પુરુષ

આવા ભાગેડુ શ્રીમંત કૌભાંડકારીઓને આપણાં કયા કારાગૃહમાં વધુ ફાવશે?!

‘બ્રેકિંગ ન્યૂઝ ’ છે કે અનેક કાયદાકીય ધમપછાડા પછી નીરવ મોદી-વિજય માલ્યાના સ્વદેશાગમન માટેની નક્કર યોજના ઘડાઈ ગઈ છે ત્યારે મુંબઈની આર્થર રોડ જેલ એમના માટે સુરક્ષાથી લઈને સુવિધા સુધી કેવી છે એની અલપ-ઝલપ..

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

આજકાલ જેમ જેમ ચૂંટણીનો માહોલ જામતો જાય છે તેમ તેમ જેલના સમાચારો પણ વધુ ગાજી રહ્યા છે. કાલે ઊઠીને ક્યા નેતા કે કે કયા ધનપતિ કંઈ જેલમાં પહોંચી જશે એ કંઈ કહેવાય નહીં.
આવું જ કંઈક કેટલાય મહિનાથી થતું રહ્યું છે અબજો રૂપિયાની હેરાફેરી-કૌભાંડ કરીને વિદેશ પલાયન થઈ ગયેલા આપણા ‘સમાજશ્રેષ્ઠી’ ગણાતા વિજય માલ્યા અને નીરવ મોદીના સમાચારો સાથે…
એમને દેશપરત લાવવા આપણી સરકાર થોડાં વર્ષથી મથી રહી છે, પરંતુ કાયદાના અનેક ચોપડે ભાગેડુ તરીકે નોંધાઈ ગયેલા આ બન્ને ‘લાપતા’ આસામીને આપણે હજુ સ્વદેશ લાવી શક્યા નથી એ કડવી વાસ્તવિકતા છે.

જો કે, હમણના જ ‘બ્રેકિંગ ન્યૂઝ’ એ છે કે હવે બહુ ટૂંક જ સમયમાં આ બે કૌભાંડ્કારીઓની ઘરવાપસી થઈ જશે..સત્તાવાર સમાચાર અનુસાર આપણી ‘સીબીઆઈ’ -બ્રિટેનની રાષ્ટ્રીય જાસૂસી એજન્સી તથા ‘ઈન્ટરપોલ’ ની એક વિશેષ મીટિંગ હમણાં પાટનગર દિલ્હીમાં યોજાઈ ત્યારે મોદી-માલ્યાને ઘરપરત કરવાની યોજનાને અંતિમ આકાર અપાઈ ગયો છે.

આમ તો આ બન્ને એમનાં કાળાં-ધોળાં કારનામાં પછી બન્ને દેશ છોડીને અલોપ થઈ ગયા ને મહિનાઓ પછી લંડનથી ઝડપાયા બાદ એમના પ્રત્યાર્પણ માટે આપણી સરકારે પ્રયાસ શરૂ કર્યા પછી બન્ને આરોપી અને સરકારી વકીલો વચ્ચે કાનૂની દાવપેચ શરૂ થઈ ગયા હતા. લંડનની કોર્ટોમાં વિવિધ તબક્કે કાયદાકીય આંટીઘૂંટી પેશ કરીને નીરવે-વિજયે ઘણા ધમપછાડા કર્યા, પણ લંડન કોર્ટમાં એમનો પરાજય થતા એ બન્નેએ હવે જખ મારીને પણ ભારત પરત થવું જ પડશે.. એની ‘ઘરવાપસી’ પછી નીરવ જેવા ‘મિસ્ટર જ્વેલથીફ’ અને ‘ગ્રેટ શો-મેન’ આપણી કઈ જેલમાં ઉતારો’ એનાયત થશે એ જાણવું પણ રસપ્રદ બની રહેશે..

વિદેશોમાં કેટલાંક એવાં કાળમીંઢ કારાગૃહ છે કે એને અંદરથી ભેદીને કોઈ બહાર ન આવી શકે કે પછી બહારથી ખાતર પાડીને અંદર ન પ્રવેશી શકે વિદેશનાં આવાં પોલાદી પ્રિઝનમાં બહુ જાણીતી છતાં બડી બદનામ છે અમેરિકાની ‘અલકાટ્રઝ પ્રિઝન’… એના ઉલ્લેખ માત્રથી ભલભલા રીઢા અપરાધીઓ ભયથી ધ્રૂજી જાય.

