ધ્વનિ પ્રદૂષણની ચિંતા તો થાય, પણ વાણી પ્રદૂષણનું શું?
શાંત રહેતા શીખવાની કળા સાધ્ય કરીને શાંતિ પામતા શીખીએ
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
હમણાં એક પ્રવચનમાં અત્યંત ઊંડી વાત સાંભળવા મળી. વક્તાએ કહ્યું કે આપણે ધ્વનિ પ્રદૂષણની તો બહુ
વાત કરીએ છીએ, પરંતુ શું આપણે ક્યારેય વાણી પ્રદૂષણની ચર્ચા કરી છે ખરી?
વાત તો વિચારવા જેવી છે. આખરે વાણી પ્રદૂષણ આપણને વ્યક્તિગત સ્તર પર અત્યંત નુકસાન પહોંચાડે છે અને આપણા મન કે આપણાં જીવનની અશાંતિમાં પણ વાણી પ્રદૂષણનો ઘણો ફાળો હોય છે.
કઈ રીતે? તો કે આપણને ખબર જ નથી કે બોલવું અને બોલ બોલ કરવુંમાં અત્યંત ફરક છે. આપણે તો બસ મચી જ પડતા હોઈએ છીએ. જરૂર હોય કે ન હોય, પણ તમામ વાત પર આપણું ઓપિનિયન આપવા માંડતા હોઈએ છીએ. દરેક વાત-વિષયમાં આપણે વણમાગ્યો અભિપ્રાય વ્યક્ત કરતા ફરીએ છીએ અથવા તો કોઈની સાથે કારણ વિનાની લપ કે પંચાત કરતા રહીએ છીએ.
જો આ વિશે સહેજ થોભીને વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે આપણા બોલબોલ કરતા રહેવાને કારણે આપણી આંતરિક શાંતિનો નાશ થતો હોય છે. સતત બોલબોલ કરવાને કારણે આપણે સતત વ્યાકુળ રહીએ છીએ અને એ કારણે જ આપણી અંદર ધીરજ પણ ખૂટતી
જાય છે.
અંદરથી શાંત થવાની સૌથી પહેલી શરત છે ભીતરથી શાંત થવું. બહાર આપણે શક્ય એટલું ઓછું કે પછી જરૂર મુજબનું બોલીશું તો આપોઆપ અંદર ઠહેરાવ- સ્થિરતા આવવા માંડશે, જે આપણને ધીમે ધીમે વિચારોમાં કે આપણાં લક્ષ્યોમાં સ્પષ્ટતા આપશે.
આ એક પ્રકારનો યોગ જ થયો. આખરે કારણ વિનાનું બોલવાનું બંધ કરવું કે પછી શાંત રહેતા શીખી જવું એ અત્યંત કપરી બાબત છે.
બીજું એ કે, આજે મોટાભાગના લોકો ઓવરથિંકિંગથી પીડાઈએ છીએ. આપણને જે ઘટતું નથી-જે બનવાનું નથી એ વિશે આપણે સતત વિચાર કરીએ છીએ. જાણે મનમાં જ પરણીએ છીએ અને મનમાં જ રંડાઈએ છીએ.
ઓવરથિંકિંગ- વધુ પડ્તી વિચારવાની લતની અત્યંત ઘેરી અસર આપણા જીવન પર અનેક રીતે પડે છે. આપણી શારીરિક અને માનસિક સ્થિતિ તો ઓવરથિંકિંગને કારણે બગડે છે એની નકારાત્મક્તાની અસર આપણા સંબંધ અને આપણી કરિઅર પણ પડે છે.
આ ઓવરથિંકિંગ રોકવાનો પણ એક જ ઉપાય છે કે આપણે આપણા વિચારો પર કાબૂ મેળવી લઈએ. ઓવરથિંકિંગથી વિરોધાભાસી ક્રિયા-પ્રક્રિયા છે વિચારશૂન્યતા….આ વિચારશૂન્યતાની સ્થિતિ આપણા માટે અત્યંત મહત્ત્વની છે, પરંતુ આ વિચારશૂન્યતા આવે ક્યાંથી?
એ વિશે સહેજ ઊંડા ઊતરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણું વધુ પડતું બોલવું, કારણ વિનાનું બોલવું કે દરેક વાતે ડબડબ કરવાનું ટાળીએ કે સાવ ત્યજી દઈએ તો આપણે વિચારશૂન્યતાની સ્થિતિ પામીશું, કારણ કે આપણે વધુ બોલીએ છીએ ત્યારે સ્વાભાવિક જ આપણી વિચારપ્રક્રિયા તેવી થવાની અને જેમ આપણી વિચારપ્રક્રિયા તેવી થશે તો આપણે નકામા વિચારોથી સર્જાતા ભયનો શિકાર થવાના જ !
વળી, હવેના જમાનામાં બોલવુંને માત્ર શાબ્દિક અર્થમાં ન લઈ શકાય. હવેનો સમય ચેટિંગનો પણ છે. કેટલાય લોકોના કિસ્સામાં એવું ય બનતું હોય છે કે એમની સામે કોઈ નહીં હોય એટલે એ વાસ્તવ રૂપે બોલતા નહીં હોય, પરંતુ વર્ચ્યુઅલ વર્લ્ડમાં- સોશિયલ મીડિયામાં એ સતત ચેટિંગ કરતા રહે છે. આ પણ વાણીનું ડિજિટલ સ્વરૂપ છે. આપણે માત્ર વાણીને ધ્વનિરૂપે પ્રકટ નથી કરતા એટલું જ…બાકી, ચેટિંગરૂપે તો આપણું ડબડબ ચાલુ જ હોય છે! આપણે કારણ વિના લોકોને વોટ્સેપ કે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતા રહીએ છીએ. ‘એ શું કરે છે કે ક્યાં ગયા છે કે ક્યાં જવાના છે’ ની ફાલતુ પંચાત કરતા રહીએ છીએ. આની પણ આપણી વિચારપ્રક્રિયા પર અસર તો થાય છે.
આના કરતાં ક્યારે બોલવું ને કેટલું બોલવું એની કળા આપણે હાથવગી કરી લેવી. આમાં આપણે પાવરધા થઈ જઈશું તો આપણે આપોઆપ સુખી થઈ જઈશું. આખરે આપણું સુખ એ આપણી આંતરિક અને બાહ્ય શાંતિ છે. જીવનમાં શાંતિ નહીં હોય તો કોઈ પણ ભૌતિક સુખ આપણને સુખી કરી શકવાનું નથી. એના કરતાં શાંત રહેતા શીખીએ અને શાંત રહેતા શીખીને શાંતિ પામતા શીખીએ.
આશરે ૫૫૩ શબ્દ