છે અને ભવિષ્યમાં મંદીનું જોખમ વધારે છે.
પોવેલે, આ વર્ષના અહેવાલોના સ્ટ્રિંગનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ફુગાવો અનુમાન કરતાં વધુ ઊંચી સપાટીએ રહ્યો છે. જો ઊંચો ફુગાવો ચાલુ રહેશે, તો ફેડરલ ‘જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી’ દર સ્થિર રાખશે. પરંતુ તેમણે એ પણ સ્વીકાર્યું કે જો જોબ માર્કેટ અણધારી રીતે નબળું પડે તો ફેડરલ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
બે વર્ષની ટ્રેઝરી પરની ઉપજ, જે ફેડરલની કાર્યવાહી માટેની અપેક્ષાઓ પર નજર રાખે છે, તે પોવેલના કથન પછી તરત જ ઉછળીને ૫ાંચ ટકા સુધી પહોચી અનેે નવેમ્બરમાં જે સ્તરે હતી તે સ્તરે પાછી ગોઠવાઇ ગઇ. પરંતુ બપોર થતાંની સાથે ઉપજમાં પાછળથી ઘટાડો થયો અને બે વર્ષની ઉપજ ફરી ૪.૯૮ ટકા સુધી નીચે આવી ગઇ. પરંતુ તે હજુ પણ સોમવારના અંતમાં ૪.૯૧ ટકા સામે ઊંચી સપાટીએ છે. ૨૦૨૪માં છ કે તેથી વધુની અપેક્ષા રાખતા ફેડરલ દ્વારા આ વર્ષે વ્યાજ દરોમાં માત્ર એક કે બે વખત જ વ્યાજદરમાં કાપ જોવા મળશે એવુ બજારના સાધનો માને છે.
એનર્જી ટ્રેડિંગમાં, બેન્ચમાર્ક યુએસ ક્રૂડ બાવન સેન્ટ ઘટીને ૮૪.૫૪ ડોલર પ્રતિ બેરલ થયું હતું. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૪૫ સેન્ટ ઘટીને ૮૯.૫૭ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ચલણના વેપારમાં, યુએસ ડોલર ૧૫૪.૬૫ યેનથી ઘટીને ૧૫૪.૬૪ જાપાનીઝ યેન પર આવી ગયો. યુરોની કિંમત ૧.૦૬૨૩ ડોલર અને ૧.૦૬૧૭ ડોલર બોલાઇ હતી.
સ્થાનિક સ્તરે પાછલા સત્રમાં સેન્સેક્સ ૪૫૬.૧૦ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકા ઘટીને ૭૨,૯૪૩.૬૮ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૧૨૪.૬૦ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા ઘટીને ૨૨,૧૪૭.૯૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. જોકે, બજારનો ટોન મક્ક્મ જણાયો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨,૦૩૭ શેર વધ્યા, ૧,૨૫૫ શેર ઘટ્યા અને ૮૬ શેર પાછલી બંધ સપાટીએ પાછાં ફર્યા હતા.