મોદી સામે મુસ્લિમ ઉમેદવાર, માયાવતી ભાજપની બી ટીમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તર પ્રદેશમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા મથી રહેલાં માયાવતીએ લોકસભાની ચૂંટણી માટે બહાર પાડેલી ૧૧ ઉમેદવારોની નવી યાદી બે કારણસર ચર્ચામાં છે. પહેલું કારણ એ કે, માયાવતીની બસપાએ નરેન્દ્ર મોદી સામે વારાણસીની બેઠક પરથી મુસ્લિમ ઉમેદવાર અતહર જમાલ લારીને ટિકિટ આપી છે અને બીજું કારણ એ કે, જૌનપુર લોકસભા બેઠક પરથી શ્રીકલા સિંહને ટિકિટ આપી છે. શ્રીકલા સિંહના પતિ ધનંજય સિંહ ગેંગસ્ટર કમ રાજકારણી છે. ગયા મહિને જ ધનંજયસિંહને અપહરણના કેસમાં સાત વર્ષની સજા થઈ હતી તેથી ધનંજય તો ચૂંટણી નહીં લડી શકે પણ તેમનાં પત્નીને મેદાનમાં ઉતારવાની ચાલ રસપ્રદ છે.
માયાવતીએ વારાણસીમાં અતહર જમાલ લારીને ટિકિટ આપતાં માયાવતી ભાજપની બી ટીમ તરીકે વર્તી રહ્યાં છે એ ચર્ચા પાછી શરૂ થઈ છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની મતબેંક મનાય છે. ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલાં માયાવતી સામે કેન્દ્રીય એજન્સીઓ કોઈ કાર્યવાહી કરી રહી નથી. તેનો બદલો માયાવતી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની મુસ્લિમ મતબેંકમાં ગાબડાં પાડીને ભાજપને મદદ કરીને ચૂકવી રહ્યાં છે એવા આક્ષેપો પાછા શરૂ થયા છે.
આ આક્ષેપો અકારણ પણ નથી. માયાવતીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૪૦ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા તેમાં ૧૫ જેટલા મુસ્લિમોને ટિકિટ આપી છે. તમામ વિપક્ષો એક થઈને મોદીને હરાવવા મથી રહ્યા છે ત્યારે માયાવતી ભાજપના ઈશારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની મતબેંકમાં ગાબડાં પાડવા મથી રહ્યાં હોવાના આક્ષેપો થાય જ છે ત્યાં હવે વારાણસીમાં અતહર જમાલ લારીને ટિકિટ આપતાં આ આક્ષેપો તીવ્ર બનશે તેમાં શંકા નથી. વારાણસીમાં મોદી સામે કોઈ પડકાર નથી પણ મુસ્લિમ મતોમાં વિભાજન થશે તો મોદીની લીડ વધશે તેથી મોદીને ફાયદો જ થશે. માયાવતી એ રીતે મોદીની ગુડ બુકમાં આવશે.
હવે વાત ધનંજયનાં પત્નીને મળેલી ટિકિટની વાત કરી લઈએ.
પૂર્વાંચલના બેતાજ બાદશાહ મનાતા ધનંજયસિંહ સામે ઉત્તર પ્રદેશ જલ નિગમના પ્રોજેક્ટ મેનેજર અને જૌનપુરમાં નમામિ ગંગે વર્કના ઈન્ચાર્જ અભિનવ સિંઘલના અપહરણનો કેસ ૨૦૨૦માં નોંધાયેલો. સિંઘલને ૧૦ મે, ૨૦૨૦ના રોજ ધનંજયના માણસો ઉઠાવીને ધનંજયના બંગલે લઈ ગયા હતા. સિંઘલને બંદૂક બતાવીને નમામિ ગંગે વર્કનો કોન્ટ્રાક્ટ ધનંજયને આપવા ધમકી અપાઈ હતી. સિંઘલે સરકારમાં જાણ કરતાં સરકારમાં બેઠેલા લોકોએ સધિયારો આપતાં બીજા દિવસે એટલે કે ૧૧ મેના રોજ ધનંજય તથા તેના સાથી સંતોષ વિક્રમસિંહ સામે સિંઘલે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં લગભગ સાડા ત્રણ વર્ષ પછી ધનંજયને સજા થઈ છે.
આ કેસમાં ધનંજયના ડરથી ફરિયાદી સિંઘલ ફસકી ગયેલા. સિંઘલે કોર્ટમાં ફેરવી તોળીને ધનંજયે પોતાને ધમકી આપી હોવાનો જ ઈનકાર કરી દીધેલો પણ કોર્ટે પોલીસે રજૂ કરેલા પુરાવાના આધારે ધનંજયસિંહને દોષિત ઠેરવી દેતાં ધનંજય ફિટ થઈ ગયા. નીતિશ કુમારની જેડીયુમાંથી લોકસભાની ચૂંટણી લડવા થનગનતા હતા પણ સજા થતાં તેમની આશા પર પાણી ફરી વળેલું.
