ભાવનગરની બસને રાજસ્થાનમાં અકસ્માત: ૧૨નાં મોત, ૨૦ ઘવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: ગોહિલવાડ પંથકમાંથી યાત્રાળુઓને મથુરા દર્શને લઇ જઇ રહેલી બસને રાજસ્થાનના ભરતપુર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૨ યાત્રાળુઓના કમકમાટી ભર્યા મોત થયાં હતાં જ્યારે ૨૦ યાત્રાળુઓ ઘાયલ થતા તમામને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા જેમાં ચારથી વધુની હાલત નાજુક બતાવાઇ રહી છે. આ ઘટનાને પગલે ભાવનગર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. બીજી બાજુ અકસ્માતની જાણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ મૃતકના વારસદારોને ક્રમશ: બે લાખ અને ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી.
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભાવનગરના યાત્રાળુઓની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૧૨ યાત્રાળુઓનાં મોત થયાં હતા જેમાં અનેકની હાલત ગંભીર હતી, ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. યાત્રાળુઓની આ બસ ભાવનગરથી ઊપડી હતી અને મથુરા તરફ જઈ રહી હતી.બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી ત્યારે જયપુર-આગરા હાઈવે પર નદબઈ પોલીસ સ્ટેશનની હદમાં જયપુર આગરા નેશનલ હાઈવે પર હન્તરા પુલ નજીક બસ બગડી હતી. ડ્રાઇવરે ત્યારે બસને ઊભી કરી દીધી હતી અને તેનું રિપેરિંગ કરી રહ્યો હતો. ત્યારે એકાએક આવેલા એક ટ્રકે બસને ટક્કર મારી હતી જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર ૧૧ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં વધુ એકનું મોત થયું હોવાનું જાણવા મળે છે.
આ ગમખ્વાર અકસ્માતમાં અંતુભાઈ લાલજીભાઈ ગયાણી (ઉ.વ. ૫૫ વર્ષ), નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી (ઉ.વ.૬૮ વર્ષ), લલ્લુભાઈ દયાભાઈ ગયાણી, ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મનજીભાઈ, અંબાબેન જીણાભાઈ, કંબુબેન પોપટભાઈ, રામુબેન ઉદાભાઈ, મધુબેન અરવિંદભાઈ દાગી, અંજુબેન થાપાભાઈ અને મધુબેન લાલજીભાઈ ચૂડાસમાનાં મોત થયાં હતાં.
દરમિયાન ઇજાગ્રસ્ત બાબુભાઈએ જણાવ્યું હતું કે, “અમારી બસમાં ડ્રાઇવર કંડક્ટર અને રસોયા સહિત ૬૪ મુસાફરો સવાર હતા. રાજસ્થાનના ભરતપુર નજીક બસની ડિઝલ પાઇપ ફાટતા બસ રોડની સાઇડમાં ઊભી હતી. તે સમયે કેટલાક લોકો બસની પાછળ ઊભા હતા. ટ્રક દ્વારા પાછળથી ટક્કર મારતા બસની પાછળ ઊભેલા ૧૧ લોકો અને બસની અંદર પાછળની સીટમાં બેસેલ ૧ વ્યક્તિ મળી કુલ ૧૨ લોકોનાં મોત થયાં છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને ભરતપુરની આર. બી. એમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ મૃતક અને પરિવારજનોને થતા જ પરિવારજનો રાજસ્થાન જવા માટે રવાના થઈ ચૂક્યા છે.