‘જસ્ટ ટુ મિનિટ’ કલા બ્યુરો
પ્રજ્ઞા વશી
‘જસ્ટ ટુ મિનિટ’નું બોર્ડ વાંચીને આધેડ વયના એક ભાઈ અંદર આવ્યા. બારણામાં દાખલ થતાં સામે ખુરશી પર એક સુંદર યુવતી બેઠેલી દેખાઈ. પેલા ભાઈએ એ યુવતીને પૂછ્યું, ‘આ જસ્ટ ટુ મિનિટ એટલે શું?’
પેલી યુવતીએ કહ્યું, ‘તમારા દરેક પ્રશ્ર્નના જવાબો મળશે ફટાફટ બે મિનિટમાં, પણ પહેલાં બસ્સો રૂપિયા કેસ કઢાવવાના
ભરો.’
‘પણ પહેલા કહો તો ખરા કે આ કલા બ્યુરો એટલે શું? મેરેજ બ્યુરો એટલે શું એ તો મને ખબર છે, કારણ કે એના પગથિયાં ચડી ચડીને તો મારાં પગરખાં અને પરણવાની મનોકામના સાવ ઘસાઈ ગયા છતાં હજી ઘોડે ચડવાનો મારો વારો આવ્યો નથી.’
‘પહેલા બસ્સો ભરો અને જો મોડું કરશો તો ચાર્જ વધતો જશે, દર બે મિનિટે સો રૂપિયા વધશે.’ પેલા ભાઈએ ફટ કરીને બસ્સો ભરી દીધા. બસ્સો રૂપિયા લઈને યુવતીએ પેલા ભાઈને બેસવા માટે ખુરશી આપી. ‘હા તો હવે તમારા પ્રશ્ર્નોના ઉત્તર મળશે. યોર ટાઇમ સ્ટાર્ટ્સ નાવ… આપની પાસે દસ મિનિટ છે.’
‘બસ્સો રૂપિયામાં બેન દસ મિનિટ જ આપશો?’
‘હા ભાઈ, એક મિનિટ તો પૂરી પણ થઈ ગઈ. ‘ટાઈમ ઇઝ મની’ એ તો ખબર જ હશેને?
‘હા, તો બેન આ કલા બ્યુરો શું છે?’
જુઓ ભાઈ, જેમ લગ્ન માટે પાર્ટનર શોધી આપવા માટે મેરેજ બ્યુરો કામ કરે છે, એમ અમારી કલા બ્યુરો કલા બહાર કાઢવા મથી રહેલા કલાનું સપનું જોતા લોકોને કલા સુધી પહોંચાડવાનું કામ કરે છે.’
‘પણ બહેન, આ જસ્ટ ટુ મિનિટ એટલે શું?’
‘એટલે ભાઈ, ફક્ત બે મિનિટમાં જ તમને પાક્કા કલાકાર બનાવવાનું કામ અમારા કલા બ્યુરોના નિષ્ણાત વિદ્વાન શ્રીશ્રીશ્રી વિદ્યાધર જ્ઞાનસુરી કલાચંદ્રજીનું છે.’
‘એટલે કે બહેન, તમારું એવું જ કહેવું છે ને કે કલા બ્યુરોમાં વિદ્વાન શ્રીશ્રીશ્રી વિદ્યાધર જ્ઞાનસુરી વગેરે વગેરે જે કંઈ છે તે
શ્રીશ્રી અમને માત્ર બે મિનિટમાં જ કલાકાર બનાવી દેશે એમ જને?’
ત્યાં જ જોરથી ઘંટડી વાગી ને પેલી યુવતી સ્મિત કરીને બોલી, ‘દસ મિનિટ ઓવર. બેડ લક! તમારે હવે છેલ્લા પ્રશ્ર્નનો ઉત્તર જોઈતો હોય તો બીજા માત્ર સો રૂપિયા જ આપવાના થાય છે. આ પૈસા અમે દાનમાં જ આપી દઈએ છીએ. આ બહાને તમે પણ પુણ્ય કમાઈ શકો છો.’
બીજા સો રૂપિયા આપી પેલા ભાઈએ પૂછ્યું, ‘માનો કે મારે સંગીત શીખવું હોય કે પછી કવિતા કે વાર્તા શીખવી હોય કે પછી ચિત્ર કે શિલ્પકળા શીખવી હોય તો શીખવે ખરા?’
યુવતી મારકણું હસીને બોલી. ‘સેવા કરવા તો અમે બેઠા છીએ. અમારા બ્યુરોનું નામ તો ચોમેર કલાની સુગંધ પ્રસરાવી રહ્યું છે. બોલો, કઈ કલા શીખવી છે તમારે?’
‘મારે કવિતા લખતા શીખવું છે. બધા કહે છે કે કવિતા
બહુ સહેલી છે. એમાં આરામથી બધાનો સમાવેશ થઈ
જાય છે.’
‘પણ તમારે કવિતા જ શા માટે શીખવી છે?’
‘મેં સાંભળ્યું છે કે કવિતા ને ગઝલ ફટકારવાથી સામેવાળી યુવતી બહુ જલદી ઈમ્પ્રેસ થઈ જાય છે. હવે મેરેજ બ્યુરોવાળાએ તો મારા ધોળા વાળ થઈ ગયેલા ભાળીને મને કાલે જ કહી દીધું કે, તમે હવે કશે ચાલો તેમ નથી, પણ સાચું કહું બેન? મારો માંહ્યલો હજી અંદર પ્રેમની કવિતા કરી રહ્યો છે. ભીતરી ઊર્મિઓ બહાર આવવા ઉછાળા મારી રહી છે.
મને ખાતરી છે કે જે દિવસે અંદરના ધકધક થતા શબ્દો ધડામ દઈને બહાર આવશે એ દિવસે મારી શાયરી ઉપર ઇમ્પ્રેસ થયેલ યુવતીઓની લાઈન લાગી જશે. તો બહેન આજથી જ નહીં, હું તો કહું બસ હમણાંથી જ કવિતા શીખવાનું શરૂ કરીએ. બોલાવી લો તમારા પ્રકાંડ જ્ઞાની શ્રીશ્રીજીને. શુભસ્ય શીધ્રમ.’
‘એ બધું બરાબર છે ભાઈ, તમારી ધકધક થતી તમામ ઊર્મિઓ ધડામ દઈને અમારા પરમજ્ઞાની ગુરુજી બે મિનિટમાં બહાર કાઢી બતાવશે, પણ એ બહાર કાઢવાના પહેલા તમારે હજાર રૂપિયા ભરવા પડશે.’
‘બહેન હમણાં કુલ ત્રણસો ભર્યા (મુંડાયો) તે શેના હતા?’
‘ભાઈ, એ તમારી શંકા નિવારણ (મૂર્ખામી)ના હતા. હવે તમે મહાન કવિ (મહામૂર્ખ) બનવા તરફ જઈ રહ્યા છો તો એના હજાર રૂપિયા તો કંઈ નથી. જ્યારે તમે મેરેજ બ્યુરોમાં ન્હાયા… સોરી પસ્તાયા, ત્યારે અહીં તો બે મિનિટમાં જ પરિણામ હાથમાં. (મૂર્ખાઓનાં ગામ કંઈ જુદાં થોડા હોય?)
ભાઈએ એક હજાર ભરી દીધા. (લોભિયા હોય ત્યાં ધુતારા થોડા ભૂખે મરવાના?) હજારમાં એ શું શીખ્યા એ જોઈશું,
પણ હમણાં જસ્ટ બે મિનિટ હોં… રાહ જોવાના ક્યાં પૈસા
લાગે છે?