ઈઝરાયલ પર હુમલા બાદ ઈરાન સામે નવા પ્રતિબંધોની અમેરિકાની જાહેરાત
વોશિંગ્ટનઃ વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને મંગળવારે એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી હતી કે ગયા સપ્તાહના અંતે ઇરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલાને પગલે અમેરિકા ઇરાન સામે નવા પ્રતિબંધો મૂકશે.
તેમણે જણાવ્યું હતું કે પ્રમુખ બાઇડેન G7 સહિતના સાથી દેશો અને ભાગીદારો સાથે અને કોંગ્રેસના દ્વિપક્ષીય નેતાઓ સાથે ઇરાન દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે સંકલન કરી રહ્યા છે. આગામી દિવસોમાં, યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન પર નવા પ્રતિબંધો લાદશે, જેમાં તેના મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામ તેમજ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ઈરાનના સંરક્ષણ મંત્રાલયને સમર્થન આપતી સંસ્થાઓ સામે નવા પ્રતિબંધો સામેલ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા સાથી અને ભાગીદારો પણ આ નવા પ્રતિબંધોને અનુસરશે.
નોંધનીય છે કે ઇરાન પર સખત ના રહેવા બદલ રિપબ્લિકને બાઇડેન વહીવટીતંત્રની ટીકા કરી છે અને ઇરાનની આવી બળવાખોર વર્તણૂંકનો દોષ બાઇડેન વહીવટીતંત્ર પર ઢોળ્યો છે. ઇરાનના ઇઝરાયલ પરના હુમલા બાદ બાઇડેન વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેણે ઇરાન પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી દીધી છે.
અમેરિકાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં તેણે આતંકવાદ, આતંકવાદી ધિરાણ અને ગેરકાયદેસર વેપારના અન્ય સ્વરૂપો, ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન અને પ્રોક્સી આતંકવાદીઓને સમર્થન સાથે જોડાયેલ 600 થી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યા છે.