અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
બાળક છો દૂર છે, શોપિંગ જરૂર છે
ગામડાની હોય કે શહેરની, દેશી હોય કે વિદેશી, ભણેલી હોય કે અભણ… સમગ્ર નારીગણને બાંધતો એક તંતુ છે શોપિંગ. પોતાના માટે હોય, ભત્રીજી – ભાણેજ હોય, ફ્રેન્ડની ડોટર માટે હોય… જ્યાં જ્યાં વસે સન્નારી ત્યાં ત્યાં સદાકાળ શોપિંગ એ સર્વકાલીન સમીકરણ છે. અસલના વખતમાં મહિલા ગર્ભવતી થાય એટલે ઊન – સોયા લઈ સ્વેટર ગૂંથવા બેસી જતી. આજની મોડર્ન માનુની પ્રેગ્નન્સી દરમિયાન ચાઈલ્ડ માટે શોપિંગ કરે છે. બાળોતિયાં – હિંચકાની જગ્યા ડાયપર અને ક્રેડલ – ટોડલર બેગ્સએ લઈ લીધી છે.જો કે, યુકેની એક અપરિણીત ક્ધયાનું શોપિંગ શોકિંગ લાગે એવું છે. લગ્ન નક્કી થવાની વાત તો દૂર, બોયફ્રેન્ડ પણ ન હોવા છતાં બાળકોના એક જુઓ અને એક ભૂલો એવા કપડાં ખરીદી એને અલમારીમાં ગોઠવી રહી છે. આ અલમારીમાં હાથે ગૂંથેલા સ્વેટરથી માંડી રોમ્પર્સ (ફૂલ સ્લીવ સૂટ), વન્જીઝ (બાળકના સમગ્ર શરીરને ઢાંકી દેતો સળંગ ડ્રેસ) તેમજ પ્રિન્ટેડ શર્ટ્સ અને બોટમ્સની સજાવટ આંખોને વહાલી લાગે છે. આ સન્નારીનું ચસકી ગયું છે એવું નથી. એની દલીલ છે કે ટૂંક સમયમાં કે બે ચાર વર્ષ પછી મારા લગ્ન થયા બાદ બાળક આવશે ત્યારે ઝાઝો ખર્ચ ન થાય એટલે પોતે બધું ભેગું કરી રહી છે. વર્ષનું અનાજ, વર્ષના મસાલા ભેગા કરતી અનેક મહિલા તમે જાણતા હશો, પણ બાળકના કપડાં ભેગા કરવા? અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું?
વાળ કાપીશ ફ્રીમાં, આવીએ દસ-બાર?
એક દિવસ મીઠાઈની દુકાનનો માલિક વાળંદ પાસે આવ્યો. નાયીએ સરસ મજાની હેર કટ કરી આપી અને રાજી રાજી થયેલા કંદોઈએ ‘કેટલા થ્યા’ એમ પૂછ્યું તો દિલદાર વાળંદ ભાઈ બોલ્યા કે ‘હું તમારી પાસે પૈસા નહીં લઉં કારણ કે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે.’ કંદોઈ રાજી થઈ રવાના થયો. બીજે દિવસે સવારે વાળંદ દુકાન ખોલવા આવ્યો ત્યારે દરવાજા પાસે મીઠાઈના બે બોક્સ રાહ જોઈ રહ્યા હતા. મોઢું મીઠું કર્યા પહેલા વાળંદના ચહેરા પર મીઠાશ તરવરી ઊઠી. એ દિવસે સાંજે મોબાઈલ વેચતો દુકાનદાર શેવિંગ કરાવવા આવ્યો. દાઢી કરાવ્યા પછી એણે પૈસા પૂછ્યા તો એને પણ કંદોઈને મળ્યો હતો એ જ જવાબ મળ્યો. મોબાઈલના દુકાનદારે વાળંદ સાથે સેલ્ફી લીધી અને હરખાતો હરખાતો રવાના થયો. બીજે દિવસે નાયી માટે પેટી પેક મોબાઈલ સુખદ આશ્ર્ચર્યના સ્વરૂપમાં હાજર હતો. વાળંદના દિલના નેટવર્કમાં મોબાઈલ માલિક આવી ગયો. ત્યારબાદ એક રાજકારણી હજામત કરાવવા પધાર્યા. હેરકટ પછી ખિસ્સામાં હાથ નાખવાનો ડોળ રાજકારણીએ કર્યો ત્યારે કોઈપણ પ્રકારના દંભ વિના સસ્મિત વાળંદે એટલું જ કહ્યું કે ‘આજે રમજાનનો છેલ્લો દિવસ છે. હું તમારી પાસેથી પૈસા નહીં લઉં.’ આ ઔદાર્યથી રાજી થયેલા રાજકારણીએ નાયીનો ખભો થાબડ્યો અને ‘દેશને તારા જેવા નાગરિકની જરૂર છે’ એવા મતલબનું બડબડી વિદાય લીધી. બીજે દિવસે સાંજે કામ કરતા કરતા વાળંદની નજર દુકાન બહાર પડી અને તેણે શું જોયું? મફત વાળ કપાવવા ડઝન રાજકારણીઓ બે હાથ જોડી હસતા મોઢે ઊભા હતા.
