અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) જે મુકાબલો છે એ બન્ને ટીમના નજીકના ભાવિ માટે ખૂબ અગત્યનો છે. બેઉ ટીમ વચ્ચે માત્ર બે પૉઇન્ટનો તફાવત છે, પરંતુ પૉઇન્ટ્સ-ટેબલમાં તેમની વચ્ચે ખાસ્સુ એવું અંતર છે. ગુજરાત છઠ્ઠે છે અને એના પછી પંજાબ તથા મુંબઈ બાદ દિલ્હી નવમા સ્થાને છે.
જોકે ચાર પૉઇન્ટ ધરાવતું દિલ્હી બુધવારે જીતશે તો એના પણ ગુજરાત જેટલા જ છ પૉઇન્ટ થઈ જશે, પરંતુ નેટ રનરેટની રીતે દિલ્હી એનાથી આગળ થઈ શકે.
દિલ્હીની ટીમના કેટલાક પ્લસ પૉઇન્ટ છે જેનાથી ગુજરાતે ચેતવું પડશે. દિલ્હીનો કૅપ્ટન રિષભ પંત છેલ્લી ચાર મૅચમાં 51, 55, 1, 41ના સ્કોર્સ સાથે ફૉર્મમાં આવી ગયો છે. માત્ર ગુજરાતનો રાશીદ ખાન તેને ભારે પડી શકે, કારણકે રાશીદ પણ પાછો ફૉર્મમાં આવી ગયો છે. અગાઉ રાશીદ તેને ક્ધટ્રોલમાં રાખી ચૂક્યો છે. પંત તેના 87 બૉલમાં માત્ર 94 રન બનાવી શક્યો છે.
બીજું, દિલ્હીનો કુલદીપ યાદવ ફરી ફિટ છે અને ધૂમ મચાવવા લાગ્યો છે. લખનઊ સામેની મૅચમાં તેણે ત્રણ વિકેટ લઈને લખનઊની ટીમની બૅટિંગ લાઇન-અપની કમર ભાંગી નાખી હતી. તેણે તેના બૉલની પેસ (ઝડપ) થોડી વધારી છે. કુલદીપના ગૂગલી સામે ગુજરાતના બૅટર્સે ચેતવું પડશે.
દિલ્હીને જૅક ફ્રેઝર-મૅકગર્કના રૂપમાં વનડાઉનમાં સારો બૅટર મળી ગયો છે. જોકે ડેવિડ વૉર્નર હાથની આંગળીની ઈજાને કારણે મોટા ભાગે નહીં રમે. કોચ રિકી પૉન્ટિંગ કહે છે, ‘વૉર્નરને વધુ વાગ્યું છે. તે બૅટ બરાબર નથી પકડી શક્તો.’
બન્ને ટીમના હેડ-ટુ-હેડ મુકાબલામાં ગુજરાત સહેજ આગળ છે. કુલ ત્રણમાંથી બે મૅચ ગુજરાતે અને એક દિલ્હીએ જીતી છે.
બુધવારની બે હરીફ ટીમની પ્લેઇંગ-ઇલેવન આવી હોઈ શકે:
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કૅપ્ટન), વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાંઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશીદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જૉન્સન અને મોહિત શર્મા. (12મો પ્લેયર એમ. શાહરુખ ખાન).
દિલ્હી કૅપિટલ્સ: રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), પૃથ્વી શો, અભિષેક પોરેલ, શાઇ હોપ, ટ્રિસ્ટેન સ્ટમ્સ, અક્ષર પટેલ, જેક ફ્રેઝર-મૅકગર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઇશાંત શર્મા અને ખલીલ અહમદ. (12મો પ્લેયર: ઝાય રિચર્ડસન).
Taboola Feed