વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે
ધગધગતા તડકામાં વિદર્ભના રામટેકમાં બાઈક પર બેસીને પ્રચાર કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી માટે પ્રચારની વાત આવે ત્યારે દેશમાં સૌથી વધુ મહેનત કોઈ રાજનેતા કરતો હોય તો તેનું નામ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આવી જ રીતે રાજ્યમાં ચૂંટણીના પ્રચારમાં એકનાથ શિંદે અવ્વલ નંબરે આવે એવી સ્થિતિ છે.
વાસ્તવમાં અત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને મુંબઈમાં જ્યારે ભારે ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રાજ્યના વિદર્ભ ક્ષેત્રમાં ગરમીનો પ્રભાવ કેવો હશે તે કલ્પના જ કરી શકાય છે. આવા ધગધગતા તડકામાં પોતાની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા રથ છોડીને બાઈક પર સવાર થઈ ગયા હતા અને બાઈક રેલીનું નેતૃત્વ કર્યું હતું.
રામટેકમાં વર્તમાન સાંસદ કૃપાલ તુમાનેના સ્થાન પર જેમને ઉમેદવારી આપવામાં આવી છે તે રાજુ પારવેના પ્રચાર માટે એકનાથ શિંદે મેદાનમાં ઉતર્યા હતા. પ્રચાર માટે બુધવારે તેઓ ઉમરેડમાં પહોંચ્યા હતા. ઉમરેડમાં બાઈક રેલી કાઢવાની હતી. મુખ્ય પ્રધાને પોતે બૂલેટ (રોયલ એન્ફીલ્ડ) પર સવાર થયા હતા અને બાઈક રેલીનું નેતૃત્વ લીધું હતું.
તેમના આ પગલાંથી ઉમરેડના કાર્યકર્તાઓમાં નવા જોશ અને ચૈતન્યનો સંચાર થયો હતો અને સમગ્ર વિસ્તાર શિવસેનાના ભગવા અને ધનુષ્ય-બાણના ચિહ્નોથી ભરાઈ ગયો હતો. એટલું જ નહીં, જેવી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે લોકો ઓટલા, ઓસરી, બારીઓ પર રાહ જોતા ઊભા રહેતા હોય છે એવી રીતે એકનાથ શિંદેની રાહ જોતા લોકો જોવા મળી રહ્યા હતા. રાજ્યમાં પ્રચારમાં અત્યારે એકનાથ શિંદેએ અન્ય બધા જ પક્ષો પર સરસાઈ લીધી હોવાનું જોવા મળી રહ્યું છે.
એકનાથ શિંદેએ રેલી બાદ સભાને સંબોધતાં હાજર લોકોને રામ નવમીની શુભેચ્છા આપતાં કહ્યું હતું કે રામટેક ભગવાન રામના પગલાંથી પાવન થયેલી ભૂમિ છે અને જે ભગવાન રામનો નહીં તે આપણા કોઈ કામનો નહીં. દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે એક-એક મત મહત્ત્વનો છે. ધનુષ્ય-બાણ પર બટન દબાવીને રાજુ પારવેને વિજયી બનાવજો.
તેમણે એમ પણ કહ્યું હતું કે મોદીજી માટે નેશન ફર્સ્ટ એજેન્ડા છે અને વિપક્ષ પાસે ઝંડો કે એજેન્ડા બેમાંથી એકેય વસ્તુ નથી. તેઓ કમિશન અને કરપ્શન ફર્સ્ટ માટે કામ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દસ વર્ષમાં કરેલું કામ અને કૉંગ્રેસે ૫૦-૬૦ વર્ષમાં કરેલા કામ જનતાની સામે જ છે. મોદીજીનો જન્મ રાજનીતિ માટે નહીં રાષ્ટ્રનીતિ માટે થયો છે. તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું છે, એમ પણ તેમણે કહ્યું હતું.