ચોથી પાસ દાદાજીની દાદાગીરી
સીમમાં જઈ પાડા (સાંઢ) ચરાવવા અને ઘરમાં બેસી પાડા (ઘડિયા) ગણવા એમાં ઉત્તર – દક્ષિણ જેટલો ફરક છે. એવી જ રીતે ઊંઠાં આવડવા (સાડાત્રણના ગુણાકારવાળા ઘડિયા) અને ઊઠાં ભણાવવા (છેતરવું) માં પણ અર્થભેદ છે. આપણા દેશમાં ગણિત ભણ્યા ન હોય પણ ગણતરી કરવામાં નિષ્ણાત વડીલોનું ચાતુર્ય આંખો પહોળી કરી દેનારું હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં રાજસ્થાનના નાગૌર જિલ્લાં લાંપોલાઈ નામના ગામના ૮૦ વર્ષના તુલસારામ જાખડ નામના દાદાજીની ગણિતમાં દાદાગીરી જોઈ કેલ્ક્યુલેટર પણ શરમાઈ જાય. માત્ર ચોથા ધોરણ સુધી શાળા અભ્યાસ કરનારા જાખડ દાદા ૧૦૦૦ સુધી કોઈ પણ રકમનો પાડો (ઘડિયો) આપણે ૧થી ૧૦૦ જે આસાનીથી બોલીએ એવી સહેલાઈથી એક પણ ભૂલ વિના બોલી જાય છે. વીડિયોમાં દાદાજી ૮૬૯નો ઘડિયો હાથના વેઢા કે કાગળ – પેનની મદદ વિના જે રીતે સડસડાટ બોલી જાય છે એની આગળ ગમે એવું ભણતર પાણી ભરે. લોકોમાં તુલસારામજી ‘ગણિતના જાદુગર’ તરીકે નામના ધરાવે છે એની નવાઈ નથી લાગતી. નહીંવત શિક્ષણ મેળવનારા દાદાજી આ આવડતને ઈશ્ર્વરની કૃપા લેખાવે છે.
એક તૂ હી ધનવાન હૈ…
જે વ્યક્તિ પાસે ખૂબ ધન હોય અને જેનો વાન ઉજળો હોય એ સાચો ધનવાન એમ ઘણી વાર મજાકમાં કે કટાક્ષમાં કહેવાતું હોય છે. શ્રીમંત હોવું એ બેન્ક બેલેન્સના આધારે નક્કી થતું હોય છે એ વાત સાચી, પણ આ જગતમાં એવી વિરલ વ્યક્તિ વારે તહેવારે જોવા મળે છે , જે ધન કરતાં વિશેષ મનથી શ્રીમંત હોય છે. ૫૨ વર્ષના ઈરાની પુરુષ પોતાની ખોવાયેલી વસ્તુ શોધવા કે અન્ય કોઈ કારણસર સડક પર પડેલી કચરા ટોપલીઓ ફેંદી રહ્યા હતા ત્યારે અચાનક એક વજનદાર બેગ હાથમાં આવી. કુતૂહલવશ એમાંનો કચરો છૂટો પાડ્યો તો ધ્યાનમાં આવ્યું કે એમાં સોનું અને ડૉલરની ચલણી નોટો હતી જેનું મૂલ્ય ૩૧૦૦૦ ડૉલર (આશરે ૨૫ લાખ રૂપિયા) હતું. સામાન્યપણે આવી મોટી રકમ આ રીતે અનાયાસે હાથ લાગી હોય તો ‘જેવી હરિ ઈચ્છા’ કહી ઘરભેગી કરવામાં આવે. જો કે, આપણા ઈરાની ભાઈને નાનપણમાં માતા – પિતાએ શીખવેલી વાતનું સ્મરણ થયું કે કોઈની ખોવાયેલી પૂંજી હાથ લાગે તો માલિકને શોધી એને સોંપી દેવી. પણ માલિક શોધવો કઈ રીતે? નસીબજોગે બેગમાંથી એક બેન્ક કાર્ડ મળી આવ્યું અને એની મદદથી મૂળ માલિક (૫૦ વર્ષની મહિલા)ને શોધી મિલકત હાથોહાથ સોંપી દીધી. બેગ કઈ રીતે કચરા ટોપલીમાં પહોંચી એ જાણવાનો પ્રયાસ કરતા ખબર પડી કે મહિલાના પૌત્રએ બેગમાં કચરો – રદ્દી છે એમ સમજી ફેંકી દીધી હતી. ઈરાન હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે એ પરિસ્થિતિમાં સાચા શ્રીમંત તો ૫૨ વર્ષના ઈરાની પુરુષ જેવા લોકો જ છે.
