તરુણાવસ્થાએ એકાગ્રતાને આપો અગ્રિમતા
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
ઋતા – વસંત ઋતુ જેવી હસતી-ખેલતી, ખૂબસૂરત , ખુશમિજાજ તરુણી આજકાલ જાણે મુરઝાય રહી છે. જીવનમાં હજુ હમણાં જ દસમા ધોરણે દસ્તક દીધા બાદ રમતગમતમાંથી ભણવા તરફ વળેલી ઋતાએ એકાગ્રતા કેળવવાના શક્ય એટલાં દરેક પ્રયત્ન કરી લીધા, પણ સફળતા કોઈ રીતે હાથમાં આવતી નહોતી. વાંચવામાં, ભણવામાં એનું મન બિલ્કુલ નહોતું લાગતું. મન બહુ ચંચળ હોય છે એવું એણે આજ દીન સુધી માત્ર સાંભળેલું પરંતુ હવે એ સાંગોપાંગ અનુભવી રહી હતી. ઋતાની અકળામણનો કોઈ પાર રહ્યો નહોતો, પરંતુ કોની પાસે પોતાની સમસ્યાનું સમાધાન મળશે એની પણ કોઈ જાણકારી નહોતી. એવામાં ન્યુઝપેપરમાં કેરિયર ગાઈડન્સ માટેના એક ફ્રી સેમિનારની જાહેરાત જોઈ એનું મન હરકતમાં આવ્યું. પોતાના ચાર-પાંચ ફ્રેન્ડ્સ સાથે નક્કી કરી લીધું કે જઈને એકવાર જોઈએ તો ખરા શું સમજાવે છે? પણ ત્યાં પહોંચ્યા બાદ ઋતા સાથે એ જ થયું જે દર રોજ ઘર, સ્કૂલ, કલાસીસમાં થતું.
એ માંડ દસ મિનિટ જેટલું જ ધ્યાનથી સાંભળી શકી…. પછી ખલ્લાસ !
જો કયાંય મન ચોંટે તો એનું નામ ઋતા નહીં. જેમ તરુણાવસ્થાનં વર્ષો વિતતા ચાલ્યા તેમ કોઈ વાતે એક જગ્યાએ ઋતાનું મન શાંત ના રહેવાની સમસ્યા વધતી ચાલી જેના પરિણામસ્વરૂપ ધીરે ધીરે એને ઠપકો પડવાનું શરૂ થયું. સ્કૂલ ટેસ્ટના રિઝલ્ટ્સ ખરાબ આવવા લાગ્યા, પ્રોજેકટ્સ અધૂરા રહેવા લાગ્યા અને એક સમયે જે લોકો ઋતાના વખાણ કરતાં થાકતાં નહોતા એમને ઋતાને અળખામણી બનાવતાં સહેજપણ વાર લગાડી નહીં. આખરે, હતાશાથી તદ્દન ભાંગી પડેલી ઋતાને ભણવામાંથી ડ્રોપ આઉટ લેવાની ફરજ પડી , પરંતુ આપણી સાથે આવું ના થાય એ માટે વહેલીતકે અમુક સમજ કેળવી લેવી આવશ્યક હોય છે.
હંમેશાં એકધારું, એક જગ્યાએ બેસી ના શકતા, કોઈ પ્લાન કે વર્કઆઉટ માટે સમયનો વ્યવસ્થિત ઉપયોગ ના કરી શકતા કે લગભગ દરેક વાતે અતિ બેદરકાર સાબિત થતાં ટીનેજર્સની એકાગ્રતા છીનવાઈ જવાનું કારણ છે ન્યુરો બાયોલોજી…
એક અભ્યાસ મુજબ તરુણો શારીરિક રીતે વિકાસ પામી એડલ્ટ જેવા દેખાવા તો લાગે છે, પરંતુ એમની માનસિક ઉંમર ક્યારેક વીસ વર્ષ કે તેથી વધુ ઉમરે પણ બાળક જેવી હોઈ શકે છે એટલાં માટે જ ટીનએજ બ્રેન ઘણું complicated – જટિલ ગણાય છે.
