સામેથી બોલાવીને અજાણ્યો નોકરી આપે તો દોડી જવાય?
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
સાયબર વર્લ્ડની દુનિયામાં શું છે? છેક ૧૯૫૪ની ફિલ્મ ‘આરપાર’ માટે ગીતકાર મજકુર સુલીલપુરી, સંગીતકાર ઓ.પી. નૈયર એ ગાયિકા ગીતાદત્તના નીચે લખેલા શબ્દમાં ‘પ્યાર’ને સ્થાને ‘સાયબર વર્લ્ડ’ મૂકી દો…
બાબુજી ધીરે ચલના,
પ્યાર મેં જરા સંભાલના
હાં બડે ધોખે હૈ,
બડે ધોખે હૈ ઈસ રાહમેં
અને આ ધોખા, ફરેબ, ઠગાઈ, છેતરપિંડી કે ફ્રોડની શરૂઆત મોટે ભાગે થાય છે ફોનથી. કળિયુગમાં સમય કેવો છે અને માણસો કેવી-કેવી નીચ હરકત કરે છે એ વર્ણવવાની જરૂર નથી. તો પછી કોઈ અજાણ્યા ફોન પર કેવી રીતે વિશ્ર્વાસ મૂકી શકાય: પછી એ ભલેને એ નોકરી, પાર્ટ-ટાઈમ જોબ, ઈઝી મની કે પછી લાહોર આપવાની ઓફર કરતો હોય.
થોડા સમય અગાઉ ગુજરાતમાં એક જાણીતી સિમેન્ટ કંપનીને નામે ફોન આવે કે ભાઈ/બહેન, આપને અમારી કંપનીમાં નોકરી મળી ગઈ છે. આવીને એપોઈન્ટમેન્ટ લેટર લઈ જાઓ. અને ઉત્સાહી જીવો નોકરી ને નિમણૂક પત્ર લેવા દોડી જતા પહેલા વિચારતા સુધ્ધાં નથી કે આપણે નોકરી માટે અરજી કરી નથી કે કોઈ સામેથી બોલાવે એવા કોઈ તાતા તીર માર્યા નથી. તો નોકરી મળે કેવી રીતે! અને શા માટે?
જોશ અને ઉત્સાહમાં પહોંચી જાય તો કંપનીની ઓફિસની બહાર જ ટેબલ પર બેસેલ માણસો આવકારે. તરત જ અપોઈન્ટમેન્ટ લેટર આપી છે. કહેવાની જરૂર નથી કે એ લેટર એકદમ બનાવટી હોય. અને પછી? અમુક તમુક કારણોસર ગેરંટી કે ડિપોઝીટના નામે પૈસા પડાવે. અમુક વખાના માર્યા તો બિચારા ઉછીનાપાછીના કરીને કે જ્યાંથી મળે ત્યાંથી લાવીને ચાર-પાંચ લાખ નોકરી માટે જમા કરાવી દે. પછી શું થાય?
હકીકતમાં તો કંપનીએ નથી કોઈ નોકરીની ઓફર કરી કે નથી કોઈને આ કામ માટે ઓફિસની બહાર બેસાડ્યા. અલબત, કોઈકને જરા અમથી શંકા જાય તો કંપનીના રિસેપ્શન સુધી ગમે તેમ કરીને પહોંચીને આ ઠગ જાણો ત્યાંથી અપોઈન્ટમેન્ટ લેટર અપાવ્યો હોય એવો ડોળ પણ કરી બતાવે.
સાહેબ, આપણે જાણીએ છીએ કે ભલભલા હોશિયારો ડિગ્રીના ભૂંગળા લઈને ‘નોકરી આપો, નોકરી આપો’ની ચીસાચીસ કરતા થાકી જાય તો આપણને કોઈ કેવી રીતે સામેથી નોકરી આપે?
થોડો તર્ક વાપરીએ અને બુદ્ધિનો ઉપયોગ કરીએ તો સાયબર ઠગોની જાળમાં ફસાતા ચોક્કસ બચી જવાય.
બોક્સ
A.T.P. (ઓલ ટાઈમ પાસવર્ડ):
દરેક ઈનકમિંગ પર અવિશ્ર્વાસ કરો, શંકા કરો અને લાલચથી દૂર રહો.