મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ હરકતમાં
મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) શરદ પવાર જૂથના નેતા એકનાથ ખડસેને છોટા શકીલ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાબતે એકનાથ ખડસેએ જળગાંવના મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર જુદા જુદા મોબાઇલ નંબરથી ખડસેને ધમકીના ફોન આવ્યા સંબંધમાં ફરિયાદ કર્યા પછી પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે.
ધમકીભર્યા ફોન બાબતે એકનાથ ખડસેએ કહ્યું હતું કે તેમને મારી નાખવાની ધમકી આપવા માટે ચારથી પાંચ વખત જુદા જુદા નંબરથી ફોન આવ્યા હતા, તેમાંથી એક ફોન અમેરિકાથી પણ આવ્યો હતો. આ બાબતે ખડસેએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે અને પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
છોટા શકીલનું નામ કહીને તમને મારી નાખીશું એવી ધમકી એકનાથ ખડસેને આપવામાં આવી હતી, તેમ જ આ ફોનને ટ્રેસ કરતી વખતે તેમાંથી એક નંબર અમેરિકાનો હોવાનું સામે આવ્યું હતું, જોકે આ ધમકી પાછળ કોઈપણ રાજકીય સંબંધ નથી એવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે હવે તપાસ શરૂ કરી છે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલે ધ્યાન આપવાની જરૂર છે, એવી અપીલ ખડસેએ કરી હતી.
આ બાબતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના પૂર્વ પ્રધાન એકનાથ ખડસેને કરવામાં આવેલા ધમકીના ફોન અંગે કોઈ પણ માહિતી સામે આવી નથી, તેમ જ ફોન ક્યાંથી કરવામાં આવેલા છે તે પણ સામે આવ્યું નથી. આ ફોનમાં આરોપીઓએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલના નામનો ઉપયોગ કર્યો હતો.