ઈન્ટરવલ

ઈઝરાયલ સંયમ નહીં રાખે તો મિડલઈસ્ટની કટોકટી ઘેરી બનશે

પ્રાસંગિક -અમૂલ દવે

ઈરાને સીરિયાના દમાસ્કસમાં તેના રાજદુતાલય પર ઈઝરાયલે કરેલા હવાઈ હુમલાનો બદલો લેવા આ હુમલો કર્યો છે. એ હુમલામાં ઈરાનના ત્રણ ટોચના કમાન્ડર અને ચાર અધિકારી માર્યા ગયા હતા. આ હુમલાથી હચમચી ગયેલા ઈરાને તેની શાખ બચાવવા કહ્યું હતું કે હવે એ વેરની વસૂલાત કરાશે. એ પછી ઈરાને ૧૭૦ ડ્રોન, ૩૦ થી વધુ ક્રૂઝ મિસાઈલ અને ૧૨૦ થી વધુ બેલેસ્ટિક મિસાઈલ ઈઝરાયલ તરફ પ્રક્ષેપિત કરી હતી. જો કે ઈઝરાયલે તેના સાથી દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જોર્ડનની મદદથી આમાંના ૯૯ ટકા ડ્રોન અને મિસાઈલને આંતરી લીધા.એ હુમલામાં નેવાટિમ એરબેઝને નજીવું નુકસાન થયું.

ઈરાને તો એવો પણ દાવો કર્યો હતો કે હુમલા પહેલાં અમેરિકા અને બીજા પડોશી દેશોને સાબદા કરવામાં આવ્યા હતા. ઈરાનનો ઈરાદો ઈઝરાયલમાં મોટી ખુવારી કરવાનો નહોતો. ઈરાને દાખવી દીધું છેકે તે લક્ષ્મણરેખા ઓળંગવા તૈયાર છે.. ઈરાને એ પણ દાખવ્યું છે કે જો ઈઝરાયલ પ્રતિ હુમલો કરશે તો સીધી અથડામણને ભીષણ બનાવવા તે તૈયાર છે. ઈરાને જાહેરાત કરી છે કે તેનો બદલો પૂરો થઈ ગયો છે અને ઈઝરાયલ જવાબી કાર્યવાહી નહીં કરે તો અથડામણ પૂરી થઈ જશે.

બીજી તરફ, ઈરાનના બદલાને લીધે સત્તા બચાવવા સંઘર્ષ કરી રહેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મોટો ફાયદો એ થયો છે કે એમને સત્તાનું જીવનદાન મળી શકે. હમાસના આતંકવાદી હુમલાના જવાબમાં ઈઝરાયલે ગાઝા પટ્ટી પર કરેલા ક્રૂર હુમલાથી વિશ્ર્વભરમાં ઈઝરાયલની ઘણી બદનામી થઈ હતી. ઈઝરાયલના આ અવિચારી હુમલાથી ગાઝાના ૨૩ લાખ વસતિના ૯૦ ટકા લોકો વિસ્થાપિત થઈ ગયા. એ હુમલામાં ૩૩,૦૦૦ પેલેસ્ટાઈનવાસી માર્યા ગયા, જેમાં મોટા ભાગની મહિલા અને બાળકો છે.

ઈઝરાયલે તેના ઓપરેશનને ગાઝા સુધી સીમિત રાખ્યું નહોતું. તેણે સીરિયા, લેબેનોન પર પણ હુમલા કરીને ઈરાનને લક્ષ્ય બનાવ્યું હતું. હમાસે સાત ઓક્ટોબર, ૨૦૨૩એ ઈઝરાયલ પર આતંકવાદી હુમલો કર્યો ત્યાર બાદ હમાસ અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ચાલુ જ છે એટલું જ નહીં, એ હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના પ્રાદેશિક જંગમાં ફેરવાઈ ગયું છે. ૨૦૦૩માં અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું ત્યારબાદ મિડલ ઈસ્ટની પિરિસ્થિતિ ફરી સ્ફોટક બની ગઈ છે.

ઈરાને તો ઈઝરાયલ પર સીધો હુમલો કરીને બોલ ઈઝરાયલની કોટમાં નાખી
દીધો છે.

અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે ત્યારે બીજી મુદત માટે ચૂંટાવવા માગતા પ્રમુખ જો બાઈડેન મિડલ ઈસ્ટની પોલિસી નેતન્યાહુને લીધે સદંતર વિફળ ગઈ છે. બાઈડેન ઈચ્છતા હતા કે ઈઝરાયલ ગાઝા પટ્ટીનું ઓપરેશન રમજાનના પવિત્ર માસમાં થંભાવી દે જેથી ભૂખમરા ભોગવી રહેલા પેલેસ્ટાઈનવાસીઓને સહાય મોકલી શકાય. ઈઝરાયલે આમ કરવાને બદલે મદદ કરવા આવેલા વર્લ્ડ કિચનના એડ્સ વકર્રપર જ હુમલો કરીને અમેરિકાનું નાક કાપ્યું હતું. આ હુમલાને લીધે ઈઝરાયલને ઘણી ફટકાર મળી હતી, પરંતુ ઈરાનના હુમલાને લીધે નેતન્યાહુ પાછા ફોર્મમાં આવી ગયા છે. ઈરાને હુમલો કર્યો ત્યારે દેખાવકારો નેતન્યાહુ સામે દેખાવો કરી રહ્યા હતા અને લશ્કરે તેમને હટાવ્યા હતા. જો ઈરાને હુમલો ન કર્યો હોત તો નેતન્યાહુને સિંહાસન છોડવું પડત પરંતુ ઈરાને નેતન્યાહુને આડકતરી રીતે મદદ કરી છે.

ઈઝરાયલે સત્તાવાર રીતે એમ કહ્યું છે કે અમે ઈરાનના હુમલાનો અમે પસંદ કરેલા સમયે જવાબ આપીશું. ઈરાનના હમલા બાદ ભરાયેલી ઈઝરાયલના વોર કેબિનેટની બેઠકમાં ઈરાનને જવાબી કાર્યવાહી તરત કરવાની દરખાસ્ત મુકી હતી, પરંતુ અમેરિકાના પ્રમુખ બાઈડેન સાથેની વાતચીત પછી બેન્જામિને હાલ પૂરતો સંયમ રાખવાનું નક્કી કર્યું છે.

નેતન્યાહૂએ તેમની રાજકીય કેરિયર ઈઝરાયલને સુરક્ષા આપવાના પ્રોમિસ વડે વિકસાવી છે. એમણે હમાસને નેસ્ત નાબૂદ કરવાની જાહેરાત સાથે ગાઝાપટ્ટી પર હુમલો કર્યો હતો. આજે છ મહિના થયા હોવા છતાં એહમાસને ખતમ કરી શક્યા નથી કે હમાસના કબજામાં રહેલા ૧૩૦બાન વ્યક્તિને ય છોડાવી શક્યા.

હવે નેતન્યાહુને ઈરાનના હુમલાનો પણ જવાબ આપવાનો છે. હમાસના આતંકવાદી હુમલા અને ઈરાનની સીધી અથડામણે સાબિત કરી દીધું છે કે ઈઝરાયલનો પહેલાં હતો એવો ખોફ રહ્યો નથી. ઈઝરાયલ – ઈરાન વચ્ચે ખાસ્સું અંતર છે. ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવો હોય તો બીજા મુસ્લિમ રાષ્ટ્રોની સીમાનો ભંગ કરવો પડે. બીજા મુસ્લિમ દેશો અમેરિકાને તેના ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપે, પરંતુ ઈઝરાયલને બીજા મુસ્લિમ દેશ ઈરાન પર તેમના ક્ષેત્રમાંથી પસાર કરીને હુમલો કરવાની પરવાનગી ન આપે. ઈઝરાયલની તુલનામાં ઈરાન મોટો દેશ છે અને ઈઝરાયલ અમેરિકાની મદદ વિના ઈરાનનો વાળ પણ વાંકો કરી શકે નહીં. ઈઝરાયલ ગમે તે રીતે અમેરિકાને આ અથડામણમાં સામેલ કરવા માગે છે જેથી તેનું કામ આસાન થઈ જાય. જો કે, અમેરિકાએ તો સાફ શબ્દોમાં કહી દીધું છે કે ઈઝરાયલની ઈરાન સામેની જવાબી કાર્યવાહીમાં તે તેને પ્રત્યક્ષ મદદ નહીં કરે. નેતન્યાહૂ માટે મોટો સવાલ એ છે કે શું એની સરકાર અને દેશના લોકો તેના સૌથી શક્તિશાળી શત્રુ ઈરાન સામે સુદીર્ઘ યુદ્ધ કરવા તૈયાર છે. જો નેતન્યાહુ ઈરાનને વળતો જવાબ નહીં આપે તો એની પ્રતિષ્ઠા સાવ તળિયે જતી રહેશે.

