રૂ. 100 કરોડની છેતરપિંડી: હવાલા ઓપરેટરો ઇડીના રડાર પર

મુંબઈ: નાણાકીય યોજનાઓ અને ફોરેક્સ ટ્રેડિંગ દ્વારા રોકાણકારો સાથે રૂ. 100 કરોડની ઠગાઇ આચરવા પ્રકરણે દુબઇ સ્થિત વેપારી તેમ જ અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારી ક્રિપ્ટોકરન્સીમાં નિષ્ણાત અમુક હવાલા ઓપરેટરોની શોધ ચલાવી રહી છે.
ઇડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ નિવેદનો નોંધવા માટે હવાલા ઓપરેટરોને શોધી રહી છે. હવાલા ઓપરેટરોએ યુએસડીટી જેવી ક્રિપ્ટોકરન્સી માટે એક્સચેન્જની બદલીમાં દુબઇમાં ગુનાખોરીમાંથી પ્રાપ્તિઓ રેમિટ કરી હતી. નિયામકો ધ્યાનમાં ન આવે અને ગુનાની પ્રાપ્તિઓ લોન્ડરિંગ કરવા માટે હવાલાનો માર્ગ તેમણે અપનાવ્યો હતો.
ઉચ્ચ વળતરોનું વચન આપીને બોગસ યોજનાઓ અને ફોરેક્સ ટ્રેડિંગનું વચન આપીને અનેક રોકાણકારોને છેતરવા, ફોજદારી કાવતરા થકી અનેક રોકાણકારોને ઠગવા માટે દુબઇ સ્થિત વેપારી વિનોદ ખુટે અને ચાર અન્ય વિરુદ્ધ પુણેમાં ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ ગુનાને આધારે તપાસ કરવામાં આવી રહી છે.
આ યોજનાઓ થકી આવા વ્યવહારના બેનંબરી પ્રકાર છુપાવવા માટે શેલ કંપનીઓ અને બોગસ સંસ્થાઓને નામે બેન્ક ખાતાંમાં ડિપોઝિટના સ્વરૂપમાં રૂ. 100 કરોડનાં રોકાણ ભેગાં કર્યાં હતાં, એમ ઇડીએ જણાવ્યું હતું.