ચોવક કહે છે: ભેંસ દોહવી એટલે રાજાને રીઝવવા સમાન!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
જોકે બહુ ઓછા લોકોને જે મળે તે સ્વીકારીને ખાઈ લેવાની આદત હોય છે. ઘણા લોકોને તો એવી પણ આદત હોય છે કે, જે મળે તે બધું જ ખાઈ લેવું! ફરીથી વાંચજો આ બે કથનમાં ઘણો ફરક છે, બન્નેનો અર્થ પણ જુદો થાય છે. એક ચોવક છે: “બકરી છડે કકરી, ઉઠ છડે અકે ‘છડે’ શબ્દનો અર્થ થાય છે: છોડે અને કકરી એટલે કાંકરી. ‘ઉઠ’ એઠલે ઊંટ અને ‘અક’ એટલે આકડો! આકડો એક વનસ્પતિનું નામ છે. શબ્દાર્થ તો એ થાય છે કે, જે મળે તે ખાઈ લેવું. બકરી બધું જ ખાઈ જાય છે, તે માત્ર કાંકરી ન ખાય! અને ઊંટ પણ આકડાના પાંદડાં સિવાય બધું જ ખાઈ છે! પણ ચોવકમાં કટાક્ષ ડોકાય છે, અને તે એવી વ્યક્તિઓ માટે છે, જે બધું જ ખાય છે!
જંગલમાં રહેતું એક હિંસક પ્રાણી છે, જે ‘ભગાડ’ તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં પણ એજ નામ છે, પણ ઓળખ તરીકે ‘સુવ્વર’ પણ વપરાતું હોય છે. સામાન્ય રીતે ગામડાઓની સીમમાં એ પ્રાણી દેખાતું હોય છે અને ભરવાડ કે ગોવાળ જ્યારે બકરીનાં વગને ચારવા માટે સીમમાં જાય છે ત્યારે એ પ્રાણી તેમાંની એકાદ બકરીનો શિકાર કરતું હોય છે. ચોવક શું કહે છે? ચોવક છે: “ભગા઼ડ વગ઼ મેં પે ત જેંજી હિક઼ડી વે તેં કે ખણે અહીં પહેલો શબ્દ જે ભગા઼ડ છે, તેનો અર્થ આપણે જોઈ લીધો. ‘વગ઼’ એટલે વગ કે ધણ. ‘વગ઼ મેં’ એટલે (બકરીઓનાં) ધણમાં અને ‘ત’ જે એકાક્ષરી શબ્દ છે તેનો અર્થ થાય છે: ત્યારે! ‘પે ત’ બે એકાક્ષરી શબ્દોનો સમૂહ છે અને તેનો અર્થ થાય છે ‘પડે ત્યારે’! ‘જેંજી’ એટલે જેની અને ‘હિક઼ડી’નો અર્થ થાય છે: એક. ‘વે’ એટલે હોય અને ‘તેં કે’ એ બે શબ્દનો અર્થ થાય છે: તેને. ‘ખણે’ શબ્દનો અર્થ છે: ઉપાડે. મતલબ કે, ભગાડ જ્યારે ધણ પર હુમલો કરે ત્યારે જેની એક જ બકરી હોય તેને જ ઉપાડે! અહીં આ અર્થ સામે ચોક્કસ સવાલ પેદા થાય કે, ભગાડ ને કેમ ખબર પડે કે, કઈ બકરી તેના માલિકની એકની એક બકરી છે? ખરુંને? સવાલ સાચો છે, પરંતુ જવાબ જે બતાવ્યો છે, તે માત્ર શબ્દોનો સંકલિત અર્થ છે, જ્યારે ચોવક કહેવા એમ માગે છે કે, જેની દશા માઠી ચાલતી હોય તેના પર વધારે ખરાબ દશાનાં બેસણાં થાય છે!
બકરીના સંદર્ભમાં બીજી પણ આવા ભાવાર્થવાળી ચોવક સમાજમાં પ્રચલિત છે. લો, આ રહી એ ચોવક: “ભા, ફતૂ પૌ વીંયાણી, બાઈ, મુલકેં જા ત વગ઼ વીયાંજેંતા એક બહેનની એકની એક બકરીએ બચ્ચાંને જન્મ આપ્યો. ‘પોં’ એટલે બકરી અને ‘વિંયાણી’નો અર્થ વિયાઈ! એ બહેને હરખાઈને ફતૂ નામના ભાઈને વધામણી આપતાં કહ્યું: ભાઈ, ફતુ, મારી બકરી વિયાણી. ફતુએ સામે હરખ વ્યક્ત કરવાના બદલે કહ્યું: (એમાં શું નવાઈ?) જગતમાં તો વગના વગ (બકરીનાં) વિયાતાં હોય છે! ‘મુલકેં જા’ શબ્દનો અર્થ છે, જગતમાં કે મુલકમાં, પરંતુ ચોવકનો ભાવાર્થ એ છે કે, પોતાની વાત વિશેષરૂપે રજૂ કરવી! બીજાની વાતને જરા પણ મહત્ત્વ ન આપવું!
જેમ બકરીનો પ્રયોગ એક સાધન તરીકે ચોવકમાં કરવામાં આવ્યો છે, તેજ રીતે ભેંસનો પણ ઉપયોગ કરાયો છે. અહીં ભેંસના પ્રયોગ સાથેની એક ચોવક મૂકું છું, માણજો, મજા આવશે. ચોવક છે: “મે જો ડૂજાણું ને, રાજા રી઼જાયણું કચ્છીમાં ભેંસને ‘મે’ કહેવાય છે. પહેલા ત્રણ શબ્દોનો એક સાથે અર્થ કરીએં તો, ‘મે જો ડૂજાણું’ એટલે ભેંસને દોહીને દૂધ મેળવવું. ‘ને’ શબ્દનો અને તેનો અર્થ છે ‘એટલે’. ‘રાજા’નો અર્થ રાજા અને ‘રી઼જાયણું’ એટલે રીઝવવું કે મનાવવું. શબ્દાર્થ છે: ભેંસ દોહવી એટલે રાજાને રીઝવવા જેટલું મુશ્કેલ! ભેંસને દોહતાં પહેલાં તેની ખૂબ આળપંપાળ કરવી પડતી હોય છે, અને જો, ભેંસ રિસાય તો જલ્દીથી તેના આંચળમાં હાથ નાખવા જ ન દે! હવે, સમાજમાં આવા માણસો પણ હોય છે, તેને તમે શોધી કાઢજો!!