ઈરાનને જવાબ આપવા નેતન્યાહુ તેના ઉત્તર સરહદ પરના પ્રોક્સી હિઝબુલ્લાહ સાથે સંપૂર્ણ જંગ શરૂ કરી શકે. ઈઝરાયલે આ માટે અપર ગલીલી પ્રદેશમાંથી ૬૦,૦૦૦ ઈઝરાયલીઓને વિસ્થાપિત કર્યા છે.

ઈરાને તો સંદેશો આપ્યો છે કે તે ઈઝરાયલ સાથે ભીષણ જંગ માટે પણ તૈયાર છે. જાન્યુઆરીમાં અમેરિકાએ કાસીમ સોસૈમાનીની હત્યા કરી ત્યારે ઈરાને અમેરિકાના ઈરાકી મથક પર મિસાઈલ હુમલો કર્યો હતો. જ્યારે જનરલ સૈયદ રઝા મૌસાવીની સીરિયામાં હત્યા કરાઈ હતી ત્યારે ઈરાનને ઈરાકના કુર્દીસ્તાનમાં મોસાદ દ્વારા સંચાલિત મકાન પર હુમલો કર્યો હતો. આ વખેત ઈરાને ૩૦૦ ડ્રોન, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલ વડે ઈઝરાયલ પર હુમલો કર્યો છે.

જી-સેવનના દેશોએ ઈરાનના હુમલાની ટીકા કરી છે, પરંતુ આ સાથે ઈઝરાયલને સંયમ રાખવાની સલાહ આપી છે. અમેરિકાના મિત્ર દેશો જેવા કે જોડર્ન સઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને તુર્કી જેવાએ પણ ઈઝરાયલને યુદ્ધ ન વકરેએ માટે સંયમ રાખવાનો અનુરોધ કર્યો છે. ઈરાનના બે મુખ્ય ટેકેદાર ચીન અને રશિયાએ પણ ઈરાન અને ઈઝરાયલને સંયમ રાખવાની સલાહ આપી છે. પ્રમુખપદ માટેના ઉમેદવાર ટ્રમ્પે તો એવી શેખ મારી છે કે જો હું પ્રમુખ હોત તો ઈઝરાયલ પર હુમલો જ ન થાત.

ઈરાન તો દાવો કરે છે કે તેણે સુપરસોનિક મિસાઇલ વિકસાવ્યું હોવાથી ઈઝરાયલ એનાથી ફકત પાંચ મિનટના અંતરે છે. ઈઝરાયલ પાસે ૪૦થી વધારે અણુબોમ્બ છે. બીજી બાજુ ઈરાન પણ અણુ બોમ્બ વિકસાવ્યાનો દાવો કરે છે. ઈરાન મિસાઈલ અને ડ્રોન રશિયાને સપ્લાઈ કરે છે. તેનું લશ્કર મોટું છે, પણ ઈઝરાયલ જેટલું આધુનિક હથિયાર ધરાવતું નથી. અમેરિકાનેે ઈરાનના અણુ કાર્યક્રમનો ભય છે. આથી ઈઝરાયલ અમેરિકા મદદ લઈને ઈરાનના અણુમથક પર હુમલો કરે તો નવાઈ નહીં.

આશા રાખીએ કે સત્તાની લાલચમાં નેતન્યાહુ વિશ્ર્વને એક મહાયુદ્ધ તરફ નહીં ધકેલે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…