આપણું ગુજરાતટોપ ન્યૂઝ

શાબાશઃ ગુજરાતના આ ખેડૂતની દીકરીએ UPSCની પાસ કરવા સોશિયલ મીડિયા છોડી દીધું…

અમદાવાદઃ સામાન્ય રીતે સિવિલ સર્વિસિસમાં ગુજરાતીઓ સારું પ્રદર્શન કરતા નથી તેવી ફરિયાદો થતી હોય છે, પરંતુ ગુજરાતી યુવાનો ધીમે ધીમે આ મ્હેણું ભાંગતા જાય છે. આ વખતે યુપીએસસીની પરીક્ષામાં 25 ઉમેદવાર પાસ થયા છે. આ બધામાં સૌનું ધ્યાન ખેંચી રહી છે કંચન. પોતોના નામની જેમ સોના જેવી જ સાબિત થયેલી આ યુવતીની સંઘર્ષકથા આવનારા સમયમાં ઘણાને પ્રેરણા આપશે.

UPSC 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 1016 ઉમેદવારો પાસ જાહેર થયા છે જેમાંથી 25 ઉમેદવારો ગુજરાતના છે. આ પરીક્ષામાં ગુજરાતના ખેડૂતની પુત્રી કંચને 506મો રેન્ક મેળવ્યો છે. કંચને નાનપણથી જ યુપીએસસી પાસ કરવાનું સપનું જોયું હતું.


ઓલ ઈન્ડિયા રેન્ક 506 મેળવનાર કંચન ગોહિલ ગુજરાતના ગીર સોમનાથના કોડીનારની રહેવાસી છે. કંચનનો આ બીજો પ્રયાસ હતો. તે વર્ષ 2022 માં પ્રિલિમ પાસ કરી શકી ન હતી, પરંતુ તેણીએ હિંમત હારી ન હતી અને 2023 માં UPSC પાસ કરવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું અને આ વખતે કંચને ઓલ ઈન્ડિયા રેન્ક 506 પ્રાપ્ત કરીને તેના ખેડૂત પિતાને ગૌરવ અપાવ્યું. કંચનની માતા દૂધી બેને કહ્યું કે તેમની દીકરીએ પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.


કંચને ધોરણ 9 સુધીનો અભ્યાસ કોડીનાર, ગુજરાતથી કર્યો છે. આ પછી તે વધુ અભ્યાસ માટે ગુજરાતના રાજકોટ ગઈ હતી. કંચને અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ દરમિયાન કંચને યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી.


ઓલ ઈન્ડિયા રેન્ક 506 મેળવવા પર તે ખૂબ ખુશ છે તેના જવાબમાં કંચને કહ્યું કે પરિણામ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા, બાળપણથી તેણે આઈએએસ ઓફિસર બનવાનું સપનું જોયું હતું.


કંચને કહ્યું કે, તેણે ચાર વર્ષ પહેલા UPSCની તૈયારી શરૂ કરી હતી. નાનપણથી જ મેં IAS ઓફિસર બનવાનું સપનું જોયું હતું. મારા સપના પૂરા કરવા માટે મને હંમેશા મારા માતા-પિતા તરફથી સપોર્ટ મળ્યો છે. યુપીએસસીની તૈયારીને કારણે મેં છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. કંચને કહ્યું, આજે પરિણામ આવ્યું છે, ત્યારપછી તેણે ફોનમાં વોટ્સએપ ઈન્સ્ટોલ કર્યું છે, આ સિવાય તે માત્ર અભ્યાસ માટે ટેલિગ્રામનો ઉપયોગ કરતી હતી. આ સિવાય તેને સોશિયલ મીડિયા એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં કોઈ રસ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button