ચાયજીપીટી, એઆઈમાર કે!
અંગ્રેજી ભાષામાં પાંચ વોવેલ (સ્વર)A, E, I, O, U. ભાષાના બંધારણમાં, એના વિકાસમાં અને એના વ્યવહારમાં પાંચેયનું યોગદાન અને મહત્ત્વ સરખા જોવા મળ્યા છે. ભાષા ક્યારેય કોઈ સાથે ભેદભાવ નથી કરતી. જો કે, જીવનમાં દરેક ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહેલી ટેક્નોલોજીને કારણે ભાષા વિશ્ર્વમાં પણ હલચલ મચી ગઈ છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે A-I નામના બન્ને સ્વરનો સ્વર ઊંચો થઈ ગયો છે. જરા ફોડ પાડી વાત કરીએ. એ અને આઈ પરણી ગયા છે અને AI-Artificial Intelligence- કૃત્રિમ બુદ્ધિમત્તા અથવા મશીનનું દિમાગ એવો અર્થ ધારણ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કારણે ચાયના વ્યવસાય માટે ચાહ નિર્માણ થઈ છે અને હૈદરાબાદમાં ‘ચાય, ગરમ ચાય’ માટે ગ્રાહકોને આકર્ષતા કિરણ અને રોહિત નામના બે ભાઈએ ગયા વર્ષે Chai GPT નામની દુકાન શરૂ કરી ચાના ઘણા સ્ટોલ – દુકાન કપમાં તોફાન A storm in the teacup (જેનો અર્થ છે મહત્ત્વ ન ધરાવતી વસ્તુ પ્રત્યે લોકોની નારાજગી) મચાવ્યું હતું.
યંગસ્ટર્સની નજરમાં વસી જવા ‘ચાય જીપીટી, એઆઈમાર કે’ એવું નામકરણ કર્યું હતું, અલબત્ત , અહીં માણસની બુદ્ધિએ અદરખ – ઈલાયચી (આદુ – એલચી)ને AI સ્વરૂપે રજૂ કરી આકર્ષણ જન્માવ્યું હતું.
મુંબઈમાં એક સમયે ‘ચાય, મલાઈ માર કે’નો જમાનો હતો. હવે તો હૈદરાબાદમાં ‘ચાય જીપીટી. એઆઈ માર કે’નો પ્રભાવ વધી રહ્યો છે. ચાનો વ્યવસાય બરાબર ‘ઉકળી’ રહ્યો હોવાથી બંને ભાઈ હવે બાન્ડની લોકપ્રિયતાનો લાભ ઉઠાવી chai GPT with AIનામથી ચાની ભૂકી પણ બજારમાં મૂકવાની તૈયારી કરી રહ્યા છે.
લ્યો કરો વાત!
રશિયાના વ્લાદિવોસ્તોક શહેરના ભૂતપૂર્વ મેયરને ૩૮ મિલિયન રૂબલ (આશરે ત્રણ કરોડ ૪૦ લાખ રૂપિયા)ની લાંચ લેવાના આરોપસર સરકારે ૧૨ વર્ષની જેલની સજા ફરમાવી હતી. હવે સરકારી ‘સ્કીમ’ની મદદથી માજી મેયર જેલની સજામાંથી મુક્ત થઈ ગયો છે. બહાર આવી બીચ પર ફરવા કે નાઈટ ક્લબમાં એન્જોય કરવાનું એને માટે શક્ય નથી, કારણ કે જેલમાંથી નીકળ્યા બાદ તેને સીધો રણમેદાનમાં મોકલી આપવામાં આવ્યો છે. વાત એમ છે કે જે જેલના કેદી હાથમાં બંદૂક ઉઠાવી યુક્રેન સામેના યુદ્ધમાં ખુવાર થવા તૈયાર થવા સરકાર જોડે છ મહિનાનો કોન્ટ્રેક્ટ કરે અને જો યુદ્ધભૂમિ પરથી હેમખેમ પાછા ફરે તો સજા માફ કરવામાં આવશે એવું વચન આપવામાં આવ્યું છે. અલબત્ત, બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન પણ રશિયાએ કેદીઓની બટાલિયન બનાવી સંગ્રામમાં તેમનો ઉપયોગ કરવાનો કીમિયો અજમાવ્યો હતો.