ગરમીમાં ઐતિહાસિક હથિયાર… ટુવાલ!
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી
ફર્નિચર તથા ટોઇલેટ એસેસરીઝના મોલમાં જઇએ છીએ ત્યારે જાતજાતના ટુવાલ જોવા મળે છે. ટુવાલની સાઇઝ, સોફ્ટનેશ તથા ડિઝાઇન જોઇને ખરીદવાની લાલચ રોકી શકાતી નથી, પણ ટુવાલના ભાવ વાંચીએ તો એસીમાં પણ પરસેવે રેબઝેબ થઈ જવાય.
ગરમીમાં જીવન જરૂરિયાતનું કોઈ અમોઘ શસ્ત્ર હોય તો એ ટુવાલ છે. આમ તો એનો નાનો ભાઇ એટલે રૂમાલ થાય. આપણે ગુજરાતીઓ નાના -મોટા દરેક શરીર સાફ કરવાના કપડાને રૂમાલ કહેતા હોય છે.
રૂમાલ મૂળે ફારસી શબ્દ છે. રૂ એટલે ચહેરો અને માલ એટલે મલવું અર્થાત્ ચહેરો મહળીને સાફ રાખવા માટેનું કપડું. આમ ટુવાલ પણ વિદેશી શબ્દ છે. ટુવાલ શબ્દ આપણે ત્યાં પોર્ટુગીઝ લઇને આવ્યા.
ભારતમાં પણ વિસ્તાર મુજબ જાતજાતના કપડાં થકી રૂમાલ કે ટુવાલ બનતા. જ્યારે કોઈ કોલકાતા ફરવા જતાં ત્યારે ત્યાંથી ખાસ લાલ પોતડી મગાવવામાં આવતી. એ જ રીતે મહારાષ્ટ્ર જતાં એમની પાસે કોટનનો ટુવાલ મગાવવામાં આવતો.
આમ તો આપણા માટે એકાદ બે પ્રકારના ટુવાલનો પરિચય હોય છે. બાથરૂમમાં વપરાતો કે સ્વિમિંગ પૂલમાં સ્નાન પછી વપરાતા ટુવાલ વિશે માહિતી હોય છે, પણ અંદાજે વીસ કરતાં વધારે પ્રકારના ટુવાલ વપરાશમાં હોય છે. મધ્યમ વર્ગનો પરિવાર સમુદ્ર કિનારા પર જાય કે ઘરના બાથરૂમમાં હોય એ એક જ ટુવાલ લઇને ફરે છે, પણ સમુદ્ર સ્નાન પછી અલગ પ્રકારનો ટુવાલ વપરાશમાં હોય છે. એ જ રીતે રસોડાથી માંડીને કૂતરાઓને નવડાવવા સુધીના અલગ અલગ ટુવાલ હોય છે. અવકાશયાત્રીઓ માટે ખાસ ટુવાલ બન્યા છે તો અલગ અલગ સ્પોર્ટ્સ માટે ટુવાલની વિશાળ રેન્જ હાજર છે. જિમમાં વપરાતા ટુવાલ પ્રમાણમાં નરમ અને વધુ પરસેવો શોષી શકે તેવા હોવા જોઈએ. આમ આપણે ધારીએ છીએ એના કરતાં ટુવાલની દુનિયા અતિ વિશાળ છે.
ટુવાલ થકી માણસને ઓળખવાનો અભ્યાસ થતો હશે. ઘણી વ્યક્તિને અત્યંત કોમળ ટુવાલ પસંદ હશે તો ઘણાને કોમળ ટુવાલથી શરીર સાફ કરવાની મજા જ આવતી નથી. ઘણા પાસે તો પેઢી દર પેઢી એક જ ટુવાલ ટકતો હોય છે. ટુવાલમાં ગાબડાં પડે છતાં એ જ ટુવાલ જોઈએ એવી મમત છૂટતી નથી. ટુવાલ નકામો થાય એટલે ઘર સફાઇમાં પણ ઉપયોગી થાય અને જ્યાં સુધી ચીથરા ના નીકળે ત્યાં સુધી ટુવાલના નસીબમાં પરિવારની સેવા લખાયેલી હોય છે.
ઘણા ટુવાલ વજનમાં ભારેખમ હોય છે એના ચાહક અલગ હોય છે, જ્યારે ઘણાને હળવા વજનના ટુવાલ પસંદ હોય છે. ઘણા પરિવાર જલદી ડાઘા ન દેખાય માટે કલરફૂલ ટુવાલ પસંદ કરે છે, જ્યારે ઘણાને શાંતિના પ્રતીક સમાન સફેદ કલરના જ ટુવાલ પસંદ હોય છે.
મનોવિજ્ઞાન માને છે ટુવાલના રંગની પસંદગી સમજવાની જરૂર છે. રોમેન્ટિક ટ્રીપ પર કે સમુદ્ર કિનારે લાલ રંગ રોમાન્સનો તડકો લગાવી શકે છે. ભૂરો રંગ શાંત છે, ગોલ્ફ જેવી ધ્યાનપૂર્વક રમાતી શાંત રમતોમાં બ્લ્યુ રંગ જરૂરી છે, ત્યાં લાલ ટોવેલ ચાલે નહીં. પ્રકૃતિ માણવા નીકળેલા માણસને લીલા રંગનો ટુવાલ આપવો જોઈએ. ધાર્મિક આધ્યાત્મિક યાત્રાઓમાં આત્મિક વિકાસ સમયે સફેદ ટુવાલ વાપરવાથી મન શાંત થાય. મનોવૈજ્ઞાનિકો ટુવાલની પસંદગી પરથી પણ જે તે પરિવારની માનસિકતા સમજતા હશે.
