શેર બજાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૪૭.૧૯ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બે પૈસાના ઘટાડા સાથે ૮૨.૯૭ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારાતરફી વલણ અને ગઈકાલે જાહેર થયેલા ફુગાવા તથા ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા કંઈક અંશે પ્રોત્સાહક રહેતાં રૂપિયામાં મોટું ધોવાણ અટક્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૯૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૯૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૯ અને ઉપરમાં ૮૨.૮૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૨.૯૭ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારા ઉપરાંત ગત જુલાઈ મહિનામાં દેશની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ પાંચ મહિનાની ઊંચી ૫.૭ ટકાની સપાટીએ રહી હોવાના તેમ જ ગત ઑગસ્ટ મહિનામાં ફુગાવો જુલાઈ મહિનાના ૭.૪૪ ટકા સામે ૬.૮૩ ટકાની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૪૫.૮૬ પૉઈન્ટનો અને ૭૬.૮૦ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૦૮ ટકા વધીને ૧૦૪.૭૯ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૫૮ ટકા વધીને બેરલદીઠ ૯૨.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ આજે મોડી સાંજે અમેરિકાનાં ફુગાવાની જાહેરાત થવાની હોવાથી ટ્રેડરોએ વેપારમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી પાંખાં કામકાજને કારણે પણ રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button