આ સમસ્યાના ઉકેલ માટે આપણું મન કયા સમયે સૌથી વધુ એકાગ્રતા કેળવી શકે છે તે પહેલાં સમજી લેવું જરૂરી છે. કોઈકને સવારના બે કલાક તો કોઈકને સાંજે કે રાત્રીના સમયે વાંચવા- ભણવા કે કંઈક નવું શીખવા- સમજવાની એકાગ્રતા કેળવી શકાતી હોય છે તો એ પ્રમાણે જો સમયપત્રક ગોઠવવામાં આવે તો એ ઘણી મદદરૂપ બની શકે છે. શક્ય હોય તો વીસ મિનિટના સ્ટડી બ્લોક બનાવો- તે માટે નાના નાના સ્ટડી ગોલ રાખો, જેમકે આ વીસ મિનિટમાં બ્રેક લેતાં પહેલાં આટલું તો વાંચી જ લેવું. સમયાંતરે નાનો બ્રેક લો અને ફરી અન્ય કોઈ વાંચવાનું કે જે કાર્ય હાથ પર લીધું હોય તે પુરૂં કરો.
Be here now ‘ આ એક પ્રકારનું મેડિટેશન જેવું વાકય છે. એ કહે છે કે તમે જ્યાં છો ત્યાં રહેવાની કોશિશ કરો. તમારા વિચારોને જ્યાં છો ત્યાં કેન્દ્રિત રાખવાના પ્રયત્ન કરો, જેથી સારું પરિણામ મેળવી શકાય.
આટલું જ નહીં, ઘરમાં સ્ટડી કે કોઈ એકક્ટિવિટી કરવાની અને આરામ કરવાની જગ્યાને અલગ અલગ રાખવી અને જે જગ્યા પર વાંચવા બેસો ત્યાં વોલ પ્લાનર બનાવી આખા દિવસ દરમિયાન શું શું કરવાનું છે, કયા ટાસ્ક પૂરાં કરવાના છે એની નોંધ રાખો… મોબાઇલ, ટીવી, લેપટોપ જેવાં ગેઝેટ્સનો વપરાશ મર્યાદિત કરો. શકય હોય તો અભ્યાસ સમયે તેને બંધ કરી દો. એવાં સાધનોથી દૂર રહો… જે અકારણ તમારું ધ્યાન ખેંચવા સક્ષમ હોય અને જ્યારે એકાગ્રતા આવશ્યક હોય ત્યારે એ તમામ વસ્તુને પહેલેથી જ સાથે લઈને બેસો,જેથી વારંવાર ઊઠ-બેસ કરવાનો કે આઘાપાછા થવાનો વખત ના આવે.
આ ઉપરાંત ક્યારેક હેડફોન્સ પર કોઈ પ્રેરણાત્મક ઓડિયો સાંભળવાની આદત રાખવી. કોઈ એક એવો શોખ કેળવવો જેમકે સ્પોર્ટ્સ, ડાન્સ, પેઈન્ટિંગ, મ્યુઝિક , ઈત્યાદિ કે જેનાથી તમે આનંદિત રહી શકો.
એક વાત યાદ રાખો કે લગભગ બધા જ ટીનેજર અલગ અલગ સ્વભાવ તેમજ લાક્ષણિકતા ધરાવતા હોય છે. કોઈની સમસ્યા સામે બાથ ભીડવાની ક્ષમતા તેમજ તેમાંથી બહાર નીકળવાના રસ્તા પણ અલગ અલગ હોઈ શકે છે , પરંતુ જીવનમાં કોઈ સ્ટ્રેટેજી ના હોવી, એકાગ્રતાનો સંપૂર્ણ અભાવ અને પરિણામે એના ખરાબ પરિણામનો ભોગ બનવું એ કયારેય ન ચલાવી
શકાય.
અમુક નિષ્ણાતોના મત મુજબ એડલ્ટહુડમાં પ્રવેશ્યા બાદ એકાગ્રતામાં જેટલો વધારો નથી કરી શકાતો એટલો ટીનએજમાં જો બ્રેનને સરખી કસરત કરાવવામાં આવે તો થઈ શકે છે.
મોટાભાગના તરુણોમાં કોઈ પણ અઘરી વાતથી ભાગી છૂટવાની મનોવૃત્તિ વધુ જોવા મળે છે , પરંતુ એકાગ્રતાથી આઘા ગયા વગર એ કેળવવા માટે શું કરવું એનું મનોમંથન કરવું જરૂરી છે. શરૂઆતથી જ આના પર ધ્યાન આપવામાં આવે તો પુખ્તવયે આવી કપરી સમસ્યા વખતે ઝૂકી જવાને બદલે લડી લેવાની માનસિકતા આપોઆપ કેળવાતી જશે, જે આશીર્વાદ સમાન પુરવાર થશે.