જો કે એક સામાન્ય માણસ જ્યારે કોઇનો ટુવાલ જુએ એટલે ખબર પડી જાય કે સ્વચ્છતા અંગે કેટલા સભાન છે. એક અભ્યાસ અનુસાર બે કે ત્રણ વખત ઉપયોગ કર્યા પછી ટુવાલને પણ સ્નાન કરાવવું મિન્સ ધોવો જરૂરી છે. ટુવાલમાં લાખો કરોડોની સંખ્યામાં જમ્સ ભેગા થવાની સંભાવના રહેતી હોય છે જે વ્યક્તિને બીમાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
આમ તો દરેક સંસ્કૃતિ હજારો વર્ષથી શરીર સાફ રાખવા નિતનવા પ્રયોગો કરતી હોય છે. ભારત જેવા દેશ વિશ્ર્વને કપડાં પૂરા પાડતા હતા. ભારતીય પરંપરામાં ટુવાલની પરંપરા હોય જ, પણ આધુનિક ટુવાલની પરંપરા વિશ્ર્વભરમાં તુર્કીથી આવી હોવાનું માનવામાં આવે છે. ટુવાલના ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે તુર્કીમાં પ્રારંભમાં ટુવાલ ફક્ત ધનિક વર્ગ માટે હતો ,પણ સમય જતાં ડિમાન્ડ વધવા લાગી અને ઔદ્યોગિકરણના પ્રતાપે ઉત્પાદન વધતા ધીમે ધીમે સામાન્ય માણસ માટે પણ ઉપલબ્ધ થવા લાગ્યો.
એવું લાગે છે કે ટુવાલ વગર તો કદાચ હવે સ્નાન શક્ય નથી, બાથરૂમમાં પાણી આવે છે કેમ એ સવાલ પહેલાં ટુવાલ છે કે કેમ એ પહેલી જરૂરિયાત છે. હિન્દી સિનેમામાં એ તો ટુવાલને રોમાન્સનું સાધન બનાવી દીધું છે. હીરો કે હિરોઇન જાણે-અજાણે ટુવાલ ભૂલી જાય તો દરવાજો ખૂલે અને બંને બાથરૂમમાં પહોંચે. કાજોલનો ટુવાલ સાથે ડાન્સ એક ઇતિહાસ બની ગયો અને સલમાન ખાનની ડાન્સની નકલ કરવી હોય તો ટુવાલ ફરજિયાત છે.
સિનેમાએ ટુવાલ થકી કંઈ કેટલા મર્ડર પણ કરી નાખ્યાં. સિનેમાના રોમાન્સ દર્શાવવામાં મહત્ત્વનું પરિબળ ટુવાલ માણસને સ્વજનના નિધન સમયે છેક સ્મશાન સુધી સાથ આપે છે. ભારતથી માંડીને ગ્રીક સુધીની સંસ્કૃતિમાં શરીર સાથે આત્માની શુદ્ધિ માટે ટુવાલ અથવા કાપડના ટુકડાને વાપરવાની પરંપરા હતી.
જો કે ગરમીમાં માથા પર કે ખભા પર સુતરાઉ કાપડ રાખવાની પરંપરા ભારતમાં પૌરાણિક છે. મૂળ વાત શરીર સાફ રાખવા સાથે જે તે ભૌગોલિક સ્થિતિ સાથે સાંસ્કૃતિક દર્શનનો અનુભવ કરાવે છે. ભારતમાં હજારો લોકોને રોજગારી પૂરો પાડતો તથા હજારો કરોડનું માર્કેટ ધરાવતો ટુવાલ ફેમિલીના બિઝનેસને પ્રમોટ કરવા એંસી ફૂટ લાંબો અને સાઇઠ ફૂટ પહોળો વર્ષ ૨૦૧૧માં વિશ્ર્વનો સૌથી મોટો ટુવાલ બનાવવામાં આવ્યો હતો.
જાપાન સુધ્ધાંમાં ટુવાલના ઇતિહાસ થકી પ્રજા પોતાનો વારસો જાણી શકે એ માટે ખાસ મ્યુઝિયમ બન્યું છે. માણસનો તથા પરિવારનો ઇતિહાસ ભૂગોળ અને તેનામાં રહેલા નાગરિકત્વ સમજવામાં શક્ય છે કે ટુવાલ આગવું યોગદાન આપી શકે છે.
ધ એન્ડ
ભિતિહરવામાં એક મહિલાને અત્યંત ગંદા કપડામાં જોઈ ગાંધીજી ખૂબ વ્યથિત થયા. ગાંધીજીએ કસ્તુરબાને કહ્યું કે તમે પેલી મહિલાને કહો કે સ્વચ્છ કપડાં પહેરે અને સ્વચ્છ રીતે સ્નાન કરે. કસ્તુરબાએ એ મહિલા સાથે વાત કરી, ખબર પડી કે એની પાસે આ એક જ કપડું છે.
બાપુ કશું બોલ્યા નહીં, પણ આખી જિંદગી પોતડી પહેરી. વેલ્યુઝ સમજાવવા ભાષણ કરવાના ન હોય. આ ઘટનાને રિચાર્ડ એટનબરોએ થોડી કલ્પના ઉમેરીને દર્શાવ્યું હતું.