ધનંજયની આશા પર ભલે પાણી ફરી વળ્યું પણ માયાવતીએ સત્તાના કેન્દ્રમાં રહેવાની ધનંજયસિંહની આશા જીવંત રાખી છે. ધનંજય જેલભેગા થતાં સહાનુભૂતિનો લાભ લેવા અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીમાંથી શ્રીકલા રેડ્ડીને લડાવશે એવી અટકળો ચાલી હતી પણ સપાના બદલે બસપાએ શ્રીકલા પર કળશ ઢોળ્યો છે. ધનંજયસિંહને વરસો સુધી માયાવતી સાથે સારા સંબંધ હતા. ધનંજય સિંહ માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)ની ટિકિટ પર બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને એક વાર લોકસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયેલા. ધનંજયને પછીથી માયાવતી સાથે સંબંધો બગડ્યા તેથી બસપાથી અલગ થયેલા પણ હવે માયાવતી જ તેમને કામે આવ્યાં છે.
ભાજપે કોંગ્રેસમાંથી આવેલા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા કૃપાશંકરસિંહને જૌનપુર બેઠક પરથી ટિકિટ આપી છે. સમાજવાદી પાર્ટીએ બાબુસિંહ કુશવાહાને ટિકિટ આપી છે. બંને જૌનપુર બેઠક માટે બહારના ઉમેદવાર છે. તેની સામે ધનંજય સિંહ પોતે ૨૦૦૯માં જૌનપુર લોકસભા બેઠક પરથી બસપાના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા એ જોતાં તેમનો ભારે પ્રભાવ છે તેથી શ્રીકલા રેડ્ડીને લખી વાળી શકાય તેમ નથી.
ધનંજયે જૌનપુર લોકસભા બેઠક પરથી લડવાનું એકમાત્ર લક્ષ્ય હોવાનો હુંકાર કરેલો ને તૈયારીઓ પણ કરી દીધેલી. તેમના કમનસીબે ચૂંટણીની જાહેરાત પહેલાં તો સાત વર્ષની જેલની સજા થઈ જતાં ધનંજય સિંહની મનની મનમાં રહી ગઈ પણ તેમણે કરેલી તૈયારીઓ તેમનાં પત્નીને કામ આવશે. શ્રીકલા રેડ્ડી પણ રાજકારણી છે અને જૌનપુર જિલ્લા પંચાયતનાં પ્રમુખ છે.
શ્રીકલા બીજા ગેંગસ્ટર્સની પત્નીઓની જેમ પતિની તાકાત પર બનેલાં રાજકારણી નથી પણ પહેલેથી રાજકારણી જ હતાં. શ્રીકલા દક્ષિણ ભારતના જાણીતા નિપ્પો બેટરી પરિવારની દીકરી છે. તેના પિતા સ્વ. જિતેન્દ્ર રેડ્ડી તેલંગણામાં હુઝૂરનગર બેઠકના ધારાસભ્ય હતા. શ્રીકલાએ રાજકીય કારકિર્દી ભાજપમાં જોડાઈને શરૂ કરેલી પણ ભાજપે ૨૦૧૮માં હુઝૂરનગર બેઠક પરથી ટિકિટ ના આપતાં યુપી આવી ગયાં. યુપીમાં ધનંજય સિંહનું વર્ચસ્વ છે તેથી જૌનપુર જિલ્લા પંચાયતનાં પ્રમુખ બની ગયાં. ભાજપ અને અનુપ્રિયા પટેલની અપના દલે સપાને સત્તાથી દૂર રાખવા શ્રીકલાને મદદ કરી છે.
શ્રીકલા રેડ્ડી મેદાનમાં ઉતરતાં જૌનપુર બેઠકનો મુકાબલો રસપ્રદ થઈ ગયો છે કેમ કે છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી પૂર્વાંચલમાં ધનંજય સિંહના નામના સિક્કા પડે છે. યુપીના ટોચના ત્રણ ગેંગસ્ટરમાંથી એક ધનંજયનો દબદબો પૂર્વાંચલમાં એવો છે કે, બધા સરકારી કોન્ટ્રાક્ટ હજુય ધનંજયના માણસોને જ આપવા પડે છે. ધનંજયના માણસો કોરાં ટેન્ડર જ ભરીને મોકલે પછી સરકારી અધિકારીઓ લોએસ્ટ રકમ ભરીને ધનંજયના ઘરે આવીને કોન્ટ્રાક્ટ સાઈન કરાવી જાય છે. ધનંજય છેલ્લા બે દાયકાથી રાજકારણમાં પણ સક્રિય છે. માયાવતીએ ધનંજયને ૨૦૦૨માં રારી બેઠક પરથી ટિકિટ આપી અને ધનંજયે રાજકીય વર્ચસ્વ વધાર્યું, ધનંજયે બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા પછી ૨૦૦૯માં બસપાના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી ત્યારે પોતાના પિતાને ધારાસભ્ય બનાવી દીધેલા. ૨૦૧૪માં માયાવતી સાથે ડખો પડતાં અપક્ષ ઊભો રહેલો ધનંજય હારી ગયેલો. એ પછી બે વાર વિધાનસભાની ચૂંટણી પણ હાર્યો પણ ડોન તરીકેનો તેનો દબદબો ખતમ થયો નથી. શ્રીકલાને આ દબદબાનો લાભ મળી શકે.