મોદી લહેરના ભ્રમમાં રહેશો નહીંઃ ભાજપનાં નેતાની જીભ લપસી, ને વિવાદ છેડાયો
મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ દરેક નેતા પોત પોતાની રીતે નિવેદન આપી રહ્યા છે, જેમાં જાણે અજાણે બોલતા વિધાનને કારણે ગુજરાતમાં દિગ્ગજ નેતા મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાએ ચોંકાવનારું નિવેદન કરીને પોતાના પર જ કુહાડી મારી છે. અમરાવતી લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં ઉમેદવાર નવનીત રાણાના ‘મોદી લહેર’ના ભાષણ પર હવે વિપક્ષે તેમની ટીકા કરી છે.
નવનીત રાણાએ પોતાના ભાષણ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી કે વિપક્ષે ‘મોદીની કોઈ લહેર નથી અને ભાજપના ઉમેદવાર સાચું બોલી રહ્યા છે એમ કહી ભાજપ પર નિશાન સાધ્યું હતું. સોમવારે નવનીત રાણાએ અમરાવતીમાં પોતાના ભાષણમાં ‘કોઈ મોદીની લહેર નથી’ એમ જણાવ્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ભાજપના ઉમેદવાર નવનીત રાણાના ભાષણનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ‘આપણે આ ચૂંટણી એવી રીતે લડવી પડશે જાણે ગ્રામ-પંચાયતની ચૂંટણી હોય. અમારે બપોરના 12 વાગ્યા સુધીમાં તમામ મતદારોને બૂથ પર લાવીને મતદાન કરવા માટે આવ્હાન કરવું પડશે. જોકે, એવા ભ્રમમાં રહેશો નહીં કે મોદીની લહેર છે. 2019માં મોદી લહેર હતી. તેમની પાસે તમામ સાધનો હતા તેમ છતાં હું એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જીતીને આવી હતી, એવું નવનીત રાણાએ જણાવ્યું હતું.
નવનીત રાણાનો આ વીડિયો વાઇરલ થયા બાદ તેમણે કહ્યું હતું કે ‘વિપક્ષ મારા ભાષણથી ખોટી સ્ટોરી બનાવી રહી છે. લોકો પીએમ મોદીએ કરેલા કામને જાણે છે. મોદીની લહેર હતી, છે અને મોદીની લહેર રહેશે. અમે મોદીના કામો અને વચનોને મતદારો સમક્ષ લાવીને વોટ માગીએ છીએ. આ ચૂંટણીમાં ચારસોનો લક્ષ્યાંક ભાજપ હાંસલ કરશે, એવી સ્પષ્ટતા નવનીત રાણાએ કરી હતી.
બીજી બાજુ શરદ પવાર જૂથના પ્રવકતા મહેશ તાપસેએ નવનીત રાણા પર ટીકા કરતાં કહ્યું હતું કે રાણા સાચું બોલી રહ્યા છે. આ કારણસર ભાજપ અન્ય પક્ષોના નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યા છે. તેઓ અને ભાજપના અન્ય ઉમેદવારો પ્રચાર કર્યા પછી આ વાત જાણી ગયા હશે. ભાજપને ખબર છે કે મોદીની કોઈ લહેર નથી. જેને કારણે ભાજપ એક પછી એક વિપક્ષના નેતાઓને સામેલ કરી રહી છે. ભાજપે ચૂંટણી જીતવા માટે જે નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા તેમને પણ પક્ષમાં સામેલ કર્યા છે.