સાન ફ્રાન્સિસકોના દરિયા કિનારેથી માંડ બે કિલોમીટરના અંતરે આવેલા એક ટાપુ પર છેક ૧૯૩૪માં શરૂ થયેલાં આ કારાગૃહની શરૂઆત લશ્કરી જેલ તરીકે થઈ હતી. બે વર્ષ બાદ લાંબી સજા પામેલા ડ્રગ્સ માફિયાના ખોફનાક કેદીઓને અહીં રાખવાના શરૂ થયા. અહીં માંડ ૩૫૦ કેદીને સમાવવાની જ કોટડીઓ હતી . જો કે કેદી પર એવી સખ્ત નિગરાની રાખવામાં આવે કે કોઈ કેદી જેલ નિયમનો નાનો અમથો ય ભંગ કરે તો એને અતિ ક્રૂર કહેવાય એવી માનસિક-શારીરિક સજા ફ્ટકારવામાં આવે. અહીંની સિક્યુરિટી સિસ્ટમ એવી તગડી હતી કે આટલાં વર્ષોમાં જેલમાંથી ભાગી જવાના કુલ ૧૪ પ્રયાસ થયા,જેમાંથી પાંચેક કેદી જેલની હદ-સરહદ માંડ પાર કરી શક્યા. એમાંથી ૩ તો દરિયાઈ માર્ગે ભાગવાના પ્રયાસમાં ડૂબી મર્યા તો બાકીના બે ભાગેડુ જેલ સિક્યોરિટીના હાથે વીંધાઈ ગયા.. આ પ્રિઝનની ક્રૂરતા-કડકાઈ એવી વગોવાઈ ગઈ હતી કે આ જેલનું જ લોકાલ ને માહોલ લઈને હોલીવૂડમાં કેટલીક સફળ ફિલ્મો
બની છે…

છેલ્લે છેલ્લે, કારાવાસના ઈતિહાસમાં સૌથી બદનામ આ કારાગૃહ કાર્યરત રાખવું બહુ ખર્ચાળ બની ગયું હોવાથી સરકારે જ ૧૯૬૮માં બંધ કરીને એને જેલ મ્યુઝિયમમાં ફેરવી નાખ્યું છે…
જો કે, તમને કદાચ નવાઈ લાગશે કે એક યા બીજાં કારણોસર વગોવાઈ ગયેલાં આવાં ઘણાં બધા ‘જાણીતાં’ જેલખાનામાં આપણાં પણ એક કારાવાસની ગણના થાય છે અને એ છે મુંબઈની આર્થર રોડ જેલ’!

આ બાજુ, આપણા ભાગેડુ વીઆઈપી અપરાધી નીરવ મોદી તથા વિજય માલ્યાને આવકારવા આપણા સત્તાવાળા તત્પર બેઠા છે એ નિમિત્તે પણ આપણે એ બન્નેનાં કૌભાંડો પર અહીં ઝડપભેર નજર દોડાવી જઈએ.

દુનિયાભરમાં હીરા-જવેરાતના વેપારમાં ઉદ્યોગ સાહસિક તરીકે બહુ ઝડપથી નામના હાંસલ કરનારા નીરવ મોદીની ઊંચી સાખ છ વર્ષ પહેલાં એવી વગોવાઈ કે કોઈને માન્યામાં જ ન આવે કે એ મોરલો કેવી કેવી કળા કરી જશે.. ‘પંજાબ નેશનલ બેન્ક’ (પી.એન.બી.)ના એકાદ કૌભાંડમાં એની કંપની સંડોવાઈ છે એવી વાત હજુ બહાર આવી ને કાનૂની કાર્યવાહી હજુ શરૂ થઈ ત્યાં નીરવ રાતોરાત મુંબઈ-ભારતમાંથી ‘ગાયબ’ થઈ ગયો ત્યારે કાનૂનના રખેવાળાને ખબર પડી કે બેન્કના એકાદ નહીં, ઢગલાબંધ છેતરપિંડી તથા લોન-કૌભાંડમાં નીરવ સક્રિય સંડોવાયેલો હતો. એ બધાં કૌભાંડની રકમ થતી હતી અધધધ રૂપિયા ૧૪,૦૦૦ કરોડ!

યોગાનું યોગ, એ જ વખતે દેશમાં કૌભાંડોનો સિનારિયો અનાયાસ એવો ગોઠવાઈ ગયો હતો કે નીરવ મોદી અને એના કૌભાંડી મામા મેહુલ ચોક્સી ‘લાપતા’ થયા (૧૮ જાન્યુઆરી-૨૦૧૮) એના થોડા સમય પહેલાં જ ‘કિંગફિશર’ જેવો ધૂમ વેંચાતા બિયરની કંપની ‘યુનાઈટેડ બેવરેજ’ તથા ‘કિંગફિશર એરલાઈન્સ’ તથા બેંગ્લોરની ક્રિકેટ ટીમ રોયલ ચેલેન્જર્સના સર્વેસર્વા એવા વિજય વિઠલ માલિયા પણ ૧૭ જેટલી રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે લીધેલી લોનના ૯ હજાર કરોડ રૂપિયા વત્તા પોતાના કર્મચારીના લાખો રૂપિયાના પગાર-બચત ઑહિયા કરીને બધાના દેખતા રૂવાબભેર લંડન ભેગો થઈ ગયો હતો!

