
અયોધ્યાઃ વિશ્વભરના લાખો હિંદુઓ દ્વારા રામનવમીની ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા ધામમાં નવનિર્મિત રામ મંદિર ખાતે ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે અને રામલલ્લાના દર્શન કરવા માટે લાખો ભક્તો અયોધ્યામાં છે. એક અંદાજ મુજબ આજે લગભગ પાંચ લાખ લોકો અયોધ્યામાં હાજર છે. બપોરે 12 16 કલાકે થી લઈને 12 21 કલાક સુધી પાંચ મિનિટ માટે સૂર્યના કિરણો ગર્ભ ગૃહમાં મૂકવામાં આવેલી રામલાલ મૂર્તિના કપાળને પ્રતિકાત્મક રીતે તિલક કરશે અને એ વખતે લાખો ભક્તોના જીવન ધન્ય થઇ જશે. આ ઐતિહાસિક ઘટનાનું ટીવી પર પણ જીવંત પ્રસારણ થશે. લોકોની આસ્થા પર સવાર થઇને ભગવાન રામ આજે લોકોના દિલોને ભક્તિમાં તરબોળ કરી દેશે.

આજે સવારથી જ રામ મંદિરની બહાર શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. લોકોનો ધસારો જોઇને આજે સવારે 3.30 કલાકે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા.ત્યારથી ભક્તોના દર્શનની અવિરત પ્રક્રિયા ચાલી રહી છે. લોકો મંદિર પરિસરની બહાર સેલ્ફી લઇ રહ્યા છે. રામ નામની ધૂન બોલાવી રહ્યા છે. લોકોના જયજયકારથી વાતાવરણ ગુંજી રહ્યું છે. સરયુ નદીમાં વહેલી સવારથી જ લોકોનું પવિત્ર સ્નાન શરૂ થઇ ગયું છે. ભગવાન રામના દર્શન કરતા પહેલા લોકો આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. ગઇ કાલે રાતથી જ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી ગયા છે.

રામ નવમીના અવસર પર આજે રામના ખાસ ભક્ત હનુમાનજીના હનુમાનગઢી મંદિરની બહાર પણ લોકોની મોટી કતાર લાગી છે. બજરંગબલિજીને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ આજે લગભગ છ લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે. અહીં ઉમટેલા માનવ મહેરામણ સાથે તમે પણ આસ્થાની ડુબકી લગાવવા તૈયાર રહેજો….