કલ્યાણ-ડોંબિવલી, તળોજા, ઉલ્હાસનગરમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના જાંબુળ ફિલ્ટરેશન પ્લાન્ટ અને બારવી પાઈપલાઈનમાં મેઈન્ટેન્સનું કામ ગુરુવાર ૧૮ એપ્રિલના રાતના ૧૨ વાગ્યાથી શુક્રવાર રાતના ૧૨ વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. આ સમારકામ દરમિયાન કલ્યાણ-ડોંબિવલી પાલિકા વિસ્તાર, ઈન્ડસ્ટ્રિયલ એરિયા, ઉલ્હાસનગર, તળોજા ઈન્ડસ્ટ્રિયલ એરિયાને લાગીને આવેલા ગ્રામપંચાયત વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના બારવી બંધ અને જાંભૂળ ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી થાણે, કલ્યાણ, ડોંબિવલી, નવી મુંબઈ શહેરના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં દરરોજ પાણીપુરવઠો કરવામાં આવે છે. ગુરુવાર રાતના ૧૨ વાગ્યાથી શુક્રવાર રાતના ૧૨ વાગ્યા સુધી બારવી પાઈપલાઈન અને જાંભૂળ ફિલ્ટરેશન પ્લાન્ટમાં સમારકામ ચાલવાનું છે.
આ સમારકામ દરમિયાન ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ રાખવામાં આવશે. તેથી આ યંત્રણામાંથી સંબંધિત શહેરોને થનારો પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે. આ બંધને કારણે શનિવારે ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થવાની શક્યતા છે. તેથી નાગરિકોને સંભાળીને પાણી વાપરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.