ટૂંકમાં આ ‘કિંગ ઑફ ગુડ ટાઈમ્સ’ રૂપિયા ૧૦ હજાર કરોડનું ફુલેકું ફેરવી અનેક સરકારી બેન્ક ને અન્ય ઉઘરાણીવાળાઓને રાતે પાણીએ રડાવી ગયા પછી સરકારે વિજય માલ્યાને દેશમાં પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી, પણ પેલાએ ‘સ્વદેશગમન’ ન કરવું પડે માટે કાયદાની બધી જ છટકબારીઓને ઉપયોગ કરી જોયો, જેમકે ‘ભારતની બધી જેલ સાવ બદતર છે’ ઈત્યાદિ એવી ઘણી વાહિયત દલીલો લંડનની હાઈ કોર્ટમાં માલ્યાએ એના મોંઘા કાયદા નિષ્ણાત વકીલો દ્વારા પેશ કરી, પણ લંડન હાઈ કોર્ટે એની તમામ દલીલો-રજૂઆતો ને ફગાવી દઈ ભારત સરકારની પ્રત્યાર્પણની અરજી મંજૂર રાખી. એને અટકાવવા આજે પણ વિજય માલ્યા છેલ્લી મિનિટના હવાતિયા મારી રહ્યો છે..

લગભગ આ જ પ્રકારની દલીલો નીરવ મોદીનું ‘વિદ્વાન’ વકીલજૂથ કરી રહ્યું હતું કે ભારતની જેલ ગંદી છે ત્યાં મચ્છર-ઉંદરોનો ભારે ત્રાસ છે.. જેલ નજીક બહુ ગંદી ઝૂપડ્ડ્પટી છે મારા અસીલની માનસિક અવસ્થા ડામાડોળ છે જેલ-બેરેકનો માહોલ એવો છે કે એ કદાચ આપઘાત કરવા પણ પ્રેરાય…!

માલ્યા-મોદીની આવી એક જ પ્રકારની દલીલો થઈ પછી બ્રિટિશ કોર્ટે ભારત સરકાર પાસેથી સૌથી સુરક્ષિત ગણાતી મુંબઈની આર્થેર રોડ જેલની બેરેક નંબર-૧૨ની વિગતો-ફોટા-વીડિયો ક્લિપ્સ મંગાવી એનો અભ્યાસ કર્યા પછી મોદી-માલ્યાની સુનાવણી વખતે કોર્ટે એના ચુકાદામાં તડ ને ફડ સંભળાવી દીધું કે તમારા જેવા હાઈ-ફાઈ આરોપી-અપરાધીઓ માટે આર્થર રોડ પ્રિઝન બેરેક-૧૨ એકદમ સુરક્ષિત છે..ત્યાં માનસિક-શારીરિક તબીબી સેવાની પૂરતી ગોઠવણ છે ને કેદી આપઘાત કરી શકે એવી કોઈ જ કચાશ કે ત્રુટિ ત્યાં શોધી જડે તેમ નથી માટે તમે નિશ્ર્ચિંત થઈ પધારો તમારા દેશની એ જેલમાં…!

ખેર, જગતના સૌથી ખોફનાક ગણાતા પ્રથમ પાંચ પ્રિઝનમાં આમચી મુંબઈની ‘આર્થર રોડ જેલ’નો પણ સમાવેશ થયો છે એટલે આજે નહીં તો કાલે વિજય માલ્યા-નીરવ મોદી જેવાને જે કારાગારને વર્ષો સુધી નિવાસસ્થાન બનાવવું પડશે એ આર્થર રોડ જેલનું બેરેક નંબર-૧૨ની વિશેષતા શું છે?

મુંબઈ ૨૬/૧૧ ના હીચકારી હુમલામાં ૧૩૩ લોકોની નિર્મમ હત્યા કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પુણેના યરવડા જેલમાં ફાંસીએ લટકાવવામાં આવ્યો એ પહેલાં એને મુંબઈની આર્થર જેલમાં રાખવામાં આવ્યો ત્યારે એના માટે સૌથી વધુ સુરક્ષાની ગોઠવણ થઈ હતી. આશરે ચાર વર્ષ આર્થરમાં ઘરજમાઈ તરીકે રાખવામાં આ કેદી નંબર: ‘સી-૭૦૯૬’ પાછળ અન્ય ખર્ચ તો ઠીક, પણ માત્ર એની લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જસુરક્ષા પાછળ સરકારે કુલ રૂપિયા ૩૧ કરોડ ૪૧ લાખનો ખર્ચ કર્યો હતો…!

આમ છતાં છેક ૧૯૨૬માં બંધાયેલી આ જેલ આજે જગતની સૌથી ખીચોખીચ ગીર્દીવાળી જેલ તરીકે બહુ બદનામ છે.

આશરે અઢી એકરમાં પથરાયેલા આ જેલ સંકુલમાં સત્તાવાર રીતે ૮૦૫ કેદી રાખવાની ક્ષમતા હોવા છતાં, અત્યારે અહીં ૧૫૦૦થી વધુ કેદીઓ કીડિયારાની જેમ ઊભરાય છે..!

આવા આર્થર રોડ પ્રિઝન કંપાઉન્ડના સૌથી વધુ સુરક્ષિત ગણાતા વિસ્તારમાં એક અલાયદી ઈમારત છે,જેમાં બેરેક નંબર-૧૨ છે. ગ્રાઉન્ડ ફ્લોર-એક માળના આ બિલ્ડિંગમાં ૩૦૦ સ્કેવર ફૂટના બબ્બે સેલ છે. એક સેલ-કોટડીમાં વધુમાં વધુ ૩ કેદીને રાખી શકાય, પરતું અગત્યના કેદીઓની સુરક્ષા ખાતર એટલા પણ કેદી અહીં રાખવામાં નથી આવતા. પહેલા માળની કોટડીમાં માત્ર કુખ્યાત કે પછી વીઆઈપી કેદીને રાખવામાં આવે છે. આમ તો ૨૦૨૦થી બેરેક-૧૨ વિજય માલ્યા માટે તૈયાર રાખવામાં આવ્યો છે, પણ નીરવ મોદીનું સ્વદેશાગમન જો વહેલું થઈ ગયું તો આ પ્રથમ માળની એ કોટડીનો લાભ એને મળશે.

અહીંની પ્રત્યેક કોટડીમાં બાથરૂમ-ટોઈલેટ ઉપરાંત સતત પાણી તેમજ પંખાની વ્યવસ્થા છે. એ જ રીતે અન્ય અંધારી કોટડી કરતાં આ સેલમાં કેદીને પૂરતો સૂર્ય પ્રકાશ પહોંચે એવી બારીની ગોઠવણ છે. આ સેલમાં જેને રહેવું પડ્શે એને પથારી-ચાદર-ધાબળો-ઓશીકું પણ મળશે. નાસ્તો-જમણ જેલનું હશે. ખાવા-પીવાનાં વાસણ ઉપરાંત અંગત ચીજ-વસ્તુ રાખવા નાનું કપબોર્ડ પણ ત્યાં છે. દરેક સેલની હિલચાલ પર નજર રાખવા અહીં ક્લોઝ્ડ સર્કિટ ટીવી છે અને સુનાવણી વખતે જરૂર પડે તો કોર્ટ સાથે વીડિયો કોન્ફરન્શિન્ગની પણ અહીં ગોઠવણ છે જો કે કસાબને કોર્ટમાં પેશ કરવા તો કોટડીમાંથી એને ખાસ તૈયાર કરેલી અન્ડર ગ્રાઉન્ડ ટનલમાંથી લઈ જવામાં આવતો…!

જસ્ટ જાણ ખાતર, આ અતિ સુરક્ષિત બેરેક-૧૨માં સંજય દત્ત-અબુ સાલેમ-અબુ જિંદાલ જેવા અનેક નામચીન વ્યક્તિ નિવાસ કરી ગઈ છે.

આજકાલ આપણી સરકાર જે રીતે વિદેશ ભાગી ગયેલા અપરાધીઓને પ્રત્યાર્પણ દ્વારા ઘરવાપસી કરાવી રહી છે ત્યારે મુંબઈની આર્થર રોડ જેલ ઉપરાંત આપણા બીજાં ઘણાં કારાવાસ પણ બડા ખરડાયેલા છે, જેમકે દિલ્હીની તિહાર-પુણેની યરવડા સેન્ટ્રલ જેલ-સાબરમતી-સુરત નજીક્ની અતિ મોર્ડન ગણાતી લાજપોર જેલ…

એ બધાની વિશેષતા સરકારે ધામધૂમ સાથે જાહેર કરીને વિદેશ વસી ગયેલા ભારતીય ભાગેડુઓને ‘ભાવભર્યું’ આમંત્રણ પાઠવીને કહેવું જોઈએ :
તમે માત્ર મોઢું હસતું રાખો..બાકીનું અમે સંભાળી લેશું..! (સંપૂર્ણ )

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button